આખરે સાત દાયકા બાદ ફરી એર ઈન્ડિયા ટાટા ગ્રુપનો હિસ્સો બની. રાષ્ટ્રીયકરણ બાદ હવે ફરી ખાનગીકરણ થયું. આમ તો એર ઈન્ડિયાને ખરીદવા માટે ટાટા ગ્રુપ દ્વારા બોલી ઘણા સમય પહેલા લગાડવામાં આવી હતી પરંતુ સરકારી કાર્યવાહી કરવામાં આવ્યા બાદ સત્તાવાર રીતે તા.27મી જાન્યુ.ના રોજ એર ઈન્ડિયા ટાટા ગ્રુપને હવાલે કરવામાં આવી છે. સને 1932માં એપ્રિલ માસમાં એર ઈન્ડિયાની શરૂઆત થઈ હતી. ઉદ્યોગપતિ જેઆરડી ટાટા દ્વારા તેને શરૂ કરવામાં આવી હતી. તે સમયે તેનું નામ ટાટા એરસર્વિસિસ રાખવામાં આવ્યું હતું. તે સમયે માત્ર બે લાખ રૂપિયાના રોકાણ સાથે કંપનીની સ્થાપના કરવામાં આવી હતી.
જેઆરડી ટાટાએ 1919માં સૌ પ્રથમ ફ્લાઈટ ઉડાડી હતી. તે સમયે તેમનો આ શોખ બાદમાં જુસ્સો બની ગયો હતો. 15મી ઓકટોબર, 1932ના રોજ ટાટા એરલાઈન્સની પ્રથમ ફ્લાઈટ ઉડાડવામાં આવી હતી. તે સમયે માત્ર એક જ એન્જિનવાળું ‘હેવીલેન્ડ પસ મોથ’ વિમાન ઉડાડવામાં આવ્યું હતું. તેમાં પણ આ વિમાન તે સમયે અમદાવાદથી કરાંચી થઈને મુંબઈ જતું હતું. ટાટા એરલાઈન્સના પ્રથમ વિમાનમાં જોકે, એકપણ મુસાફર નહોતો પરંતુ તેમાં આશરે 25 કિલો જેટલા પત્રો જ હતા. આ પત્રો પણ જે તે સમયે લંડનથી કરાંચી લાવવામાં આવ્યા હતા. કારણ કે ટાટા દ્વારા ઈમ્પિરિયલ એરવેઝ સાથે મેઈલ સર્વિસ માટે કોન્ટ્રાક્ટ કરવામા ંઆવ્યો હતો. આ એરક્રાફટ જે તે સમયે મદ્રાસ સુધી ગયું હતું. તે પછી 1933માં ટાટા એરલાઈન્સે પેસેન્જરો સાથે પહેલી ફ્લાઈટ ઉડાડી હતી.
પ્રથમ વર્ષમાં ટાટા એર સર્વિસિસે 2.60 લાખ કિ.મી.ની ઉડાન કરી હતી. પહેલા વર્ષમાં 155 મુસાફરો દ્વારા આ એરસર્વિસિસનો લાભ લેવામાં આવ્યો હતો અને 9.72 ટન મેલ મોકલવાની સાથે 60 હજારનો નફો કરાયો હતો. વર્ષ 1938માં ટાટા એરસર્વિસિસનું નામ બદલીને ટાટા એરલાઈન્સ કરવામાં આવ્યું હતું. તેમાં કોલંબો અને દિલ્હીને નવા સ્થળો તરીકે ઉમેરવામાં આવ્યા હતા. ટાટા એરલાઈન્સે છ સીટરના માઈલ્સ મર્લિન સાથે બોમ્બેથી ત્રિવેન્દ્રમની વચ્ચે પોતાની પ્રથમ ડોમેસ્ટિક ફ્લાઈટ ઉડાડી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ટાટા એરલાઈને રોયલ એરફોર્સને સૈનિકો, શરણાર્થીઓ તેમજ વિમાનની મરામત માટે મદદ કરી હતી. જોકે, 1953માં ભારત સરકારે એર કોર્પોરેશન એક્ટ પસાર કરીને ટાટા સન્સ પાસેથી ટાટા એરલાઈન્સ ખરીદી લીધી હતી.
જોકે, તે સમયે જેઆરડી ટાટાને ચેરમેન રાખવામાં આવ્યા હતા. જેઆરડી ટાટા 1977 સુધી તેના ચેરમેન રહ્યા હતા. ભારત સરકારે ખરીદી લીધા બાદ તેનું નામ બદલીને એર ઈન્ડિયા ઈન્ટરનેશનલ લિમિટેડ કરવામાં આવ્યું હતું. હવે ફરી એર ઈન્ડિયા ટાટા ગ્રુપ પાસે આવી છે. ટાટા ગ્રુપે સૌથી વધુ 18000 કરોડની બોલી લગાડી એર ઈન્ડિયાને ખરીદી લીધી. ટાટા દ્વારા એર ઈન્ડિયાને ખરીદવામાં નાણાંકીય હિતની સાથે એ પણ હિત સંકળાયેલું હતું કે આ એરલાઈન્સ પહેલા ટાટાની પોતાની જ હતી અને હવે ફરી તે ટાટા પાસે આવી રહી હતી. 27મી જાન્યુ.ના રોજ જ્યારે ટાટા ગ્રુપે એર ઈન્ડિયાની પોતાની પ્રથમ ફ્લાઈટ ઉડાડી ત્યારે મુસાફરોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
ખાનગીકરણ અને રાષ્ટ્રીયકરણ અવારનવાર સરકારો બદલાતા થતું રહે છે પરંતુ દરેક જગ્યાએ સામાન્ય નાગરિકનો ખ્યાલ રાખવો જરૂરી છે. વિમાની સેવાના ધંધામાં ભાવની સાથે સર્વિસ તેમજ નિયમિતતાનું મોટું મહત્વ રહેલું છે. ટાટા ગ્રુપ દ્વારા જે રીતે એર ઈન્ડિયાને ખરીદવામાં આવે તે જોતાં તે તેને ચલાવશે તે નક્કી છે. ખોટ આવે તો પણ ટાટા ગ્રુપ આ ખોટને ખમી ખાય તેમ છે. ટાટા ગ્રુપનો અત્યાર સુધીનો ઉતિહાસ જોતાં તેઓ ભારતના નાગરિકોનો ખ્યાલ રાખે જ છે. આ સંજોગોમાં આગામી દિવસોમાં ટાટા ગ્રુપ એર ઈન્ડિયાના માધ્યમથી થકી પ્રાઈસ વોર શરૂ કરશે તો તેનો સીધો લાભ ભારતના નાગરિકોને મળશે તે નક્કી છે.