Dakshin Gujarat

ભરૂચમાં વિધર્મી પરિણીત યુવક સગીરાને ભગાડી ગયો

સુરત: ભરૂચના (Bharuch) કસક વિસ્તારમાં એક સગીરા વિધર્મી પરિણીત યુવક સાથે ભાગી જવાની ઘટના બનતાં પોલીસ (Police) ફરિયાદ નોંધાઈ હતી. ભરૂચના કસક વિસ્તારમાં એક સગીરાએ પોતાની માતાને કહ્યું કે, હું જરા દુકાને જઈને આવું છું. સગીરા દુકાને ગયા બાદ લાંબો સમય વીતવા છતાં પરત ઘરે આવી ન હતી. આથી તપાસ કરતાં સગીરાને વિધર્મી પરિણીત યુવક સરફરાજ સુલેમાન પટેલ સાથે પ્રેમસંબંધ હોવાથી ભાગી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, વિધર્મી પરિણીત યુવકની અગાઉની પત્નીનું મૃત્યુ થયું હતું. ભરૂચ સી-ડિવિઝનમાં વિધર્મી યુવક સામે સગીરાને લગ્નની લાલચે અપહરણ કરી જવા સાથે પોક્સો, એટ્રોસિટીનો ગુનો નોંધાયો હતો.

અંકલેશ્વરમાં લગ્નની લાલચે 13 વર્ષીય કિશોરીને ભગાડી જનારો ઝડપાયો
અંકલેશ્વર: અંકલેશ્વરના એક ગામની સોસાયટીમાં રહેતી 13 વર્ષીય કિશોરીને અંકલેશ્વરના કોસમડી વિસ્તારમાં આવેલી લાલ કોલોની ખાતે રહેતો સુમિત વસાવા લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આ અંગે જી.આઈ.ડી.સી. પોલીસે અપહરણ અંગેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે આરોપી સુમિત વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલા આ આરોપી સુમિત વસાવાનો મિત્ર દીપક યુવરાજ તડવી પણ આ અગાઉ સગીરાઓને ભગાડી જવાનું કાવતરું રચતો હતો. આ ઘટનામાં પણ બંને ઈસમે પ્લાન બનાવીને સગીરાને રિક્ષામાં ભગાડી જવાનું કૃત્ય કર્યું હતું. જે અંગે પર્દાફાશ થતાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કબીલપોરની યુવતીએ માનસિક તણાવમાં આપઘાતનો પ્રયાસ કર્યો
નવસારી : નવસારીના કબીલપોર જામપીર મહોલ્લામાં વાઘેશ્વરી મંદિર પાસે અદિતીબેન નવીનભાઈ નાયકા (ઉ. વ. ૨૧) તેમના પિતા સાથે રહે છે. અદિતીની માતા તેની એક પુત્રીને લઈ પિયરમાં જતી રહી હતી. જ્યારે અદિતીના પિતાની માનસિક હાલત ખરાબ હોવાથી તેઓ ઘરે રહેતા હતા. અદિતી છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવમાં રહેતી હતી. જેથી ગત ૧૧મીએ અદિતીએ તેના ઘરે નાયલોન દોરી વડે ગળે ફાંસો લગાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે અદિતીના પિતા પહોંચી જતાં બુમો પાડતા પાડોશીઓ દોડી આવ્યા હતા. અને અદિતીને નીચે ઉતારી તાત્કાલિક સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં હોસ્પિટલના ડોકટરે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરતા પોલીસે જાણવા જોગ ગુનો નોંધી આગળની તપાસ હે.કો. જયેશભાઈને સોંપી છે.

Most Popular

To Top