કીમ: કીમ (Kim) નજીક આવેલી એક રેસિડેન્સીના ફ્લેટમાંથી એક યુવકનો શંકાસ્પદ હાલમાં મૃતદેહ (Death Body) મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. એટલું જ નહીં ફ્લેટમાં ચાર મિત્રો પૈકી એક યુવક ઘવાયેલી હાલતમાં મળી આવતા સુરત સિવિલ હોસ્પિટલમાં (Hospital) સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તેમજ બે મિત્રો ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તએ પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- પંજાબથી રોજગારીની શોધમાં આવેલા યુવાનનું મોત
- રૂમ પાર્ટનર વચ્ચે ઝઘડો થતા બે મિત્રોએ ચપ્પુના ઘા ઝીંક્યા
- રૂમમાંથી એક યુવક ઈજાગ્રસ્ત હાલમાં મળી આવતા સિવિલ ખસેડાયો
કીમ નજીક આવેલી ચિરાગ રેસિડેન્સીના એક ફ્લેટમાંથી શંકાસ્પદ હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે એજ ફ્લેટમાં બીજો યુવક લોહીલુહાણ હાલતમાં મળી આવતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યુું છે કે ચાર મિત્રો પૈકી બે મિત્રો ભાગી ગયા છે. ઈજાગ્રસ્ત અવતાર સિંહએ જણાવ્યું હતું કે અંદરો અંદર ઝઘડામાં બે મિત્રોએ બીજા મિત્રો પર ચપ્પુ વડે હુમલો કરી ભાગી ગયા હતા. ઈજાગ્રસ્તએ જણાવ્યું કે ઝઘડાનું કોઈ કારણ તે જાણતો નથી.
પોલીસના જણાવ્યા અનુસાર કીમમાં ચિરાગ રેસિડેન્સીના B-8 વિભાગના ફ્લેટ નંબર 202માં ચાર મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસને લોહી લુહાણ હાલતમાં ગોરાસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અવતારસિંહ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને નજીકની હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઇજાગ્રસ્ત અને મૃતક બન્ને અમૃતસર પંજાબના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. કીમ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે ઈજાગ્રસ્ત હાલમાં મળી આવેલ યુવકનું નામ અવતારસિંહ સેવાસિંહ(ઉ.વ.28) છે. મૂળ પંજાબના વતની હોવાનું જાણવા મળ્યું છે અવતારસિંહના જણાવ્યા અનુસાર તેઓ 2-3 દિવસ પહેલા જ વતન પંજાબથી સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. તે વતનવાસીઓ સાથે એક જ રૂમમાં રહેતો હતો. ગુરુવારની રાત્રે રૂમમાં અદરો અંદરના ઝઘડામાં પેટમાં ચપ્પુ ઘુસાડી બે જણા ભાગી ગયા હતા.