SURAT

આના કરતાં તો જૂના કોચ સારા હતા, ફ્લાઈંગ રાણીમાં પાણી ટપકતા પેસેન્જરોને છત્રી લઈને બેસવું પડે છે!

સુરત: ભારતની (India) પ્રથમ ડબલ ડેકર ટ્રેન (Double Decker Train) ફ્લાઈંગ રાણી (Flying Rani)ના નવા LHB કોચમાંથી પાણી ટપકવા લાગ્યું છે, જેના લીધે ફ્લાઈંગ રાણી દેશની પહેલી એવી ટ્રેન બની છે જેમાં ચોમાસામાં પેસેન્જરોએ છત્રી લઈ બેસવું પડી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રેનની છત લીક થઈ રહી છે. જેના લીધે પેસેન્જરોએ છત્રી ખોલીને ટ્રેનમાં બેસવું પડી રહ્યું છે. છત્રી સાથે પેસેન્જરોનો એક ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

જણાવી દઈએ કે, ડબલ ડેકર કાઢી પેસેન્જરની કેરિંગ કેપેસિટી ઘટાડી જૂની ટ્રેન કરતા નવી ટ્રેનમાં નવા કોચ નાંખી માત્ર 3 સીટ વધારવામાં આવી છે. જોકે, ડબલ ડેકરમાં લોકો અપર ફ્લોર પર ઊભા રહી મુસાફરી કરતા એ સંખ્યા ગણતરીમાં લેવાઈ નથી.

જેના લીધે હાલ ફ્લાઈંગ રાણીમાં ભીડ વધી છે. લોકોને બેસવાની જગ્યા મળી રહી નથી. ટ્રેન રોજ ખીચો ખીચ જઇ રહી છે, નવી ફ્લાઈંગ રાણી નવીમાં 1999 સીટ થઈ છે, જૂની ડબલ ડેકરમાં 1996 સીટ હતી. જનરલ સીટ 50 વધી, MST ફર્સ્ટ કલાસ પાસ હોલ્ડર ની 18 સીટ વધી, લેડીઝ MST ફર્સ્ટ કલાસ પાસ હોલ્ડરની 11 અને સેકન્ડ ક્લાસની 10 સીટ વધી ,MST સેકન્ડ કલાસ પાસ હોલ્ડરની 36 સીટ ઘટી આ ગોઠવણ કરવામાં આવી છે.

લેડીઝના કોચમાં અને પાસ હોલ્ડરના કોચમાં, જનરલ ડબ્બામાં સામાન્ય લોકો માટે સીટમાં વધારો થયો છે. ટ્રેનની સ્પીડ 130 થઈ છે. ટ્રેનમાં બાયોડીગરેબલ ટોયલેટ મળી રહ્યાં છે. જોકે, ડબલ ડેકરમાં ઊભા રહેવાની તકલીફ પડી રહી છે. ડેઈલી અપ ડાઉન માટે મોર્ડન ટેકનોલોજી વાળા LHB કોચ સુવિધા જનક લાગી રહ્યાં નથી.

પાણી ગળતું અટકાવવા પ્લાસ્ટિક ચોંટાડાયા
ફ્લાઈંગ રાણીના નવા કોચે ભારતીય રેલવે તંત્રની આબરુના ધજિયાં ઉડાવી દીધા છે. કોચની અંદર પાણી ટપકતું હોય રેલવે તંત્ર દ્વારા કોચની છત પર બહારની તરફ પ્લાસ્ટિક ચોંટાડવા પડ્યા છે. ભારતમાં કદાચ પહેલીવાર કોઈ ટ્રેનમાં પાણી ટપકતું રોકવા માટે આવા પગલાં લેવા પડ્યા હતા.

Most Popular

To Top