આણંદ : આણંદના ચાવડાપુરામાં રહેતી પરિણીતાને જીયાણુંના આણાને લઇ સાસરિયાએ ત્રાસ આપી સામાન બહાર ફેંકી દીધો હતો. આ અંગે પરિણીતાએ પતિ, સસરા, સાસુ અને નણંદ સામે ફરિયાદ આપી હતી. આણંદના ચાવડાપુરામાં રહેતા શીતલબહેન મેકવાનના લગ્ન 2004માં પ્રકાશ જોસેફ પટેલીયા સાથે થયાં હતાં. આ લગ્ન જીવનમાં તેમને એક દિકરો અને એક દિકરીનો જન્મ પણ થયો હતો. થોડો સમય લગ્નજીવન સારી રીતે ચાલ્યા બાદ 2007માં પ્રકાશ પટેલીયા કોઇ કામ ધંધો કરતા ન હોવાથી તેને જણાવતાં હતાં. જેના પગલે ઝઘડો અને બોલાચાલી થઇ હતી અને મારમાર્યો હતો. આ ઝઘડામાં સાસુ – સસરા પણ ચઢવણી કરતાં હતાં. દરમિયાનમાં 20મી એપ્રિલ,22ના રોજ બપોરના દોઢેક વાગ્યાના સુમારે શીતલબહેન, તેમની દિકરી સાક્ષી અને પ્રકાશ પટેલિયા સાથે બેઠાં હતાં, આ વખતે સાસુ – સસરા આવ્યા હતા અને શીતલબહેન જે ઘરમાં રહે છે, તેનો સર – સામાન ખાલી કરી નાંખવા કહ્યું હતું.
જોકે, તેનો વિરોધ કરતાં સાસરિયા ઉશ્કેરાઇ ગયાં હતાં અને તારે જ્યાં જવું હોય ત્યાં જા મારૂ ઘર ખાલી કરી આપ. તેમ કહી પતિ, સાસુ અને સસરાએ માતા – પુત્રીનો સામાન ઘરની બહાર ફેંકી દીધો હતો. આ ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. દિકરાના જન્મ સમયે પિયર પક્ષની આર્થીક સ્થિતી સારી ન હોવાથી જીયાણું બાકી પડતું હોવાથી પતિ, સાસુ અને સસરા, નણંદ વારંવાર મ્હેણાં ટોણા મારી ત્રાસ આપતાં હતાં. આ અંગે મહિલા પોલીસ મથકે શીતલબહેને ફરિયાદ આપતાં પોલીસે વિમલબહેન કેતન વાઘેલા, મેરીબહેન જોસેફ પટેલીયા, જોસેફ વિલિયમ પટેલીયા, પ્રકાશ જોસેફ પટેલીયા સામે ગુનો નોંધ્યો હતો.