આખરે ચાર વર્ષ બાદ અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પથી છૂટકારો થયો. ગુરૂવારે તા.21મી જાન્યુ., 2021થી અમેરિકામાં બાઈડન યુગનો પ્રારંભ થશે. ટ્રમ્પ બુધવારે વ્હાઈટ હાઉસથી વિદાય થઈ ગયા હતાં.
જે રીતે ટ્રમ્પના કહેવા પર તેના સમર્થકો દ્વારા કેપિટલ હિલ ખાતે તોફાનો કરવામાં આવ્યા હતાં તેને પગલે અમેરિકાએ અત્યાર સુધી ભયના માહોલમાં રહેવું પડ્યું હતું અને હવે કાલથી અમેરિકનો પણ નિરાંતે શ્વાસ લઈ શકશે.
માત્ર અમેરિકનો જ નહીં પરંતુ અમેરિકામાં રહેતા ભારતીયો પણ ટ્રમ્પની વિદાય સાથે એટલા જ ખુશ થશે. બાઈડનને આવકાર આપશે. ટ્રમ્પે ચાર વર્ષમાં અમેરિકા જેવા દેશને હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકી દીધો હતો.
ટ્રમ્પના તઘલખી નિર્ણયોને કારણે અમેરિકનોની સાથે અમેરિકામાં રહેતાં અન્ય અન્ય દેશના લોકો પણ ત્રાસી ગયા હતાં. ટ્રમ્પની વિદાયથી અમેરિકામાં શાસનનો નવો સુરજ ઉગશે અને અમેરિકામાં વિકાસની ગતિ તેજ બનશે.
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 2016માં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવામાં આવી હતી. મુળે વેપારી ટ્રમ્પે આવતાં વેંત જ પોતાનો પરિચય આપ્યો હતો. ટ્રમ્પે ચીન સાથે વેપારિક દુશ્મની વ્હોરી લીધી હતી. ચીન પણ અળવિતરૂં છે જ પરંતુ તેનો ઈલાજ ડિપ્લોમેટિક કરવાને બદલે ટ્રમ્પે સીધો ઘા મારવામાં અનેક પ્રશ્નો ઉભા કર્યા હતાં.
આજે અમેરિકાની એવી સ્થિતિ છે કે મોટાભાગે ચીનના એન્જિનિયરો જ મોટાભાગના સ્થળોએ કામ કરતાં જોવા મળે છે. ટ્રમ્પે આ સ્થિતિ ધીરેધીરે બદલવાને બદલે માથાકૂટો ઉભી કરી અમેરિકાની ઈકોનોમી માટે અનેક સમસ્યાઓ ઉભી કરી હતી. ટ્રમ્પે મુસ્લિમ દેશોમાંથી આવતા પ્રવાસીઓને માટે પ્રતિબંધ મુકી દીધો હતો. ટ્રમ્પે ટેક્સ કટ પેકેજ લાગુ કરી વિવાદ નોંતર્યો હતો.
કોરોનાની મહામારીમાં જે ઝડપથી કામગીરી કરવી જોઈએ તેને બદલે ટ્રમ્પે ધીરેધીરે કામગીરી અને તેના પરિણામે અમેરિકામાં કેસની સંખ્યા કરોડો પર પહોંચી ગઈ. મોતને ભેટનારાઓની સંખ્યા પણ લાખોમાં થઈ. નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને ટ્રમ્પે રિનેગોશિએટ કર્યો. ચીન સાથેના વેપાર યુદ્ધમાં ટ્રમ્પે ચીનથી આયાત થતી અનેક ચીજ-વસ્તુઓ પર ઈમ્પોર્ટ ટેરિફ નાંખ્યો.
ટ્રમ્પે ચૂંટણી જીતવા માટે રશિયાની મદદ લીધી હતી. તેનો પણ મોટો વિવાદ થયો હતો. જોકે, તે સમયે પૂરતા પુરાવા નહીં હોવાને કારણે ટ્રમ્પની સામે કાયદેસરની કાર્યવાહી થઈ નહોતીં. ટ્રમ્પ દ્વારા પોતાની સત્તાનો દૂરૂપયોગ કરવાને કારણે જ તેની સામે ઈમ્પિચમેન્ટની દરખાસ્ત થઈ હતી. તે સમયે પણ ટ્રમ્પ બચી ગયા હતા.
બાદમાં 6ઠ્ઠી જાન્યુ.ના રોજ પર ટ્રમ્પના સમર્થકો દ્વારા કેપિટલ હિલ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેણે અમેરિકાની ઈજ્જત બગાડી હતી. અમેરિકાની લોકશાહી આ કારણે ખતરામાં આવી ગઈ હતી. ટ્રમ્પે અનેક વિવાદો સર્જી અમેરિકાના શાસનને બગાડી નાખ્યું હતું. જોકે, આ વિવાદી નિર્ણયોને કારણે જ આખરે ટ્રમ્પે ચૂંટણીમાં હારનું મોઢું જોવું પડ્યું છે.
ટ્રમ્પની વિદાય થઈ ગઈ છે ત્યારે હવે નવા રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન શું કરશે તેની પર આખા વિશ્વની નજર અટકી છે.અમેરિકા વિશ્વની મહાસત્તા છે. અમેરિકા દ્વારા જે કોઈ પગલા લેવામાં આવે તેની પર આખા વિશ્વની નજર હોય છે. આ સંજોગોમાં આજથી શરૂ થતાં પોતાના શાસનમાં જો બાઈડન અમેરિકામાં સ્થિતિને કેટલી સુધારી શકે છે તે આખા વિશ્વ માટે ભારે મહત્વનું છે.
જો બાઈડન સત્તા પર આવવાની વાતથી જ અમેરિકા અને તેને પગલે આખા વિશ્વના શેરબજારોમાં તેજી જોવા મળી રહી છે. થોડા સમય પહેલા આખા વિશ્વમાં મંદીનો માહોલ હતો અને હાલમાં ભારતમાં પણ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. આ સંજોગોમાં જો બાઈડન ભારત પ્રત્યે કેવું વલણ બતાવે છે. ભારત માટે કેટલા સાનુકુળ બનીને રહે છે તેની પર ભારતના વિકાસનો પણ મદાર રહેલો છે.
મોદીએ ટ્રમ્પ સાથે મિત્રતા રાખી હતી પરંતુ તેનાથી ભારતને મોટો લાભ મળવાને બદલે નુકસાન જ થયું છે. ટ્રમ્પે પણ ભારતીયોના મત લેવા માટે નરેન્દ્ર મોદીનો ઉપયોગ કર્યો હતો. આ સંજોગોમાં જો બાઈડન નરેન્દ્ર મોદી અને ભારત વિશે શું વિચારે છે તે ભારત માટે ખુબ મહત્વનું છે.આમ તો જો બાઈડન અનેક મુશ્કેલીઓમાંથી પસાર થયેલા છે.
જીવનના સંઘર્ષોને જોયેલા છે. આ સંજોગોમાં તેમના નિર્ણયો ઠાવકાઈ ભરેલા હોઈ શકે છે. જો બાઈડને પણ પોતાનું શાસન અમેરિકા માટે સારૂં રહેશે તેવા સંકેતો આપેલા છે પરંતુ સામે ભારત દ્વારા પણ તેમની સાથે કેવું વર્તન રાખવામાં આવે છે તેનો મોટો મદાર રહેલો છે. ભારત ઈચ્છે તો જો બાઈડન પાસેથી ઘણો લાભ લઈ શકે તેમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે