ભરૂચ: તંત્ર જ્યારે કામ નહીં કરે ત્યારે પ્રજાએ રસ્તા ઉપર ઉતરી પોતાની તાકાતનો પરચો આપવો પડે છે. આવું જ કંઈક રવિવારે બન્યું ભરૂચ શહેરમાં. વરસાદના લીધે ભરૂચના રસ્તાઓ પર ઠેકઠેકાણે મસમોટા ખાડા પડી ગયા હતા, જે પુરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી નહોતી. ગઈકાલે રવિવારે ભરૂચના લોકો રસ્તા પર ઉતરી ખાડા ભરવાની માંગણી સાથે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. પ્રજાનો રોષ પામી જઈ આજે સોમવારે સવારથી જ ભરૂચમાં ઠેરઠેર ખાડા પુરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
કરોડોના રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ સાથે હાલ વિકાસની કૂચ ભરતા પૂર્વ ભરૂચનો (Bharuch) મુખ્ય માર્ગ ખાડામાં જતા રસ્તા પર ઉતરેલી પ્રજાના આક્રોશને પારખી સોમવારે સવારથી જ તંત્ર યુદ્ધના ધોરણે કામે લાગી ગયું છે. રવિવારે 25 ગ્રામજનોનો પ્રચંડ વિરોધ બાદ અને અહેવાલો અખબારમાં આવતા સ્થિતિ પારખી જઈને તાબડતોબ રોડનું યુદ્ધના ધોરણે ખાડા પુરવાની નોબત આવી છે.
પૂર્વ ભરૂચના ઝાડેશ્વર ચોકડીથી તવરા અને છેક ઝનોર સુધીના માર્ગની દુર્દશાને લઈ રવિવારે સ્થાનિકો રસ્તા પર ઉતર્યા હતા. વરસાદી માહોલમાં ખાડા પૂરોની માંગ સાથે વિસ્તારની પ્રજાએ તાત્કાલિક ખાડા પૂરવા માંગ કરી હતી.
પૂર્વપટ્ટીના 25 જેટલા ગામના લોકો અને સોસાયટી તેમજ ટાવરોની આ સમસ્યાને લઈ ભારે વાહનો અને ખાનગી બસોના કારણે માર્ગની હાલત બદતર બની ગઈ હોવાનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. ઠેર ઠેર એકથી દોઢ ફૂટ ખાડામાં વયેલા માર્ગને પગલે વરસાદી પાણીમાં રસ્તો શોધવો પણ જાણે કપરો બનતો હતો. સાથે જ લોકોને અકસ્માતનું જોખમ પણ વધી ગયું હતું.રવિવારે અસરગ્રસ્ત ગ્રામજનોએ ખાડા નહિ પુરાય તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપી હતી.આ સમાચાર પ્રસિદ્ધ થતા વહીવટીતંત્ર હરકતમાં આવી ગઈ હતી.
જેને લઈને સોમવારે સવાર પડતા જ તંત્ર રોડ રોલર, ડમ્પર, જેસીબી અને ૧૫થી વધુ કામદારોનો સ્ટાફ લઈ ઝાડેશ્વર થી તવરા રોડ પર પડેલા એકથી દોઢ ફૂટના ખાડા ભરવા કામે લાગી ગયું હતું. મટિરિયલ્સ ખડકી 20 કિલોમીટરના આ માર્ગ પર ખાડા પુરવાની કામગીરી ચાલુ કરાતા સ્થાનિકો અને વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.