સુરત: મહિધરપુરા કંસારા શેરી સ્થિત એન્ટવર્પ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેનારી એક મહિલાએ ગઇકાલે ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરતા અંદાજે 150 જેટલા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને બિલ્ડિંગમાં જ ગોંધી દીધા હતા. ઘટનાની જાણ થતાં મહિધરપુરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બહાર કાઢ્યા હતા. ઘટનાને ગંભીરતાથી લેતાં પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- મહિધરપુરા પોલીસે આવીને દરવાજો ખોલાવી પોણો કલાકે તમામને બહાર કાઢ્યા
- ટ્યુશન ક્લાસના કારણે થતાં પાર્કિંગને લીધે સંચાલક સાથે મહિલાનો ઝગડો થતો હતો
મહિધરપુરા કંસારા શેરી ખાતે એન્ટવર્પ પાર્ક બિલ્ડિંગ આવેલુ છે જેમાં કતારગામ લેકગાર્ડન પાસે રહેતા પરેશભાઇ અંકલેશ્વરિયા વર્ષોથી ટ્યુ્શન ક્લાસ ચલાવે છે. દરમિયાન ગઇ તારીખ17 જુલાઈ 2025ના રોજ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતાં 50 વર્ષીય કામિનીબેન મનહરભાઈ સોનીએ બિલ્ડિંગનો મુખ્ય દરવાજો તાળું મારી દેતા અંદર હાજર લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ અંદર ફસાઈ ગયા હતા.
અંદર નાના બાળકો હોવા છતાં કામિનીબેન સોનીએ તાળું ન ખોલાતા બેકાબૂ સ્થિતિ સર્જાઈ હતી અને વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો પણ ભયભીત થઈ ગયા હતા. તાત્કાલિક પરેશભાઈ દ્વારા મહિધરપુરા પોલીસ મથકે જાણ કરાતાં પોલીસ દળ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. ત્યારબાદ તમામ લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.
આ દરમિયાન કામિનીબેન સોનીએ વિધાર્થીઓ, શિક્ષકો તેમજ અન્ય કર્મચારીઓ સામે ગાળો બોલવી, ધમકી આપવી જેવી હરકતો પણ કરી હતી. પોલીસે પરેશભાઈ અંકલેશ્વરીયાની ફરિયાદના આધારે કામિનીબેન સોની સામે IPC મુજબ ગેરકાયદેસર અટકાયત સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે કામિનીબેન સોની અગાઉ પણ ક્લાસીસના સંચાલક તથા ઓફિસ ધરાવતા અન્ય વ્યક્તિઓ સાથે પૈસાની માંગણીને લઈને વિવાદ ઉભો કરતી હતી. હાલમાં કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.
બાળકોનાં વિલંબથી વાલીઓ પણ સોહમ ક્લાસ પર દોડી આવ્યા
સોહમ ક્લાસમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ 30 મિનિટ મોડાં ઘરે પહોંચતા વાલીઓમાં ચિંતા ઊભી થઇ હતી. શુક્રવાર સાંજે 7.30 વાગે છૂટી ગયેલા બાળકો જ્યારે નિર્ધારિત સમયે ઘરે નહીં પહોંચ્યા ત્યારે અનેક વાલીઓ દ્વારા ક્લાસીસના ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.પરંતુ સંચાલક તરફથી યોગ્ય માહિતી મળતી ન હતી,પરેશાન વાલીઓ સીધા ક્લાસીસ પર દોડી આવ્યા હતા. લગભગ પોણો કલાક સુધી બાળકો અંદર અટવાયા રહેતાં તેઓ હકભરાઇ ગયા હતા.