Dakshin Gujarat

ભરૂચમાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબકતા હાઈવે પર પાણી ભરાયા, બલદેવા ડેમ છલકાયો

ભરૂચઃ મંગળવારે મધરાતથી ભરૂચ જીલ્લામાં અનરાધાર વરસાદ ખાબકતા ઠેર ઠેર જળબંબાકાર બની ગયો છે.હવામાન ખાતાએ ભરૂચને આગામી બે દિવસ “રેડ એલર્ટ” જાહેર કરતા બુધવારે ચાર કલાકમાં જ ભરૂચ તાલુકામાં છ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. છેલ્લા ચાર કલાકમાં અંકલેશ્વર,હાંસોટ અને ઝઘડિયામાં ચાર ઇંચ,વાલિયામાં ત્રણ ઇંચ,નેત્રંગ બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.

  • અંકલેશ્વર, હાંસોટ અને ઝઘડિયામાં 4 ઇંચ અનરાધાર મેઘો ખાબક્યો
  • ભારે વરસાદના પગલે નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા
  • ભારે વરસાદમાં પોલીસ ટ્રાફિક મેનેજમેન્ટ કરવા હાઈવે પર ઉતરી

છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદના પગલે બલદેવા ડેમ ૨૦ દિવસ પહેલા જ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે.બુધવારે સવારે ૧૦૦ ટકા ભરાતા ૧૦ સેન્ટીમીટર ઓવરફલો થઇ રહ્યો છે. બલદેવા ડેમના નીચાણવાળા નેત્રંગ અને વાલિયા તાલુકાના ૧૩ ગામોને કીમ નદી કિનારે નહિ જવાની સુચના આપવામાં આવી છે.

ભરૂચ જિલ્લા કલેકટરે સોશ્યલ મીડિયામાં બુધવારે મળસ્કે પોસ્ટ દ્વારા જાહેર કર્હ્યું હતું કે ભારે વરસાદ અને હવામાન વિભાગના જાહેર એલર્ટ લઈને સુરક્ષારૂપે તા-૨૪મી જુને જંબુસર,આમોદ,વાગરા સિવાયના તમામ (૬) તાલુકામાં શાળાઓ સહીત આંગણવાડી કોલેજો અને ITIમાં શિક્ષણકાર્ય બંધ રહેશે. જો કે ભારે વરસાદના પગલે નેશનલ હાઈવે પર પાણી ફરી વળતા અકસ્માત ટાળવા માટે ભારે વરસાદમાં ટ્રાફિક મેનેજમેન્ટ કરતા ભરૂચના પોલીસકર્મી નજરે પડ્યા હતા.

ભરૂચ જીલ્લામાં મંગળવારે અડધો દિવસ વરસાદ ઓછો પડ્યા બાદ મધરાતથી જ એકધારો વરસાદ ચાલુ રહેતા ઘણી જગ્યાએ જગ્યાએ જળબંબાકાર બની ગયો હતો.જેમાં બુધવારે સવારે ૬થી ૧૦ વાગ્યા સુધીમાં ભરૂચ જીલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર થઇ હતી.

બુધવારે મળસ્કેથી જ સતત ચાર કલાકના વરસાદમાં ભરૂચ તાલુકામાં આભ ફાટ્યું હોય એમ છ ઇંચ વરસાદ પડ્યો હતો.અંકલેશ્વર,ઝઘડિયા,હાંસોટ,વાલિયા અને નેત્રંગ તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો હતો.બુધવારે સવારે ૮ કલાકે બલદેવા ડેમ આખેઆખો ભરાઈ ગયો હતો.

બલદેવા ડેમની પાણી સપાટી ૧૪૧.૬૦ મીટર થતા સંપૂર્ણ ભરાઈ ગયો છે.જેની ઓવરફલોની સપાટી ૧૪૧.૫૦ મીટર(ઓવરફલો-૩૬૪ કયુસેક)હોવાથી હાલમાં ૧૦ સેન્ટીમીટર ઓવરફલો થઇ રહ્યો છે. બાકીના બે ડેમોમાં પાણીમાં સતત વધારો થઇ રહ્યો છે. ભરૂચમાં નેશનલ હાઈવે પર ઠેર ઠેર પાણી ભરાતા વહીવટીતંત્ર સતર્ક બન્યું છે. ભરૂચના નેશનલ હાઈવે પર માંડવા પાસે રોડ પર પાણી ફરી વળ્યું હતું.

ભરૂચ જીલ્લામાં નવ તાલુકામાં બુધવારે સવારે ૬થી સવારે ૧૦ વાગ્યા સુધીના ચાર કલાકનો વરસાદ
આમોદ તાલુકામાં ૨ મીમી,અંકલેશ્વરમાં ૧૦૬ મીમી,સૌથી વધુ ભરૂચમાં ૧૫૩ મીમી, ઝઘડિયામાં ૧૦૩ મીમી,જંબુસરમાં ૩ મીમી, વાલિયામાં ૭૫ મીમી,હાંસોટમાં ૧૦૬ મીમી, નેત્રંગમા ૫૩ મીમી વાગરામાં ૩૪ મીમી,

ભરૂચ જીલ્લામાં નવ તાલુકામાં મંગળવારે સાંજે ૬થી બુધવારે સવારે ૧૦ વાગ્યા સુધીના ૧૬ કલાકનો વરસાદ
આમોદ તાલુકામાં ૭ મીમી,અંકલેશ્વરમાં ૧૪૬ મીમી,ભરૂચમાં ૧૮૦ મીમી, ઝઘડિયામાં ૧૭૬ મીમી,જંબુસરમાં ૧૧ મીમી, વાલિયામાં ૧૩૮ મીમી,સૌથી વધુ હાંસોટમાં ૨૦૦ મીમી, નેત્રંગમા ૮૬ મીમી વાગરામાં ૪૫ મીમી,

Most Popular

To Top