નડિયાદ: નડિયાદમાં રખડતા ઢોરના આતંકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એટલુ જ નહીં, 40 સેકન્ડની આ ઘટનામાં યુવકનો માંડ જીવ બચ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગાંડી બનેલી ગાયે તોફાન મચાવતા વાહનચાલકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા, અંતે નગરપાલિકાની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી ગાયને પકડી લેવાઈ હતી. નડિયાદમાં રખડતા ઢોરના આતંકની ખતરનાર ઘટનાએ સ્થાનિકોને હચમચાવી મુક્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં જૂના ડૂમરાલ રોડના અંતે શારદા મંદિર સ્કૂલ અને સાંઈબાબ મંદિરના નજીકના રીંગરોડ પરના વિસ્તારમાં એક કાળી ગાય આજે તોફાને ચઢી હતી.
ગાંડીતુર બનેલી આ ગાયે પહેલા રોડ પર આતંક મચાવ્યો હતો, આડેધડ ભાગી રહેલી ગાયના કારણે અનેક વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા હતા અને લોકો બચવા માટે હાંફળા-ફાંફળા થઈ ભાગ્યા હતા. આ દરમિયાન ગાંડી બનેલી ગાય ત્યાં હાજર એક યુવકની પાછળ પડી હતી. જ્યાં 200 સુધી યુવકને દોડાવ્યા બાદ 20 સેકન્ડ સુધી ફંગોળી નાખ્યો હતો. આ વખતે નગરપાલિકાની ઢોર પાર્ટીની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ગાયને છૂટી લાકડીઓ મારી યુવકને છોડાવ્યો હતો. ત્યારબાદ બે કલાકની જહેમત બાદ આ મારકણી ગાય નગરપાલિકાના ઢોર ડબ્બે પુરાઈ હતી. નડિયાદ શહેરમાં રખડતી ગાય દ્વારા આ અગાઉ પણ અનેક નિર્દોષ નાગરિકોને શીંગડે ચડાવ્યાં છે. અગાઉ સોસાયટીમાં ઘર પાસે ઉભેલા બે ભાઈ – બહેનને પણ પણ રગદોળ્યાં હતાં.