આણંદ: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રત્યેક મતદાર મતદાન કરી તેમની પવિત્ર ફરજ બજાવે તે માટે ચૂંટણી પંચ તથા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અથાગ મહેનત કરવામાં આવી રહી છે. ચૂંટણી તંત્રના પ્રાણ સમાન મતદારને મુંઝવતા પ્રશ્નો જેવા કે મતદાર યાદીમાં તેમનું નામ ઉમેરવું, નામ-સરનામામાં સુધારો કરવા, ફોટો ઓળખપત્રમાં સુધારા, ડીઝીટલી વોટર કાર્ડ તથા ચૂંટણી કાર્ડને આધાર સાથે લીંક કરવા સહિતના પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આણંદ કલેકટર કચેરી ખાતે મતદાર સહાયતા નંબર 1950 કાર્યરત કરવામાં આવ્યો છે.
ડાયલ 1950ની આ સેવાનો છેલ્લા એક માસમાં એટલે કે, નવેમ્બર માસ દરમિયાન જિલ્લાના અંદાજિત 356 જેટલા મતદારોએ લાભ લીધો છે. મતદારોએ 1950 નંબર ઉપર તેમને મુંઝવતા વિવિધ પ્રશ્નો જેવા કે, મતદાર યાદીના નામ-સરનામામાં સુધારો કરવા, યાદીમાં તેમનું નામ ઉમેરવુ, ઇ-એપીક કાર્ડ, ચૂંટણી કાર્ડને લીંક કરવા, ફોટોઓળખપત્રમાં સુધારો કરવો સહિતના અનેકવિધ પ્રશ્નો – સમસ્યાઓ ફોન દ્વારા રજુ કરી હતી.
આ મતદાર સહાયતા નંબર ઉપર આવેલા ફોન કોલ્સમાં મતદારયાદીમા નામ ઉમેરવા બાબતે 84 લોકોએ, મતદારયાદીમાં નામ-સરનામું સુધારવા બાબતે 68 લોકોએ, મતદાર ફોટો ઓળખપત્રમા સુધારા-વધારા બાબતે 109 લોકોએ, ડિઝીટલ(e-Epic) વોટર કાર્ડ અંગે 36 લોકોએ, ચૂંટણી કાર્ડને આધાર સાથે લીંક કરવા બાબતે 17 લોકોએ અને અન્ય બાબતો માટે 42 લોકો દ્વારા માર્ગદર્શન માંગવામાં આવતા આ મતદારોના પ્રશ્નોનું ગણતરીની મિનિટોમાં સમધાન-નિરાકરણ લાવવામાં આવ્યુ હતુ.