Dakshin Gujarat

ભરૂચ જિલ્લામાં પંચાયતોને પેટ્રોલ-ડીઝલનો બોજો નહીં પડે, હવે ડોર ટુ ડોર સેવા થકી ઈ-વાહનો ઉપાડશે કચરો

ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લા પંચાયતના આયોજન માટેની 10 ટકા ગ્રાન્ટમાંથી 29 ઇ-વેસ્ટ કલેક્શન વ્હિકલ (E-waste collection vehicle) , 9 તાલુકા માટે ડિવોટરિંગ પંપ અને એક એમ્બ્યુલન્સનું આયોજન કરાયું હતું. ગુરુવારે 7 ઇ-વેસ્ટ કલેક્શન વ્હિકલ આવી જતાં 7 ગ્રામ પંચાયતોને ફાળવણી કરાઈ હતી. ભરૂચ જિલ્લા પંચાયત ખાતે નાણાપંચની વર્ષ-2021 અને 22 હેઠળની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ અને ડી-વોટરિંગ પમ્પ તેમજ ડોર-ટુ ડોર ઈ-ઇલેક્ટ્રિક વ્હિકલનું અર્પણ કરવામાં આવ્યું હતું.

  • ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા 7 ગામને ઇ-વેસ્ટ કલેક્શન વ્હીકલ, 9 તાલુકાને ડી-વોટરિંગ પંપ અને એમ્બ્યુલન્સનું વિતરણ
  • જિલ્લા પંચાયતના આયોજન માટે રૂ.52 લાખની રકમમાંથી સાધનોની ગ્રામ અને તાલુકા પંચાયતોને ફાળવણી
  • હજી 22 ઇ-વેસ્ટ કલેક્શન વાહનો બીજી ગ્રામ પંચાયતોને ફાળવાશે


ભરૂચ જિલ્લા પંચાયતને નાણાપંચની 10 ટકા રકમ આયોજન માટે મળતી હોય છે. જે યોજના અંતર્ગત વર્ષ-2020 અને 2021-22 હેઠળ સ્વભંડોળ ગ્રાન્ટમાંથી ખરોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે એમ્બ્યુલન્સની ખરીદી કરવામાં આવી હતી. જિલ્લાના તમામ 9 તાલુકામાં ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીનો જમાવડો નહીં થાય અને વરસાદી પાણીનો નિકાલ કરવા માટે 6 લાખના ખર્ચે 9 ડી-વોટરિંગ પમ્પની ખરીદી કરવામાં આવી છે. એક પંપની 1 મિનીટમાં 10 હજાર લીટર પાણી પંપિંગ કરવાની કેપેસિટી ધરાવે છે.

સાથે સાથે સ્વચ્છ ભારત મિશનના ભાગરૂપે દરેક ગામમાં સ્વચ્છતા કેળવાય એ માટે 29 જેટલા ઇલેક્ટ્રિક વેસ્ટ કલેક્શન વાહનોની ખરીદી કરવામાં આવી છે. જે વાહનો થકી ગામમાં વેસ્ટ કલેક્શન માટે ડોર-ટુ-ડોર સેવા શરૂ કરવામાં આવશે. વાહનો 500થી 700 કિલો વેસ્ટ એકત્રિત કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે. આજે 29 પૈકી 7 જેટલાં વાહનો આવતાં ભરૂચ જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રમુખ અલ્પાબેન પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના હસ્તે ઇલેક્ટ્રિક વાહનો અને ડી-વોટરિંગ પમ્પ તેમજ ખરોડ પીએચસીને એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી. આ અર્પણ કાર્યક્રમમાં જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાની ગ્રામ પંચાયતો ઉપર પડતા ઇંધણના બોજામાંથી ઇ-વાહનોની ધીમે ધીમે ફાળવણી થતાં મુક્તિ મળશે.

Most Popular

To Top