એક સવારે એક ડોશીમાએ પોતાની નાનકડા ઘરનો દરવાજો ખોલ્યો તો આંગણમાં એક ભિખારી સૂતો હતો.દરવાજો ખૂલવાના અવાજથી તે ઊઠ્યો અને ડોશીમા તરફ જોવા લાગ્યો.ન બેઠો થયો, ન કંઈ માંગ્યું, બસ ડોશીમા સામે જોતો રહ્યો.ડોશીમા એકલાં રહેતાં હતાં.પોતાના પૂરતું દળણાં દળીને ભેગું કરતાં હતાં. કોઈ પાસે હાથ લાંબો કરતાં ન હતાં.દયાળુ ડોશીમાએ પેલા ભીખારીને પોતાની પાસે જે હતું તે ખાવાનું આપ્યું અને પછી પૂછ્યું, ‘શું તકલીફ છે ભાઈ અહીં કેમ સૂતો હતો?’
ભિખારી ખાવાનું ખાતાં બોલ્યો, ‘ના, ના, કોઈ તકલીફ નથી.’ડોશીમાએ પૂછ્યું, ‘તો પછી કેમ આમ પડ્યો રહ્યો છે?’ ભિખારી બોલ્યો, ‘આ મારી રીત છે.’ડોશીમા બોલ્યાં, ‘આવી વળી કેવી રીત?’ ભિખારી બોલ્યો, ‘જયારે પણ વાયરો વાતો બંધ થાય અને હું થાકી જાઉં એટલે જ્યાં હોઉં ત્યાં ઊંઘી જવાનો મારો નિયમ છે.’ડોશીમા બોલ્યાં, ‘ભાઈ, આવો કેવો નિયમ અને આવા નિયમથી જીવનમાં શું ફાયદો થાય.ભાઈ તું યુવાન છે કૈંક નક્કર વિચાર કર.’ ભિખારી બોલ્યો, ‘અરે માડી, મારો વિચાર બહુ પાકો છે. આપણે તો બસ વાયરો આવે તે દિશામાં ચાલવાનું.વાયરો બંધ થાય એટલે સૂઈ જવાનું અને હા, ભૂલથી પણ વાયરો સામી દિશામાંથી આવવો ન જોઈએ.’
ડોશીમા બોલ્યાં, ‘પણ તું ચાલતો જતો હોય અને અચાનક વાયરાની દિશા ફરી જાય તો?’ ભિખારી બોલ્યો, ‘વાયરાની દિશા ફરી જાય એટલે હું પણ ફરી જાઉં.મારે કયાં કોઈ ચોક્કસ કામ માટે ચોક્કસ દિશામાં જવાનું હોય.ભીખ અહીં માંગવી કે ત્યાં શું ફરક પડે.વાયરાની દિશા ફરે એટલે આપણે પણ ફરી જવાનું એ પાકું નક્કી છે.’ડોશીમા સમજી ગયાં કે આ યુવાનને જીવનમાં કોઈ અવરોધનો સામનો કરવો નથી અને કોઈ ચોક્કસ દિશામાં આગળ વધવું જ નથી એટલે જ તેના હાલ ભિખારી જેવા છે.જેને જાતે તકલીફો અને અવરોધોનો સામનો કરી કંઈ કરવું ના હોય તે હંમેશા ભિખારી જેમ જ જીવન જીવે છે.
દુનિયામાં ઘણાં આવાં હિંમત અને ધ્યેયથી વંચિત ભિખારી સમ માણસો દેખાશે જેમને જીવન જેમ આગળ વધે અને વાયરો જ્યાં લઇ જાય તે દિશા જ જવું હોય છે.પવન તરફ પીઠ કરીને ચાલવાનો નિયમ રાખનારાં લોકોને જીવનમાં કયારેય અવરોધનો સામનો કરવો હોતો નથી.જીવનમાં કોઈ પણ તોફાન આવે,અવરોધ આવે ત્યારે અટક્યા વિના સતત પોતાની હિંમતથી આગળ વધનારાં લોકો બહુ ઓછાં હોય છે અને એ લોકો જ જીવનમાં પ્રગતિ કરી શકે છે. જે તકલીફો અને અવરોધોથી દૂર ભાગે છે તેમની કોઈ પોતાની મંઝિલ હોતી નથી અને આમ દૂર ભાગીને તેઓ જીવનમાં કયાંય પહોંચી શકતાં નથી.અવરોધોથી ભાગો નહિ, તેમનો સામનો કરી માર્ગ કાઢી આગળ વધવામાં જ જીવનની સફળતા અને સાર્થકતા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.