આણંદ : આધુનિક સમયમાં દરેક કામગીરી આંગળીના ટેરવે થઇ રહી છે. આ આધુનિકતાના આડમાં છેલ્લા કેટલાક સમયથી સાયબર માફિયાઓએ માથુ ઉંચક્યું છે. તેઓ ક્રેડિટ કાર્ડ બંધ કરવા, લાઇટબીલ બાકી કે ઓનલાઇન પેમેન્ટના નામે જાળ બિછાવી ભોળી પ્રજાના બેન્કના એકાઉન્ટ સફાચટ કરી રહ્યાં છે. એક અંદાજ મુજબ રાજ્યમાં 66,997 વ્યક્તિના બેન્ક એકાઉન્ટમાંથી 3,06,40,40,516 જેવી માતબર રકમ સાયબર માફિયાઓએ ઉસેડી લીધી છે. આથી, પોલીસ વિભાગ દ્વારા આ અંગે જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે. જેમાં શી ટીમ દ્વારા વરિષ્ઠ નાગરિકોને મળી તેમને સાયબર માફિયા સામે કેવી રીતે સાવચેત રહેવું ? તે અંગે માર્ગદર્શન આપશે.
આણંદ અને ખેડા જિલ્લા પોલીસની શી ટીમ દ્વારા ઘરે ઘરે ફરી વરિષ્ઠ નાગરિકોને આ અંગે જાગૃત કરશે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં શી ટીમની રચના કરવામાં આવી છે. આ શી ટીમની કામગીરીમાં મુખ્યત્વે મહિલાઓ, બાળકો તથા સિનિયર સિટિઝનની સુરક્ષા માટે તથા તેઓને પડતી તકલીફના નિરાકરણ માટે કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે. હાલ સાયબર ક્રાઇમનું પ્રમાણ પ્રતિદિન વધી રહ્યું છે. ખાસ કરીને સિનિયર સિટિઝન સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે જાગૃત કરવા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લામાં 11મી એપ્રિલથી 22મી એપ્રિલ દરમિયાન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત શી ટીમને જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિટિઝન પોર્ટલ ઉપર જેમના નામની નોંધણી કરાવવામાં આવી છે. તેવા સિનિયર સિટિઝનનો તેઓના રહેઠાણો પર જઇ પ્રત્યક્ષ સંપર્ક કરી તેઓને સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકાવવા માટે સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા તૈયાર કરવામાં આવેલી સુચનાપત્ર તેઓને આપશે. સાયબર ક્રાઇમથી બચવા માટેની પ્રાથમિક સમજ આપશે. શી ટીમ દરરોજ તેઓના વિસ્તારના ઓછામાં ઓછા દસ સિનિયર સિટિઝનની રૂબરૂ મુલાકાત લેશે. આ કામગીરી પ્રત્યક્ષ કરશે. આ અભિયાન થકી વરિષ્ઠોને છેતરપિંડીથી બચાવવામાં આવશે.
વૃદ્ધાશ્રમની મુલાકાત દરમિયાન વરિષ્ઠોના કુટુંબી વિવાદો પણ ઉકેલવામાં મદદ કરાશે
આણંદ પોલીસની શી ટીમ 11મી એપ્રિલથી 22મી એપ્રિલ દરમિયાન વૃદ્ધાશ્રમોની પણ મુલાકાત લેશે. જ્યાં તેઓ સાયબર ક્રાઇમ જાગૃતિ ફેલાવશે. જોકે, આ સાથે વૃદ્ધાશ્રમમાં રહેતા સિનિયર સિટિઝનની મુલાકાત લઇ તેઓના કુટુંબીજનો સાથે કોઇ વિવાદ હોય તેવા કિસ્સાઓમાં સુમેળભરી રીતે વિવાદ ઉકેલવા યથાયોગ્ય પ્રયત્ન કરવા પણ જણાવવામાં આવ્યું છે. આથી, આગામી દિવસોમાં પોલીસની મદદથી અનેક વૃદ્ધો પોતાના પરિવાર સાથે રહે તેવા સંજોગો પણ જોવા મળશે.
સાયબર ક્રાઇમથી બચવા માટેના સુચનો
અજાણી લિન્ક પર ક્લિક કરવાનું ટાળો.
અજાણ્યા વિડીયો કોલને સ્વિકારશો નહીં.
આપની અંગત માહિતી કોઇ પણ વ્યક્તિને આપશો નહીં.
અજાણી કે અનઅધિકૃત વ્યક્તિને કોઇ પણ સંજોગોમાં ઓટીપી આપવો નહીં.