કામરેજ: ખડસદ સ્થિત ઓમ રેસિડેન્સીમાં રહેતી બે સંતાનની માતાએ જિંદગીથી કંટાળી જઈ બેડરૂમમાં પંખાની હૂક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત (Suicide) કરી લીધો હતો.
- ખડસદ ગામે બે સંતાનની માતાએ ચિઠ્ઠી લખી આપઘાત કર્યો
મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગમાપીપડીના વતની અને હાલ કામરેજ તાલુકાના ખડસદ ગામે ઓમ રેસિડેન્સીમાં બી-16માં ફ્લેટ નંબર 303માં રહેતાં રંજનબેન ભરતભાઈ બોધાણી (ઉં.વ.42) મંગળવારના રોજ પતિ તેમજ સંતાનો સાથે માસી સાસુના ઘરે વરાછા મીની બજારે ગયા હતા. તેઓ મોડી રાત્રે 1 કલાકે પોતાના ઘરે આવ્યા હતા અને હોલમાં ઊંઘી ગયા હતા.
દરમિયાન બુધવારે સવારે તેમનો પુત્ર નૈતિક ઊઠ્યો હતો અને ત્યારે રંજનબેન હોલમાં જોવા નહીં મળતાં તેણે બેડરૂમમાં જઈને તપાસ કરતાં રંજનબેનને પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યાં હતાં. તેણે કાગારોળ મચાવી દેતાં ઘરના તમામ સભ્યો જાગી ગયા હતાં. ઘરમાંથી રંજનબેને લખેલી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. જેમાં જણાવ્યું હતું કે જિંદગીથી કંટાળી આ પગલું ભરું છું એમાં કોઈનો વાંક નથી મને માફ કરજો. જે અંગે કામરેજ પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કેવડીમાં કમ્પાઉન્ડમાં કચરો ફેંકવા ના કહેતાં યુવકને માર મરાયો
સુરત: ઉમરપાડા તાલુકાના કેવડી ગામે કમ્પાઉન્ડમાં કચરો નહીં ફેંકવાનું કહેવા ગયેલા યુવકને ભરવાડ ઇસમે ઉશ્કેરાઈ જઈ જાતિવિષયક અપશબ્દો બોલી ગાળો આપી છાતીમાં લાત મારતાં યુવકે ઉમરપાડા પોલીસમથકમાં ઈસમ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
કેવડી ગામે જિતેન્દ્ર નવીન વસાવા રહે છે. તેમના કમ્પાઉન્ડની બાજુમાં મેરા રામજી ભરવાડે શોપિંગ બનાવ્યું છે. અને ભાડેથી તેમણે અન્ય ભાડુઆતોને ધંધો કરવા માટે જગ્યા આપી છે. આથી ભાડુઆતો દ્વારા જિતેન્દ્રભાઈના કમ્પાઉન્ડમાં કચરો ફેંકવામાં આવતો હતો. આ બાબતે જિતેન્દ્રભાઈ મેરાભાઇની ઓફિસે ભાડુઆતો કચરો ફેંકતા હોવાનું કહેવા ગયા હતા. ત્યારે મેરાભાઇ ઉશ્કેરાઈ ગયો હતો અને જિતેન્દ્રને જાતિવિષયક અપશબ્દો બોલી અપમાનિત કરી ગાળો આપી હતી તેમજ ઢીકામુક્કીનો માર મારી છાતીમાં લાત મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સમયે જિતેન્દ્રભાઈએ બૂમાબૂમ કરતાં મેરા ભરવાડ ત્યાંથી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ જિતેન્દ્રભાઈએ ઉમરપાડા સરકારી દવાખાને સારવાર કરાવી મેરા રામજી ભરવાડ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ઉમરપાડા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.