બાલાસિનોર : બાલાસિનોરમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના ઉપરા છાપરી કિસ્સાઓ થઈ રહ્યા છે. વધતા જતા ચોરીના બનાવોને પગલે પોલીસની ઉંઘ હરામ થઇ ગઇ હતી. ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા પોલીસ સતર્ક બનતાં ચોરીને અંજામ આપતાં છ જેટલા શખ્સોને ઝડપી લીધા બાદ બાલાસિનોર પોલીસે વધુ તપાસ હાથ ધરતા ખેડા, મહીસાગર, ગોધરા સહિત મધ્ય ગુજરાતમાં 19 જગ્યાએ ચોરી કરી હોવાના ગુન્હા કબુલ્યાં હતાં. બાલાસિનોર પોલીસ ઇન્સ્પેક્ટર એમ. વી. ભગોરા દ્વારા સફની મીટીંગ રાખી ગુના અટકાવવા અને આરોપીઓને પકડવા માટે જણાવ્યું હતું. બાલાસિનોરમાં કટલાક સમયથી ઘરફોડ ચોરીઓના બનાવો બનતાં પોલીસ એક્શનમાં આવી ગઇ હતી અને તમામ વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં વધારી દીધી હતું.
દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર એમ.વી. ભગોરાને બાતમી મળી કે કેટલાક ઈસમો રાત્રિના બાલાસિનોરમાં રીક્ષા લઇ ચોરી કરવા આવવાના છે. આ બાતમીના આધારે અલગ-અલગ પોલીસની ટીમ બનાવી વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક રીક્ષા આવતા તેમાં છ શખ્સો બેઠેલા હતા અને પાછળના ભાગે સામાન ભરેલો હતો. આથી, પોલીસે રીક્ષા રોકી તલાસી લેતાં તેમાંથી ઘરના તાળાં તોડવાના સાધનો જેવા કે નરાસ, હથોડો તથા પકકડ તેમજ લોખંડની એંગલો મળી આવી હતી. જેથી આ ૬ ઇસમોની અટકાયત કરી અલગ અલગ રાખી પૂછપરછ કરતા મહીસાગર જિલ્લાના બાલાસિનોરના ૧૦ ચોરીના ગુનાની કબૂલાત કરી છે.
આ ઉપરાંત લુણાવાડાની કોઠંબાની ૪ , કપડવંજની ૨, અરવલ્લીના બાયડના ૨ મળી કુલ ૧૯ જેટલી ઘરફોડ ચોરીની કબુલાત કરી છે. જ્યારે મધ્ય ગુજરાતના અલગ-અલગ તાલુકામાંથી ૧૭ જેટલા સ્મશાનની લોખંડની એંગલો ચોરીની પણ કબુલાત કરી છે. આમ છ???ેલ્લા કેટલાય સમયથી ઘરફોડ ચોરી થતી હોવાના બનાવને ધ્યાને રાખી તથા બાલાસિનોર પોલીસ સક્રિય થતા તેઓને સફળતા પ્રાપ્ત થઇ છે. આ ગેંગની વધુ તપાસ બાલાસિનોર પીઆઇ એમ.વી.ભગોરા કરી રહ્યાં છે.