આણંદમાં એક કોલ થકી આરોગ્ય વિભાગ ઘરે બેઠાં સારવાર આપશે

આણંદ : આણંદ જિલ્લામાં વકરી રહેલા કોરોના કેસના પગલે તંત્ર દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ કંટ્રોલ સેન્ટર પર એક કોલ કરવાથી આરોગ્ય વિભાગ સીધું ઘરે પહોંચશે અને ઘરે બેઠાં જ તપાસ, ત્વરીત નિદાન તથા જરૂર પડે સઘન સારવાર આપશે. આ ઉપરાંત હોસ્પિટલની સ્થિતિ, રસીકરણ સહિતની પણ માહિતી પુરી પાડવામાં આવશે. કોરોના નિયંત્રણ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ 14 વિષયો સમાવિષ્ટ તબીબી નિષ્ણાંતોની ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. રાજ્યમાં હેલ્થ સર્વિસ મેનેજમેન્ટ સેન્ટર અંતર્ગત આણંદના જિલ્લા પંચાયત ખાતે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

આણંદ ખાતે કાર્યરત કરવામાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ અંગે કલેક્ટર મનોજ દક્ષિણીએ જણાવ્યું હતું કે, કોરોનામાં નાગરિકોને ઘરે બેઠાં તેનું માર્ગદર્શન મળી રહેવાની સાથે કોરોના શંકાસ્પદ દર્દીઓની ઘરે બેઠા તપાસ, ત્વિરિત નિદાન તથા સઘન સારવાર ઉપલબ્ધ બનાવવામાં આવશે. આ ઉપરાંત હોમ આઇસોલેશનમાં રહેલા કોવિડ-19 પોઝીટીવ દર્દીની સારવાર, માર્ગદર્શન અને ફોલોઅપ, હોમ આઇસોલેશન દરમિયાન દર્દીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત ઉભી થાય તો તે માટેની માહિતી સહ જાણકારી, 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને એકાંકી જીવન વ્યતિત કરતાં હોય તેવા વૃદ્ધોનું ઘેર બેઠાં કોવિડ-19 વેક્સીનેશન સહિત જિલ્લાની તમામ હોસ્પિ‍ટલમાં ઉપલબ્ધ કોવિડ-19ના બેડ, ઓક્સિજન, વેન્ટીલેટર વોર્ડ સહિતની જાણકારી આપવામાં આવશે. ઇ-સંજીવની ટેલીમેડિસીન સેવા અંતર્ગત હોમઆઇસોલેશન અને અન્ય દર્દીઓને ઘરે બેઠા જ નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા કાઉન્સેલીંગ અને વાતચીત કરવામાં આવશે. આ વાતચીતના આધારે દર્દીઓનું કાઉન્સેલીંગ કરી તબીબો દ્વારા ઇ- પ્રીસ્ક્રીપશનથી દવાઓ પણ લખી આપવામાં આવશે. આણંદ કલેક્ટર મનોજ દક્ષિણી, જિલ્લા વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિ સહિત ઉચ્ચ અધિકારીઓએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી અને કેવી રીતે કામ કરી રહ્યું છે ? તેનું નિરીક્ષણ કર્યું હતું.

ધન્વંતરી રથના માધ્યમથી 13 હજાર વ્યક્તિની ચકાસણી કરવામાં આવી
જિલ્લામાં કોરાનાનું સંક્રમણ અટકાવી શકાય અને નાગરિકોની આરોગ્ય સુખાકારી જળવાઇ રહે અને સમયસર સારવાર મળી રહે અને કોઇ જાનહાનિ ન થાય તે હેતુસર જિલ્લામાં 52 ધન્વંતરી રથ કાર્યરત કરવામાં આવ્યાં છે. આ રથના માધ્યમથી ઓપીડીની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં દરેકની તપાસણી-ચકાસણી કરી તેઓની સંપૂર્ણ વિગતો જેવી કે તેઓનું નામ-સરનામું, ઉંમર, મોબાઇલ નંબર, તેઓને કોવિડ રસીના બંને ડોઝ લીધા છે કેમ ? સહિતની વિગતો લેવામાં આવે છે. જિલ્લામાં હાલ કાર્યરત 52 ધન્વંતરી રથના માધ્યમથી 13,483 ઓપીડી કરવામાં આવી છે.

આરોગ્યની 637 ટીમ દ્વારા ઘરે ઘરે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી
આણંદમાં કોરોનાની ત્રીજી લહેરને કાબુમાં લેવા ઘરે ઘરે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં આરોગ્ય વિભાગની 637 ટીમ જોડાઇ છે. આ ટીમમાં ફિમેઇલ, મેલ હેલ્થ વર્કર, આશા વર્કર સહિતની ટીમ બનાવવામાં આવી છે. આ સર્વેની કામગીરી દરમિયાન પ્રશ્નોત્તરી, કુટુંબની વિગત, તાવ, શરદી, ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો છે કે કેમ ? રસીના કેટલા ડોઝ લીધા છે કે તેની તપાસ કરી જરૂરી ફોર્મ ભરાવવામાં આવે છે. આ સમય દરમિયાન જો કોઇ લક્ષણો જણાય આવે તો તેઓને તબીબી તપાસ કરવાની સલાહ આપી જરૂરી માર્ગદર્શન ને સારવાર આપવામાં આવી રહી છે. આ ટીમો દ્વારા જિલ્લામાં કુલ 4,82,671 ઘરોનો પણ સર્વે કરાયો છે.

Most Popular

To Top