Gujarat Main

ગુજરાતના આ શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવતા પકડાયા તો જેલભેગા થશો

અમદાવાદ: ગુજરાતીઓની ટ્રાફિક સેન્સ સુધારવા માટે રાજ્યની ટ્રાફિક પોલીસે કમર કસી છે. છેલ્લાં એકાદ મહિનાથી સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલ નિયમન બાદ રોંગ સાઈડ વાહન ચલાવનારાઓને સુધારવા માટે જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. સુરત શહેર પોલીસ અને સુરત મનપા દ્વારા ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે, ત્યારે રાજ્યના અન્ય એક શહેરમાં પણ અકસ્માતનું પ્રમાણ ઘટાડવાના હેતુથી સ્પેશ્યિલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી રહી છે.

રાજ્યના અમદાવાદ શહેરમાં આવતીકાલે શનિવાર તા. 22 જૂનથી સ્પેશ્યિલ ડ્રાઈવ શરૂ થવામાં આવનાર છે. આ ડ્રાઈવ હેઠળ અમદાવાદ પોલીસ રોંગ સાઈડ વાહનો હાંકનાર સામે કડક કાર્યવાહી કરશે. આ ડ્રાઈવ હેઠળ રોંગ સાઈડ વાહન ચલાવનારને દંડ ફટાકરાશે નહીં. પરંતુ સીધો ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરાશે.

અમદાવાદ શહેરમાં વધતા અકસ્માતોના પ્રમાણને ધ્યાનમાં લઈ અમદાવાદ ટ્રાફિક પોલીસે આવતીકાલથી રોંગ સાઈડ ચાલતા વાહન ચલાવનારાઓ સામે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું છે. આવતીકાલથી 10 દિવસ સુધી આ ડ્રાઈવ ચાલશે, જે અંતર્ગત રોંગ સાઈડ વાહન ચલાવનાર વાહનચાલકો સામે પોલીસ કેસ કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં આ ડ્રાઈવ 30 જૂન સુધી ચાલશે. આ ડ્રાઈવ હેઠળ રોંગ સાઈડમાં વાહન ચલાવનાર વાહનચાલકો વિરુદ્ધ આઈપીસીની કલમ 279 અને 184 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ ગુનામાં વાહનચાલકની ધરપકડ પણ કરવામાં આવશે.

અમદાવાદના ટ્રાફિક જેસીપી એન.એન. ચૌધરીએ કહ્યું કે, અમદાવાદ શહેરમાં અકસ્માતોના બનાવ પર અંકુશ લાવવાના હેતુથી આ સ્પેશ્યિલ ડ્રાઈવનું આયોજન કરાયું છે. શહેરના એસ.જી. હાઈવે સહિતના મોટા રસ્તાઓથી શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ આંતરિક રસ્તાઓ પર પણ ડ્રાઈવ કરાશે. આ ડ્રાઈવ દરમિયાન જે વાહનચાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હોય તેમની ધરપકડ થઈ હોય તેવા વાહનચાલકોએ પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે.

Most Popular

To Top