આણંદ : આણંદ જિલ્લામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર પરીક્ષા અંગેની વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેના બાદ આણંદ જિલ્લામાં પરીક્ષાના સુચારૂં આયોજન અર્થે કલેક્ટર કચેરીએ બેઠક યોજાઈ હતી. આણંદ જિલ્લાના 54 બિલ્ડીંગ પર 21 હજારથી વધુ ઉમેદવાર કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા આપશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 24મી એપ્રિલના રોજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાના સુચારૂં આયોજન અંગેની વિડિયો કોન્ફરન્સ અધિક મુખ્ય સચિવના અઘ્યક્ષસ્થાને યોજાઇ હતી.આ વિડીયો કોન્ફરન્સ બાદ આ પરીક્ષાના સુચારૂં આયોજન માટે કલેકટર મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં કલેકટર મનોજ દક્ષિણીએ જિલ્લામાં લેવામાં આવનાર બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષાના સુચારૂં આયોજન અર્થે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પુરૂં પાડી જરૂરી સુચનાઓ આપી હતી. કલેકટરએ જિલ્લામાં લેવામાં આવનાર આ પરીક્ષા દરમિયાન જેટલી બિલ્ડીંગોના બ્લોક પરીક્ષા લેવામાં આવનાર છે તે તમામ સીસીટીવી કેમેરાથી સુસજજ થઇ ગયા છે કે કેમ તેની તેમજ તમામ સુવિધાઓની ચકાસણી કરી લેવાની સાથે પરીક્ષાર્થીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે જોવા પણ જણાવ્યું હતું.
આણંદ જિલ્લામાં બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષામાં 21390 ઉમેદવારો પરીક્ષા આપશે. આ માટે જિલ્લાના 54 બિલ્ડીંગોના 713 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા સવારે 11 થી 1 કલાક દરમિયાન લેવામાં આવનાર હોવાની વિગતો બેઠકમાં આપવામાં આવી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસ, જિલ્લા શિક્ષણાધિકારી નિવેદીતાબેન ચૌધરી સહિત પરીક્ષા કામગીરી સાથે સંકળાયેલ સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.