Dakshin Gujarat

ચોમાસું જામતા વઘઈનો ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો, સાપુતારામાં ધુમ્મસની સફેદ ચાદર પથરાઈ

સાપુતારા : ડાંગ જિલ્લામાં વરસાદી મૌસમમાં વઘઇ અને ગીરમાળના ગીરાધોધમાં પાણીની આવક થતા સોળે કળાએ ખીલી ઉઠ્યા હતા.

ડાંગ જિલ્લામાં સતત પાંચ દિવસથી વરસાદ પડતા નદી, નાળા, વહેળાઓ, કોતરડા અને ઝરણાઓમાં પાણીની આવક વધી છે. ઉપરાંત ડાંગ જિલ્લાના જંગલ વિસ્તાર સહિત માર્ગોની સાઈડમાં આવેલા કુદરતી ઝરણાઓ પાણીની આવક સાથે ફૂટી નીકળતા દ્રશ્યો જાજરમાન બની ગયા છે.

ડાંગ જિલ્લાની અંબિકા અને ગીરા નદીમાં પાણીની આવક વધતા વઘઇ નજીકનો મીની નાયગ્રા તરીકે ઓળખાતો ગીરાધોધ તેમજ ગીરા નદી પરનો ગીરમાળનો ગીરાધોધ પાણીની આવક સાથે સક્રિય બની સોળે કળાએ ખીલી ઉઠ્યા હતા. સિઝનમાં પ્રથમ વખત વઘઇ અને ગીરમાળનાં નયનરમ્ય ગીરાધોધ પાણીની આવક સાથે સક્રિય બની જીવંત બનતા અહીના દ્રશ્યો જાજરમાન ભાસી રહ્યા છે.

બીજી તરફ ડુંગરોની હારમાળામાં ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર તો ત્રીજી તરફ અંબિકા અને ગીરાનું ડહોળુ પાણી પથ્થરોને ચીરીને નીચે ખાબકતા સમગ્ર પ્રાકૃતિક દ્રશ્યો નિહાળવા વાળાને દિગમૂઢ બનાવી રહ્યા છે. ચોતરફ પ્રકૃતિ અને ખળખળ કરતા વઘઇ નજીકનાં ગીરાધોધનાં દ્રશ્યો ફરવા આવેલા પ્રવાસીઓને પ્રાકૃતિક સૌંદર્યનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી રહ્યા હતા. તેવી જ રીતે સિંગાણા નજીક ગીરા નદી પર આવેલો ગીરમાળનો ગીરાધોધ પણ આજરોજથી પાણીનાં નીર સાથે જીવંત થતા હવે ચોમાસાની ઋતુમાં પ્રવાસીઓ માટે આ બન્ને ગીરાધોધનાં નજરાણા જોવા મળી રહશે.

ડાંગમાં સરેરાશ 5 ઈંચ વરસાદ પડ્યો
ડાંગ જિલ્લામાં શુક્રવારે રાત્રે 8 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં સરેરાશ 5 ઈંચ વરસાદ નોંધાયો હતો. અહીંના આહવામાં 5.32 ઈંચ, વઘઇમાં 5 ઈંચ, સાપુતારામાં 4.92 ઈંચ અને સુબિરમાં 4.24 ઈંચ વરસાદ પડ્યો હતો. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત પાંચમા દિવસે વરસાદ પડતા લોકમાતાઓમાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીઓ સિઝનમાં પ્રથમ વખત પાણીની આવક સાથે બન્ને કાંઠે થઈ વહેતી જોવા મળી છે.

વરસાદી તાંડવનાં પગલે અનેક સ્થળોનાં કોઝવે કમ પુલો પર ખાડાઓ પડી જતા વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આહવાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં પણ એક સ્થળે યુટર્ન વળાંકમાં પાણીનો ભરાવો થઈ જતા આ સ્થળ વાહનો માટે ખતરારૂપ સાબિત થયો હતો. જોકે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગે પાણી કાઢવા માટેની પ્રક્રિયા હાથ ધરતા વાહનચાલકોએ રાહત મેળવી હતી.

એકધારા વરસાદને પગલે વઘઇનાં ખાતળ ફાટકથી ઘોડી રોડ ઓવર ટોપીંગ થવાને કારણે અવરોધાયો છે. જ્યારે સ્ટેટ હાઇ-વે નં.14 આહવા-ચિંચલી-બાબુલઘાટ રોડ ઉપર ઘાટમાર્ગમાં પથ્થરો ધસી પડતા થોડાક સમય માટે ઘાટમાર્ગ અવરોધાયો હતો. જોકે તત્રએ જે.સી.બી વડે પથ્થરોને હટાવી આ માર્ગ યાતાયાત માટે ખુલ્લો કર્યો હતો.

Most Popular

To Top