Madhya Gujarat

આણંદ પાલિકામાં 24 ટકા સ્ટાફથી ચાલતું રગશ્યું ગાડું !

પેટલાદ તા.19
આણંદ જિલ્લામાં જુદા જુદા વર્ગની 11 નગરપાલિકામાં વર્ષોથી કાયમી કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. તેમાંય સેનેટરી વિભાગમાં સફાઈ કામદારો સહિત અન્ય કર્મચારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. આ ઘટ પડતી જગ્યાઓ ભરવાના બદલે મોટા ભાગની પાલિકાઓ રોજમદારો થકી કામ ચલાવે છે. જેની સીધી અસર સફાઈ જેવી પ્રાથમિક સુવિધા ઉપર જોવા મળી રહી છે. ગત વર્ષોમાં આણંદની કેટલીક પાલિકાઓ સર્વેક્ષણમાં અવ્વલ નંબરે આવતી હતી, જે પાલિકાઓની ચાલુ વર્ષે પીછેહઠ થઈ હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાયમી કર્મચારીઓની ઘટ હોવા છતાં પગાર પાછળનું મહેકમ ખર્ચ વધતું જતું હોવાના લીધે પાલિકાની આર્થિક સ્થિતી કથળતી જાય છે. તેમાંય વર્ષ દરમ્યાન આ પાલિકાઓમાં સૌથી વધુ ખર્ચ સેનેટરી વિભાગમાં થતો હોવા છતાં સફાઈની સ્થિતી દયનીય છે.
આણંદ જીલ્લામાં કુલ 11 નગરપાલિકાનો સમાવેશ થાય છે. જેમાં એક લાખથી વધુ વસ્તી ધરાવતી ‘અ’ વર્ગની એક માત્ર આણંદ પાલિકા છે. જ્યારે 50 હજારથી એક લાખની વસ્તી ધરાવતી પાલિકામાં પેટલાદ, બોરસદ અને ખંભાતનો સમાવેશ થતાં તે ‘બ’ વર્ગની ગણાય છે. તેવી જ રીતે 25 હજારથી 50 હજારની વસ્તી ધરાવતી ‘ક’ વર્ગની પાલિકાઓમાં ઉમરેઠ અને કરમસદ આવે છે. જ્યારે આંકલાવ, બોરીયાવી, ઓડ, સોજીત્રા, વલ્લભ વિદ્યાનગર પાલિકાની વસ્તી 15 હજારથી 25 હજારસુધીની હોવાથી તેનો ‘ડ’ વર્ગમાં સમાવેશ થાય છે. આ પાલિકાનું સ્વચ્છતા સંદર્ભે દર વર્ષે સર્વે કરવામાં આવતું હોય છે. વર્ષ 2016થી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે. જે મુજબ જે તે પાલિકા હદ વિસ્તારના તમામ વોર્ડની સફાઈ, સુકા અને ભીના કચરાનું ડોર ટુ ડોર કલેક્શન, આ કચરાનું પ્લાસ્ટિક – કાગળ – પતરૂં – લોખંડ – પૂંઠા – કપડાં વગેરેનું વિભાજન કરવાનું હોય છે. પ્લાસ્ટિકને રિ-સાયકલ કરી ઓઈલ કે અન્ય વસ્તુઓ બનાવવાની હોય છે. તેવી જ રીતે ભીના કચરાની પ્રોસેસ કરી તેનું ખાતર બનાવી આવકનો સ્ત્રોત જે તે પાલિકાએ કરવાનો હોય છે. આ ઉપરાંત જે સૂકો કે ભીનો કચરો વધે તે ડમ્પ સાઈટ ઉપર ભેગો થાય એટલે સમયાંતરે તેનો નિકાલ કરવાનો હોય છે. આ તમામ કામગીરી માટે સરકાર જુદા જુદા વિભાગો થકી ગ્રાન્ટ પણ આપતા હોય છે. પરંતુ આણંદ જીલ્લાની કેટલીક નગરપાલિકાના સત્તાધીશોની ઉદાસીનતાને કારણે સ્વચ્છતા સંદર્ભની કામગીરી સંતોષકારક થઈ શકતી નથી.
મળતી માહિતી મુજબ, આણંદ જીલ્લાની તમામ નગરપાલિકાઓમાં સરકાર દ્વારા પગાર માટે જે ગ્રાન્ટ દર મહિને આપવામાં આવતી હોય છે, તે ઉપરાંત પગાર પાછળ સ્વભંડોળમાંથી ખર્ચ થતો હોય છે. જેથી એવી પાલિકા સ્ટ્રીટ લાઈટ અને વોટર વર્ક્સનું લાઈટ બીલ સમયસર એમજીવીસીએલને ભરપાઈ કરી શકતા નથી. એ બાકી બીલોનો આંકડો વધતા વધતા કરોડો સુધી પહોંચી જતો હોય છે. જેથી અંતે વીજ કનેક્શન કાપવાની નોબત આવી જાય છે. જેથી સફાઈની સાથે સાથે સ્ટ્રીટ લાઈટ અને પાણી પુરવઠા માટે પ્રજાને હાલાકી ભોગવવી પડે છે. બીજી તરફ પગાર ખર્ચનું મહેકમ વધી જતાં કાયમી સફાઈ કામદારો સહિત કર્મચારીઓની ભરતી થઈ શકતી નથી. કારણકે દર પાંચ વર્ષે જે તે પાલિકાઓમાં સત્તા સ્થાને જે કાઉન્સિલરો આવે છે તેઓ પોતાના મળતિયાઓને કોઈ ને કોઈ વિભાગમાં હંગામી ધોરણે ઘુસાડવાનું કામ કરે છે. જેથી મહેકમ ખર્ચ વધે છે અને કાયમી ભરતી અટકે છે. જેની સીધી અસર પ્રજાના ભરેલા વેરાની આવકના સ્વભંડોળ ઉપર દેખાય છે. માટે જ મોટી સંખ્યામાં રોજમદારો ઉપર પાલિકાઓને મદાર રાખવો પડે છે. જેને કારણે સેનેટરી વિભાગનો ખર્ચ વધે છે છતાં સ્વચ્છતા સંદર્ભની કામગીરી નબળી પડતી જોવા મળે છે. આણંદ જીલ્લાની પાલિકાઓની આવી સ્થિતીને કારણે જ ચાલુ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં પાછળ ધકેલાઈ હોવાનું જાણવા મળે છે.

Most Popular

To Top