Charchapatra

સીધા યુધ્ધમાં ચીન, ભારતને કયારેય ફાવવા નહિ દે

1962માં ચીને આપણા ઉપર લશ્કરી આક્રમણ કર્યું હતું. એ આક્રમણમાં આપણા ભાગે લગભગ કારમી હાર જ નસીબ થઇ હતી. ત્યાર પછી આજે સાઇઠ વર્ષ દરમ્યાન ભારત અને ચીન વચ્ચે કોઇ સીધુ યુધ્ધ થયું નથી. પણ ચીન આપણને અનેક રીતે પરેશાન કરતું આવ્યું છે. એણે આપણા અરૂણાચલ પ્રદેશને પોતાનો ગણ્યો છે અને અનેક વખત ઘુસણખોરી કરી છે. ભારત-ચીન વચ્ચેની કાયદેસરની રેખાને ઓળંગીને અનેક વખત ચીન સૈનિકો ભારતમાં ઘુસતા રહ્યા છે.

પ્રતિકારરૂપે, આપણા જવાનો એમને ખદેડીને પાછા ચીનની સરહદમાં મૂકી આવે છે. ચીન, પોતાની સરહદમાં અનેક પ્રકારના બાંધકામો કરી રહ્યું છે. ચીન, રોડ રસ્તાઓ તથા મકાનો બનાવી રહ્યું છે. આપણી ઉત્તર સરહદને પેલે પાર ચીને છેક પાકિસ્તાન સુધી સડકો અને રેલવેના પાટા નાંખી દીધા છે. ચીન દિવસે દિવસે આપણી સરહદે એની બાજુની તરફ ભયંકર લશ્કરી તાકાત વધારી રહ્યું છે. ચીનનું આકાશી દળ અને ભૂમિદળ આપણાથી તાકાતવર છે. ચીનના સૈનિકોની સંખ્યા આપણાથી ઘણી વધારે છે. ચીન પાસે લડાઇ લડવાનાં તમામ પ્રકારના આધુનિક શસત્રોતો ભંડાર આપણાથી વધારે છે. ચીન આજે સૌથી સમૃધ્ધ રાષ્ટ્ર બની ગયું છે.

ઔદ્યોગિક ક્ષેત્રે ચીન ભારતથી ઘણું આગળ છે. ચીની નાગરિકોની રાષ્ટ્રભાવના, આપણા નાગરિકો કરતા વધુ પ્રબળ અને વફાદાર છે. ચીન એક અતિ બળવાન કોમ્યુનિસ્ટ રાષ્ટ્ર છે.ચીનમાં વસતીની સંખ્યા સૌથી વધારે છે. એટલે ચીન કોઇ પણ રીતે પોતાની સરહદો પહોળી કરવાના મલિન વિચારોમાં ગુંથાયેલું રહ્યું છે. આખા તિબેટને તો એણે એના કબજામાં લઇ જ લીધું છે. આવા દેશ ચીન સાથે આપણે લશ્કરી યુધ્ધ આદરીને કયારેય ફાવી શકીએ એમ નથી. આ નરી વાસ્તવિકતાને આપણા રાષ્ટ્રીય નેતાઓ પણ સમજે જ છે. પાકિસ્તાન, તાલિબાનોના અફઘાનિસ્તાન તથા ચીનથી આપણે ભીંસાયેલા છીએ. ચીન સાથે વાતચીત અને સમજાવટથી જ ગાડુ ગબડાવ્યા સિવાય આપણી પાસે કોઇ રસ્તો નથી.
સુરત     – બાબુભાઇ નાઇ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top