અમદાવાદ(Ahmedabad): રાજ્યમાં પોલીસ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રોજ કોઈને કોઈ જિલ્લામાં મારામારી, મર્ડર, રેપના ગુના બની રહ્યાં છે. ગુનાખોરી ચિંતાજનક હદે વધી છે. પોલીસના રાત્રિ પેટ્રોલિંગ પર પ્રશ્નાર્થ ઉભી કરતી એક ઘટના અમદાવાદના ઘુમા પાસે ગઈકાલે રાત્રિએ બની છે.
બુધવારે રાત્રે 3 વાગ્યાની આસપાસ ઘુમા પાસે મેરી ગોલ્ડ રોડ પર 10 ઈસમોએ રીતસર આતંક મચાવ્યો હતો. આ ઈસમોએ બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાની કારને આંતરી હુમલો કર્યો હતો. સ્વબચાવમાં ઉપેન્દ્રસિંહે 2 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. ફાયરિંગ થતા ઈસમો ભાગ્યા હતા. ફાયરિંગ અને નાસભાગનો વીડિયો સામે આવ્યો છે.
વાત એમ છે કે સાણંદના રાજેન્દ્રસિંહ સોલંકી અને બોપલના અનિલસિંહ પરમાર સહિત 10 ઈસમોએ ગઈ રાત્રિએ ઉપેન્દ્રસિંહ ચાવડા પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા બોપલ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઉપેન્દ્રસિંહે રાજેન્દ્રસિંહ સોલંકી, અનિલસિંહ પરમાર સહિત 9 સામે ફરિયાદ નોંધાવી છે. ઉપેન્દ્રસિંહે લાઈસન્સવાળી રિવોલ્વરથી સ્વબચાવમાં ફાયરીંગ કર્યું હતું, તેથી કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી.
ઉપેન્દ્રસિંહ બોપલમાં રહે છે અને કન્સ્ટ્રક્શનના વ્યવસાથ સાથે સંકળાયેલા છે. બે વર્ષથી તેઓ દાદા બાપુ ધામ પચ્છમ ખાતે દર્શન કરવા જતા હતા. ત્યારે વિજયસિંહ સોલંકી સાથે સંબંધ કેળવાયા હતા. ચાર મહિનાથી કામમાં બિઝી હોવાથી ઉપેન્દ્રસિંહ દર્શને જતા નહોતા. તેથી અવારનવાર વિજયસિંહ અને તેના નાના ભાઈ રાજેન્દ્રસિંહ ફોન કરી ત્યાં દર્શને આવવા કહેતા હતા. પરંતુ ઉપેન્દ્રસિંહ કહેતા કે તમે મારી ઉપર ખોટા આક્ષેપ કરો છો તેથી હું ત્યાં આવવા માંગતો નથી.
દરમિયાન ગઈકાલે બુધવારે રાત્રે ઉપેન્દ્રસિંહ ડાયરામાં બાવળીયારી જતા હતા ત્યારે રાજેન્દ્રસિંહ સોલંકીએ વોટ્સએપ કોલ કર્યો હતો અને કહ્યું હતું કે ડાયરામાં આવો છો તો તૈયારીમાં આવજો. ત્યાર બાદ ઉપેન્દ્રસિંહના મોટા ભાઈ તથા સામા પક્ષે વિજયસિંહ અને અન્ય આગેવાનો બગોદરા ખાતે સમાધાન માટે મળ્યા હતા.
સમાધાન બાદ ઉપેન્દ્રસિંહ ઘરે પાછા જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં તેમની કન્સ્ટ્રક્શન સાઈટ પર ગયા હતા. મેરીગોલ્ડ સર્કલથી આગળ જતા હતા ત્યારે પાન પાર્લર પાસે ચાર-પાંચ ગાડી હતી. કેટલાંક લોકો રોડ પર ઉભા હતા, જેમાં રાજેન્દ્રસિંહ અને અનિલસિંહ પણ હતા. તમામના હાથમાં લાકડાની પાઈપો હતી.
તેઓ ઉપેન્દ્રસિંહની ગાડી તરફ આવી હુમલો કરવા જઈ રહ્યાં હતાં ત્યારે ઉપેન્દ્રસિંહે સ્વબચાવમાં લાઈસન્સવાળી રિવોલ્વર કાઢી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમ છતાં હુમલાખોરોએ ઉપેન્દ્રસિંહ પર હુમલો કર્યો હતો. તેથી ઉપેન્દ્રસિંહને હાથમાં ઈજા થઈ હતી. ઝપાઝપીમાં ટ્રિગર દબાઈ જતા વધુ એક રાઉન્ડ ફાયરિંગ થયું હતું. ટોળાંએ ઉપેન્દ્રસિંહની ગાડીમાં તોડફોડ કરી હતી. જેમ તેમ ઉપેન્દ્રસિંહ બચીને ભાગ્યા હતા.