Dakshin Gujarat Main

અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષા ટાણે જ આ બ્રિજનું રિપેરિંગ શરૂ કરાતા વિદ્યાર્થીઓ અટવાયા

ભરૂચ: ગુજરાતમાં તા-૧૪ માર્ચના રોજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. એક તરફ વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષાને લઈ ચિંતામાં છે. એ વેળા વહીવટીતંત્ર દ્વારા અંકલેશ્વર નગરને જીઆઇડીસી અને જુના નેશનલ હાઇવે સાથે જોડતા મહત્વના માર્ગ ઉપર ફ્લાયઓવરના સમારકામ માટે તા-14મીથી તા-25મી માર્ચ-2023 સુધી (પરીક્ષાના સમયે જ) બંધ રાખવાની જાહેરાત કરવામાં આવતા પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચવું પડકારજનક બન્યું છે.

  • અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષા વખતે જ મુખ્ય બ્રિજ સમારકામ માટે બંધ કરવાથી રોષ ભભક્યો, ટ્રાફિકની સમસ્યા વિદ્યાર્થીઓના ભાવિ પડકારરૂપ: ભરૂચ SPએ શક્ય તમામ મદદની ખાતરી આપતા કઈંક અંશે હાશકારો

આ મામલો વિવાદિત એટલા માટે બન્યો છે.કે વાલીઓ સહીત સ્થાનિકો સમારકામ માટે સમયની પસંદગી ખોટી ગણાવી રહ્યા છે તો આ બાબતે અધિકારીઓ અને ધારાસભ્યો સમક્ષ રજુઆત પણ કરવામાં આવી રહી છે. આ તમામ વચ્ચે જિલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલે પોલીસતંત્ર તરફથી વિદ્યાર્થીઓ માટે શક્ય તમામ મદદની ખાતરી આપવામાં આવતા કંઈક અંશે હાશકારો અનુભવાયો છે.

વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તૈયારીઓ ઉપરાંત અંકલેશ્વરમાં સમયસર પરીક્ષા સેન્ટરમાં પહોંચવાની ચિંતા વધુ ઘેરી બની શકે છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તા.14મી માર્ચથી તા.25મી માર્ચ-2023 સુધી 12 દિવસ માટે અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજ ઉપરથી અવર-જવર પર પ્રતિબંધ મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ભરૂચથી સુરત વાયા અંકલેશ્વર થઈને જવા માટે ગડખોલ સુરવાડી ફાટક રેલ્વે ઓવર બ્રિજ ઉપર થઈ ચૌટા નાકાથી જીનવાલા હાઈસ્કુલના પીરામણ ગામ થઈ હવા મહેલથી વાલીયા ચોકડી તરફ વાહન પસાર કરવા જણાવાયું છે.

બીજા રૂટ માટે સુરત થી ભરૂચ વાયા અંકલેશ્વર થઈને જવા માટે એન.એચ.48ના અંકલેશ્વર તરફના સર્વીસ રોડ પર થઈ હવા મહેલ થી પીરામણ ગામથી જીનવાલા હાઈસ્કુલ નાકા થઈ ચૌટા નાકાથી ગડખોલ સુરવાડી ફાટક રેલ્વે ઓવરબ્રીજ પર થઈને નાના વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવશે. મોટા ભારદારી વાહનો માટે ને.હા.48 ઉપરથી માંડવા ગામ થઈ ગડખોલ રોડ ઉપરથી સુરવાડી બ્રીજ ચડીને અંકલેશ્વર શહેરમાં રાત્રીના 11થી સવારે 4 વાગ્યા સુધી પસાર કરવા તે સિવાય બીજા કોઈ ભારદાર મોટા વાહનો પ્રવેશ નહી કરવા સૂચના આપવામાં આવી છે.

ભાજપા અગ્રણી મગનભાઈ પટેલ દ્વારા ધારાસભ્ય ઈશ્વર પટેલને રજુઆત કરવામાં આવી હતી કે ઓએનજીસી બ્રિજ ખૂબ જ અગત્યનો છે SSC અને HSC પરીક્ષા સમયે 12 દિવસ ઓએનજીસી બ્રિજ બંધ રહેશે.અંકલેશ્વર સીટી અને જીઆઇડીસી માં ટ્રાફીક ખુબ હોય છે અને બન્ને ડાયવઝન પર ખુબ ટ્રાફીક થશે જેથી વિધાર્થીઓને સ્કૂલમાં ટ્રાફીકના કારણે સમય પહોચી ન શકે તો વિધાર્થીઓનું ભાવિ બગડવાનો ભય વ્યક્ત કરીને પરીક્ષા પછી બ્રિજ મરામત થાય એવી વિનંતી કરી છે.
જો કે આ મુદ્દે સોશ્યલ મીડિયામાં લોકોએ ભારે ઉહાપોહ મચાવી દીધો હતો.

Most Popular

To Top