નડિયાદ: સામાન્ય રીતે પ્રિમોન્સુન કામગીરી 15 જૂન સુધી પૂર્ણ કરવાની છે. પરંતુ નડિયાદ નગરપાલિકાના સત્તાધારીઓ અને તેમના મળતીયા કોન્ટ્રાક્ટરો 6 જુલાઈ સુધી આ કામગીરી કરવામાં પાંગળા સાબિત થયા છે. ચકલાસી ભાગોળ પાસેની કાંસની સફાઈ કર્યા બાદ તેમાંથી કઢાયેલી ગંદકી 10 દિવસે હજુ પણ જાહેર માર્ગ પર યથાવત છે. જ્યારે હજુ કાંસની સફાઈની કામગીરી પણ અધૂરી દેખાઈ રહી છે.
નડિયાદ પાલિકાએ કારોબારી સભામાં ઠરાવ કરી પ્રિમોન્સુન કામગીરીનો કોન્ટ્રાક્ટ રીન્યુ કરી દીધો હતો. સત્તાધારીઓએ પોતાના મળતીયાઓની સંજય વાણીયા નામની એજન્સીને આ કોન્ટ્રાક્ટ આપવા માટે કોઈ પણ ટેન્ડરીંગ પ્રક્રિયા કરાઈ ન હતી. ત્યારે આ કોન્ટ્રાક્ટર પર જાણે તંત્રના ચાર હાથ હોય તેમ હજુ સુધી પ્રિમોન્સુનની કામગીરી પૂર્ણ કરી નથી. શહેરના ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ પર આવેલી ખુલ્લી વરસાદી કાંસની સફાઈ 15 જૂન સુધી પૂર્ણ કરવાના બદલે આજથી દસેક દિવસ પહેલા સફાઈ શરૂ કરાઈ હતી, ત્યારબાદ ત્યાં ગંદકી જાહેર માર્ગ પર ઠાલવી હતી. આ પ્રદૂષિત કચરો હજુ સુધી ભરાયો નથી. તો કાંસની સફાઈ પણ હજુ અધૂરી છે.
ત્યારે પ્રદૂષિત કચરો જાહેર રોડ પર નાખી રાખતા ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો માટે જોખમી બન્યો છે. એટલુ જ નહીં, ત્યાં રહેતા અને વ્યવસાય કરતા લોકો પણ હાલાકી ભોગવી રહ્યા છે. ગંદકી એટલી હદે દુર્ગધયુક્ત છે કે, લોકો બિમારીમાં સપડાઈ રહ્યા છે. આ અંગે સ્થાનિક આગેવાનો દ્વારા કોન્ટ્રાક્ટરથી માંડી નગરપાલિકાના પ્રમુખને રજૂઆતો કરી છે. પરંતુ પ્રિમોન્સુન કામગીરીના દેખાડા કરનારુ તંત્ર હજુ સુધી આ અંગે કોઈ પરીણામ આપી શક્યુ નથી. જેના કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભુ થયુ છે.
કોન્ટ્રાક્ટર ખોટા વાયદા કરે છે
આ મામલે નજીકમાં રહેતા સ્થાનિક મયુર તળપદાએ જણાવ્યુ હતુ કે, આ સંદર્ભે સ્થાનિક આગેવાનો થકી કોન્ટ્રાક્ટરને અમારી સામે ફોન કરાવ્યો હતો, જ્યાં કોનટ્રાક્ટરે તાત્કાલિક કચરો હટાવવાનો વાયદો કર્યો, ત્યારબાદ તો મેઘરાજાએ ત્રણ વાર એન્ટ્રી કરી દીધી, પરંતુ કોન્ટ્રાક્ટરનો વાયદો સાચો પડ્યો નથીઃ મયુર તળપદા, સ્થાનિક
કચરો પાછો કાંસમાં ઉતરે છેઃ જયેશ ઠાકોર
અમે આ ગંદકી અને દુર્ગંધથી કંટાળી ગયા છે. અમારા ફળિયામાં અનેક લોકો બિમાર પડતા સારવાર લેવા મજબૂર બને છે. આ અંગે આગેવાનો થકી નગરપાલિકાના પ્રમુખને જાણ કરાવી હતી. પરંતુ પ્રમુખ સફાઈ કરાવવાના બદલે કચરો થોડા દિવસ સુધી ન ભરાય તેવા બહાના કરે છે. હજુ સુધી કચરો ન ભરતા વરસાદમાં કેટલીય ગંદકી ફરી કાંસમાં ઉતરી ગઈ છેઃ જયેશ ઠાકોર, સ્થાનિક