ભરૂચ: અંકલેશ્વર (Ankleshwar) તાલુકામાં પિતા-પુત્રીનો પવિત્ર સંબંધ લજવાયો છે. સગા બાપે દીકરીને હવસનો શિકાર બનાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપી નિષ્ઠુર બાપે (Father) સતત ત્રણ મહિનામાં અનેકવાર માસૂમ દીકરી સાથે દુષ્કર્મ (Rape) આચર્યુ હતું. એક દિવસ પહેલા માતાનું ધ્યાન દીકરીની પીડા તરફ જતાં પૂછપરછમાં પિતાના પીશાચી કરતૂતની વાત કરતાં માતાના પગ તળેથી જાણે જમીન સરકી ગઈ હતી.
- ભોગ બનેલી બાળકીના તબીબી પરિક્ષણ બાદ સારવાર કરાવાઈ
- આરોપી પિતાની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા
અંકલેશ્વરમાં એક શરમજનક કિસ્સો બન્યો છે. અંકલેશ્વર તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં ૧૨ વર્ષની કુમળી દીકરી છેલ્લા ત્રણ મહિનાથી વારંવાર બળાત્કારનો ભોગ બની હતી. માસૂમ બાળકી ચૂપચાપ શારીરિક અને માનસિક યાતનાઓ સહન કરતી રહી હતી. પિતાનાં કરતૂત જાહેર થાય તો મારનો ભય રહેતો હતો.
તાજેતરમાં બાળકીએ તેની માતા સમક્ષ શારીરિક પીડાની ફરિયાદ કરતાં અત્યંત ભયભીત જણાઈ હતી. માતાએ હૂંફ આપી બાળકીને પૂછતાં પિતા દુષ્કર્મ ગુજારતો હોવાનું બાળકીએ કહ્યું હતું. ચોંકી ઊઠેલી માતાએ તેના પતિને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ તરત જ રાત્રે બાળકીને હવસનો શિકાર બનાવવાના પ્રયાસથી માતા બાળકીને લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. સમગ્ર ઘટનાને ગંભીરતાથી પારખી પોલીસે માતાની ફરિયાદ લઇ પિતા વિરુદ્ધ પુત્રી ઉપર બળાત્કાર ગુજારવાનો અને માર મારવા હેઠળ પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. આ બનાવમાં બાળકીના તબીબી પરિક્ષણ સાથે સારવાર શરૂ કરાવાઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરવાના તમામ પ્રયાસ હાથ ધર્યા છે.
પરિણીતાનો પીછો-ઘરની સામે ઊભો રહી ઈશારા-છેડતી કરતો માથાભારે શખ્સ
કામરેજ: ખોલવડની પરિણીતાના પતિ અગાઉની અદાવતમાં ગામમાં જ રહેતા ઈસમ પરિણીતાનો પીછો કરીને ઘરની સામે કારમાં આવીને ઈસારો કરીને છેડતી કરતા પરિણીતાએ ગામમાં જ રહેતા ઈસમ સામે પોલીસ ફરિયાદ કરી હતી.
કામરેજના ખોલવડ ગામમાં તસ્લીમા (નામ બદલ્યુ છે) પતિ તેમજ સંતાનો સાથે રહે છે. તે એક માસ અગાઉ ખોલવડ ગામમાં શાકભાજી લેવા માટે માર્કેટમાં જતી હતી ત્યારે સૈફ લીયાકત સિંધા (રહે.ખોલવડ, જીમખાના પાસે) તસ્લીમાનો પીછો હતો. તેણે અન્ય સ્થળે પણ તસ્લીમાનો પીછો કર્યો હતો.
ત્રીજા દિવસે રાત્રે તસ્લીમાના ઘરની બહાર સૈફ સિંધા કાર લઈને ઉભો હતો અને ઈશારો કરતો હતો. પરંતુ તસ્લીમાએ નહીં ગણકારતાં સૈફે બુમો પાડી હતી કે ‘તારો મોબાઈલ નંબર આપ’. થોડીવારમાં પતિ બહારથી આવ્યા ત્યારે તેને જણાવ્યું કે ‘સૈફ દરવાજા સામે ઉભો રહીને ઈશારો અને છેડતી કરે છે’. સૈફને તસ્લીમાના પતિ ઠપકો આપતાં ‘હું અહિંયા જ ઉભો રહીશ, તારાથી થાય તે કરી લે’ તેમ કહેતા બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સૈફે તસ્લીમાના પતિને ધમકી આપી હતી કે, ‘તું મારા ધ્યાનમાં જ છે તને રમઝાન પહેલા જાનથી મારી નાખીશ’.
બાદમાં સૈફના દાદા મહેબુબ બાલુભાઈ સિંધા પણ આવી જતાં તેણે પણ તસ્લીમાના પતિને ગાળો આપી હતી. તસ્લીમાના પતિને ‘મારી લે તે આપણુ કઈ ઉખાડી નહીં લે’ તેમ કહેતા તસ્લીમાએ કામરેજ પોલીસ મથકમાં સૈફ અને તેના દાદા મહેબુબ સિંધા સામે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વધુમાં તસ્લીમાના પતિ સાથે સૈફને અંગત અદાવત છે.