નડિયાદ: નડિયાદ નગરપાલિકાના પાપે શહેરના અનેક વિસ્તારમાં આવેલા જાહેર શૌચાલયો ખંડેર હાલતમાં ફેરવાયેલા દેખાઈ રહ્યા છે. તો વળી જ્યાં શૌચાલયો ચાલુ છે, ત્યાં સફાઈની કોઈ વ્યવસ્થા દેખાતી નથી. આટલુ તો ઠીક પણ કેટલાય જાહેર શૌચાલયો વનસ્પતિથી ઘેરાઈ ગયેલા દેખાઈ રહ્યા છે. તંત્ર દ્વારા પોતાની માલિકીના શૌચાલયોની તસ્દી ન લેવાતા આ હાલ થયા હોવાનું લોકો જણાવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ નડિયાદ શહેરમાં 8 લાખ કરતા વધુ નાગરીકો રહે છે, ઉપરાંત જિલ્લાનું વડુ મથક હોવાના કારણે આસપાસના તાલુકાના લોકો પણ મોટા પ્રમાણમાં નડિયાદ શહેરમાં પોતાના કામ માટે આવતા હોય છે. ત્યારે લોકોને રોજીંદી ક્રિયા માટે જાહેર શૌચાલયો હોવા જરૂરી છે. જો કે, નડિયાદ નગરપાલિકામાં વરવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. નડિયાદ શહેરના જાહેર માર્ગો પર બનાવાયેલા જાહેર શૌચાલયો સંભાળના અભાવે વર્ષોથી બિનઉપયોગી બન્યા છે. પરીણામે આ શૌચાલયોમાં હાલ જંગલી વનસ્પતિ ફૂટી નીકળ્યુ છે. તો શૌચાલયોની હાલત પણ ખૂબ જોખમી અને જર્જરીત બની છે.
શહેરમાં સંતઅન્ના ચોકડી નજીક માહિતી ભવનની બાજુમાં જ એક શૌચાલય આવેલુ છે, તો શહેરના ચકલાસી ભાગોળ પર પણ જાહેર શૌચાલયનું બિલ્ડીંગ છે. આ બંને જાહેર શૌચાલયો શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગો પર છે. પરંતુ વર્ષોથી બંધ પડ્યા હોવાના કારણે ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા છે. શૌચાલયનો લોકો મોટા પાયે ઉપયોગ કરતા હતા, પરંતુ બંધ કરી દીધા બાદ હવે મુસાફરો અને સ્થાનિકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. એકતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હર ઘર શૌચાલયના નારાને બુલંદ કરવા પ્રયત્નશીલ છે, ત્યારે ભાજપ શાસિત નગરપાલિકા હદ વિસ્તારમાં જાહેર શૌચાલયોની આ હાલત ક્યાંક ચિંતાજનક છે.