ભરૂચ-ડેડીયાપાડા: ભરૂચ જીલ્લાના પાલેજ તેમજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં શુક્રવારે બપોરે જ અચાનક વાતાવરણમાં પલટો આવતા બરફના કરા સાથે માવઠું થતા જનજીવનમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આગામી સમયમાં ઉનાળાની ઋતુનું આગમન વખતે હજી મેઘરાજા મહેર થતા વાતાવરણમાં ઠંકડનો માહોલ ઉભો થઇ રહ્યો છે.
ડેડીયાપાડા તાલુકામાં પણ શુક્રવારે વાવાઝોડા સાથે વીજળીના કડાકા સાથે બરફના કરા તૂટી પડ્યા હતા. હજુ પણ હવામાન વિભાગે (IMD)ની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત સહીત અન્ય ચાર રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. જેને લઈને ભરૂચ સહીત દક્ષિણ ગુજરાતમાં વરસાદી આગાહીથી ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે.
ભરૂચના પાલેજમાં અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં ભરબપોરે અચાનક વાતાવરણમાં પલટો આવતા બરફના કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ડેડીયાપાડા તાલુકાના ચીક્દા, નાની બેડવાણ સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.વાતાવરણમાં ભારે ફેરફાર આવતાની સાથે વરસાદથી ઠંડક પ્રસરી જવા પામી હતી. જો કે વાતાવરણમાં પલટાથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને ગરમીથી રાહત મળવાની આશા દેખાઈ રહી છે. વહીવટીતંત્રએ પાલેજમાં બરફના કરા પડતા સ્થાનિક ક્ક્ષાએ નુકશાની માટે વિગતો મેળવતા કોઈ નુકશાની થઇ નથી એવા પ્રાથમિક અહેવાલો મળ્યા છે.
દક્ષિણ ગુજરાત સહીત ચાર રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી
હવામાનની આગાહી કરતી એજન્સી અનુસાર ઓછામાં ઓછા આગામી 4થી 5 દિવસ સુધી છૂટોછવાયો વરસાદ પડશે. જો કે ત્યાર બાદ હવામાન શુષ્ક રહેશે. જોકે આજે બરફના કરાં પડવા સાથે આગામી દિવસોમાં વરસાદની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતના ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે.
જો કે ચાલુ સપ્તાહમાં બીજી વખત વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સહીત નવસારી, તાપી, ભાવનગર અને આસપાસમાં મેઘરાજાનું આગમન થઇ શકે છે. જેને લઈને કેરીના પાક માટે આ વરસાદ ચિંતાનો વિષય બની શકે છે. કેરીના મોર ઉપર બીમારી લાગવાની અને મોર ખરી જવાની ચિંતા વ્યક્ત થઇ રહી છે. બીજી તરફ માર્ચ મહિનાની શરૂઆતથી ગરમી શરૂ થઇ છે ત્યારે ઠંડક પણ જોવા મળશે.
બે દિવસ પહેલાં સુરત જિલ્લાના મોટા મિયાં માંગરોળમાં કરા પડ્યાં હતાં
સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડામાં બુધવારે માવઠું થયું હતું, જેમાં માંગરોળ તાલુકામાં રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં મોટા મિયાં માંગરોળ ખાતે 10થી 15 મિનિટ સુધી કરા સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે નાની ફળી, વાંકલ સહિતનાં ગામોમાં પણ કડાકાભડાકા સાથે વરસાદ થયો હતો. જો કે, વરસાદનું જોર ધીમું રહ્યું હતું. જ્યારે ઉમરપાડામાં કેવડીમાં સાતથી સાડા સાત વાગ્યાના અરસામાં વરસાદ પડતાં નેવીથી પાણી વહેતા થયા હતા. માવઠાને કારણે મગ, ચણા, ઘઉં, તલ અને કેરીના પાકને નુકસાન થતાં ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. તો ઘાસચારો પણ પલળી જતાં પશુપાલકો ચિંતામાં મુકાયા છે.