ખેરગામ : નવસારી જિલ્લામાં કોરોનાનું ( corona) સંક્રમણ વધી રહ્યું છે અને હવે ગામડાંમાં ઘરે-ઘરે કોરોના સંક્રમણના વધુ કેસ જોવા મળી રહ્યા છે. ત્યારે ખેરગામ તાલુકામાં કોરોના સંક્રમણને લઈ લોકોમાં ચિંતા વધી છે. કારણ કે, કોરોના થાય તો સામૂહિક પરિવાર અને કાચાં મકાનમાં રહેતા મહત્તમ આદિવાસી પરિવારો એક જ છત નીચે કઈ રીતે રહી શકે એ મોટો પ્રશ્ન છે. હાલ જ્યાં કોરોનાએ કહેર મચાવ્યો છે. ત્યારે આદિવાસીઓમાં પણ કોરોનાનું પ્રમાણ વધી રહ્યું છે. વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સારવાર માટે ઓક્સિજનની ( oxygen) વ્યવસ્થા તેમજ આઇસોલેશન સેન્ટરની સુવિધા ઊભી કરવામાં આવે તેવી માંગણી ગ્રામીણોમાં ઊઠી છે.
કોરોના સંક્રમણ આરોગ્ય વિભાગના આંકડા કરતાં અનેક ગણું વધી રહ્યું છે. જિલ્લાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. જેના કારણે લોકોએ હોમ આઇસોલેશન થવું પડે છે, પરંતુ ગામડાંની સ્થિતિ વિકટ છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારનાં ગામડાંમાં જ્યાં કાચાં મકાનો છે અને નાનાં મકાનોમાં પરિવારની સંખ્યા પણ વધુ હોય છે. તેવા સંજોગોમાં પરિવારનો કોઈ એક સભ્ય કોરોનાથી સંક્રમિત થાય તો પરિવારમાં પણ સંક્રમણ વધી રહ્યું છે. જેના કારણે જિલ્લાના આદિવાસી પટ્ટાના ખેરગામ તાલુકાના કાકડવેરી, જામનપાડા, વડપાડા, તોરણવેરા, પાટી, પાણીખડક, નડગધરી જેવાં ગામોમાં દિવસે દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આ ગામડાંમાં દરરોજના એકથી બે લોકો મૃત્યુ પણ પામી રહ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. તાલુકામાં એમ્બ્યુલન્સની સુવિધા પણ ઓછી છે. સ્મશાનમાં કોરોનાની ગાઈડલાઈન ( corona guideline) સાથે અગ્નિદાહ આપી શકાય એ પ્રમાણેનાં સ્મશાનગૃહ પણ નથી.
પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ( oxygen ) અને દવાની ( medicine) વ્યવસ્થા ઊભી કરની જરૂરી
કોરોનાના વધતા સંક્રમણ સાથે તાલુકાની PHC માં ટેસ્ટિંગ ઓછાં થઈ રહ્યાં છે. સાથે જ CHC સેન્ટરોમાં પણ ઓક્સિજન સાથેના બેડની વ્યવસ્થા યોગ્ય પ્રમાણમાં થઈ નથી. જેના કારણે કોરોના સંક્રમિત દર્દીઓને વલસાડ, નવસારીની સિવિલ ( navsari hospital) હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલો પર આધાર રાખવો પડે છે. ત્યારે ખેરગામ અને ગણદેવીના ભાજપના ધારાસભ્ય નરેશ પટેલ સહિત આગેવાનો મહામારીના સમયમાં આદિવાસીઓની સ્થિતિ સમજી વહેલી તકે તાલુકામાં આઇસોલેશન સેન્ટર તેમજ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને કોરોનામાં મળતી દવાઓની વ્યવસ્થા ઊભી કરે એવી માંગણી આદિવાસીઓ કરી રહ્યા છે.
- પૈસાના અભાવે પણ ટ્રીટમેન્ટ લેવા જતા નથી
આ બાબતે ખેરગામ આદિવાસી મોરચાના પ્રમુખ અને જામનપાડાના અરવિંદ ગરાસિયાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં કોરોનાને કારણે પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. ચાર-પાંચ દિવસમાં મોતના કિસ્સા બને છે. આ વિસ્તારમાં આઇસોલેશનની સુવિધા નથી. આઇસોલેટ વોર્ડ ઊભા કરવા જોઈએ. મેડિકલ સ્ટાફ પણ નથી. ઘણીવાર લોકો પૈસાના અભાવે પણ ટ્રીટમેન્ટ લેવા જતા નથી. સરકાર જાગે અને વહીવટી તંત્રને જવાબદારી સોંપે એ જરૂરી છે. - ઓક્સિજન બેડ હોય તો માણસો બચી શકે
આ બાબતે જિલ્લા પંચાયતનાં માજી સભ્ય ડો.ગુણવંતીબેન પટેલે જણાવ્યું હતું કે, ખેરગામની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અત્યારે એમ્બ્યુલન્સ જ નથી મળતી, પેશન્ટને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. જેને કારણે દર્દીઓને દાખલ કરવા લઈ પણ જવાય તો અડધે જ મરી જાય છે. ઘણીવાર દર્દી ઘરમાં પડી રહે તો પોતે દુઃખી થાય, ઘરમાં બીજાને પણ સંક્રમણ લગાવી શકે છે. હાલમાં ડોક્ટરી સ્ટાફ પણ વધારવાની જરૂર છે. દરેક પીએચસીમાં ઓક્સિજન બેડ હોય તો માણસો બચી શકે. સંક્રમણ પણ અટકી શકે. - પાંચ ઓક્સિજન મશીનનો ઓર્ડર આપી દીધો છે
આ બાબતે ભાજપના અગ્રણી ભૌતેશ કંસારાએ જણાવ્યું હતું કે, હાલની સ્થિતિ સારી નથી. આઇસોલેશન માટે જગ્યા નથી. લોકો આઇસોલેટ ઘરે જ થાય છે એટલે ઘરે સંક્રમણ વધે છે. અત્યારે સિવિલમાં 15 બેડ થઈ રહ્યા છે. ખેરગામમાં 50 આઇસોલેશન બેથી ત્રણ દિવસમાં ઊભા કરવાના અમારા પ્રયાસો છે. ઓક્સિજન અંકેલેશ્વર, સુરત અને ગુંદલાવથી આવે છે. પચાસ હજારનાં પાંચ ઓક્સિજન મશીનનો ઓર્ડર આપી દીધો છે. ટૂંક સમયમાં મળી પણ જશે