નડિયાદ: નડિયાદના હાર્દ સમા વાણીયાવડ વિસ્તારમાં ગઈકાલે એક સોસાયટીમાં મકાનની ગેલેરી અને સ્લેબ ધરાશાયી થયો હતો. સદનસીબે અહીંયા કોઈ જાનહાનિ થઈ નથી. જો કે, નીચે પાર્ક કરેલી ગાડીને ખાસ્સુ નુકસાન થયુ હોવાનું જાણવા મળ્યુ છે. નડિયાદ શહેરના હાર્દસમા વાણીયાવડ વિસ્તારમાં આવેલા BAPS સ્વામીનારાયણ મંદિરની બાજુમાં આવેલી રામકુંજ સોસાયટીમાં રાજુભાઈ દેસાઈના 7 નંબરના મકાનમાં બે માળની ગેલેરી અને સ્લેબ તૂટી પડ્યો હતો. જ્યાં નીચે પિયુષભાઈ પટેલે પાર્ક કરેલી ગાડીમાં ભારે નુકસાન થયુ હતુ. જો કે, અહીંયા બિનાસ્થળે કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતા જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી.
જ્યાં જર્જરીત ભાગ ઉતારવા સહિતની જરૂરી કાર્યવાહી કરાઈ હતી. જો કે, સમગ્ર મામલે નડિયાદ નગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. ચોમાસા પૂર્વે જિલ્લા કલેક્ટર દ્વારા કરાયેલી પ્રિ-મોન્સુન કામગીરીની બેઠકમાં જ જર્જરીત એકમો ઉતારી લેવા જરૂરી દિશાનિર્દેશ કર્યા હતા, પરંતુ નડિયાદ નગરપાલિકાએ કોઈ અસરકારક કાર્યવાહી કરી નહોતી. જેના પગલે આ વર્ષે પણ આવી બિના બની છે. ગયા વર્ષે શહેરના હાર્દસ વિસ્તારમાં એક વર્ષો જૂનુ જર્જરીત મકાન તૂટી પડ્યુ હતુ. ત્યાં પણ ગીચ વિસ્તાર હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. ત્યારે દર વર્ષે બનતી આવી આકસ્મિક ઘટનાના નિવારણ અર્થે પાલિકા ચોક્કસ કાર્યવાહી ન કરતી હોવાની રાવ ચાલી રહી છે. પાલિકા દ્વારા દર વરસે જર્જરિત મકાન ઉતારવા નોટીસ આપવામાં આવે છે. પરંતુ બધુ કાગળ પર જ રહે છે.
મુખ્ય ઈજનેરે ફોન રીસિવ ન કર્યા
આ સમગ્ર બાબતે નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફીસર રૂદ્રેશભાઈ હુદળનો સંપર્ક કરતા તેઓ પોતે રજા ઉપર હોવાનું જણાવ્યુ હતુ. જો કે, આ મામલે નગરપાલિકા દ્વારા અનેક એકમોના માલિકોને નોટીસ આપી હોય અને કેટલીય દુકાનો અને સ્લેબ ઉતાર્યા હોવાનું જણાવ્યુ હતુ. વધુ વિગત માટે તેમણે મુખ્ય ઈજનેર ચંદ્રેશભાઈ ગાંધીનો સંપર્ક કરવા જણાવ્યુ હતુ, જો કે, મુખ્ય ઈજનેરે ફોન રીસિવ કર્યો ન હતો.