Editorial

ખાલિસ્તાવાદીઓને છાવરતા કેનેડામાં અલગતાવાદની આગ ભડકી ઉઠી!

કેનેડા વર્ષોથી ખાલિસ્તાનની માંગ કરી રહેલા અલગતાવાદીઓને સંરક્ષણ આપી રહ્યું છે. જ્યારે પણ ભારતે આવા અલગતાવાદીઓ સામે કાર્યવાહીની માંગ કરી, ત્યારે તેણે હંમેશા તેને ફગાવી દીધી, પરંતુ હવે તેના પોતાના ઘરમાં જ ‘ખાલિસ્તાન’ની આગ લાગી છે. તેના આલ્બર્ટા પ્રાંતની અલગતાવાદી તાકાતોએ તેને કેનેડાથી અલગ કરવાની માંગ ઉઠાવી છે. અને આને કારણે હવે કેનેડાને સમજાશે કે અલગતાવાદી ચળવળો એક રાષ્ટ્રને કેવી રીતે પરેશાન કરી શકે છે.

અમેરિકા સાથેની તંગદિલી વચ્ચે હવે આખી દુનિયાની નજર ડોનાલ્ડ ટ્રમ્પ પર છે કે જે કેનેડાએ તેમને પડકાર ફેંક્યો છે, તેઓ તેનો જવાબ કેવી રીતે આપે છે. ‘ફાઇનાન્શિયલ ટાઇમ્સ’ના અહેવાલ મુજબ, અમેરિકી વિદેશ વિભાગના અધિકારીઓએ ગત એપ્રિલથી ત્રણ વખત એક એવા સંગઠનના નેતાઓ સાથે મુલાકાત કરી છે જેઓ ઈચ્છે છે કે આલ્બર્ટા કેનેડાથી અલગ થઈ જાય. આ સંગઠનનું નામ છે- ‘આલ્બર્ટા પ્રોસ્પેરિટી પ્રોજેક્ટ’, જે આલ્બર્ટાની આઝાદી માટે લોકમત (રેફરન્ડમ) કરાવવાની માંગ કરી રહ્યું છે.

દરમિયાન, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કેનેડાની સાર્વભૌમત્વનું સન્માન કરવા વિનંતી કરી છે. વાસ્તવમાં, આલ્બર્ટા પશ્ચિમ કેનેડાનો તેલથી સમૃદ્ધ પ્રાંત છે, જે લગભગ અમેરિકાના ટેક્સાસ જેવડો મોટો વિસ્તાર ધરાવે છે. આ પ્રાંતમાં અંદાજે 50 લાખ લોકો વસે છે અને તે રોકીઝ પર્વતમાળા તથા બેનફ અને લેક લુઈસ જેવા પ્રવાસન સ્થળોથી ઘેરાયેલો છે. કેનેડામાં જેટલા તેલનું ઉત્પાદન થાય છે, તેનો 84 ટકા હિસ્સો માત્ર આલ્બર્ટા પ્રાંતમાં જ પેદા થાય છે. તેથી તેને કેનેડાનો ‘એનર્જી પ્રાંત’ પણ કહેવામાં આવે છે. રાજકીય દૃષ્ટિકોણથી તેને કેનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીનો ગઢ માનવામાં આવે છે, જો કે તેના શહેરી વિસ્તારો વધુ પ્રગતિશીલ છે.

કેનેડા લગભગ 50 વર્ષોથી ખાલિસ્તાનની માંગણી કરનારા અલગતાવાદીઓને આશરો આપી રહ્યું છે. જ્યારે પણ ભારતે કેનેડા પાસે તેમની સામે કાર્યવાહીની માંગ કરી છે, ત્યારે તેણે તે ફગાવી દીધી છે. પીએમ કાર્ની પહેલા જ્યારે જસ્ટિન ટ્રુડો કેનેડાના વડાપ્રધાન હતા, ત્યારે તેમણે ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને હોબાળો મચાવ્યો હતો. તેમણે નિજ્જરની હત્યાની આંતરરાષ્ટ્રીય સ્તરની તપાસની માંગ કરી હતી, જેના કારણે બંને દેશો વચ્ચે વિવાદ ઘણો વધી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, બ્રિટિશ કોલંબિયાના સરેમાં 18 જૂન, 2023ના રોજ એક ગુરુદ્વારાની બહાર અજ્ઞાત હુમલાખોરોએ ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ભારતે તેને આતંકવાદી જાહેર કર્યો હતો, જે ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો. કેનેડાએ આ હત્યાકાંડમાં ભારતની સંડોવણી હોવાનો દાવો કર્યો હતો. જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં આરોપ લગાવ્યો હતો કે ભારત સરકારના એજન્ટોએ જ નિજ્જરની હત્યા કરી છે. જોકે, ભારતે કેનેડાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

આ વિવાદમાં કેનેડા અત્યાર સુધી ભારતને એક પણ પુરાવો આપી શક્યું નથી. આ નિજ્જરની હત્યાનો મુદ્દો ઉઠાવીને ટ્રુડોએ ભારતને ભારે ભીંસમાં લીધું હતું, પરંતુ ભારત વિરોધી કૃત્યો કરતા શીખ અલગતાવાદીઓે કેનેડાએ વર્ષોથી છાવર્યા હતા. હજી પણ કેનેડામાં શીખ અલગતાવાદીઓ ભારત વિરોધી ઉધામા મચાવે જ છે અને હિન્દુ મંદિરો પર હુમલા કરે જ છે ત્યારે આલ્બર્ટાના પ્રકરણમાંથી બોધપાઠ લઇને કેનેડા આ ખાલિસ્તાનવાદીઓને કાબૂમાં લેવા હવે કંઇક કરશે એવી આશા રાખી શકાય.

Most Popular

To Top