સુરત: શહેરના જહાંગીરપુરા નજીક ભેંસાણ રોડ, ઉગત કેનાલ ખાતે આવેલી વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં વિદ્યાર્થિની પર ઝાડ પરથી તરોપો પડતાં તેને ઈજા થઈ હોવાનો દાવો તેના પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. જોકે, સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થિની બેભાન થઈ ગઈ હોવાનો ઈન્કાર કરાયો છે.
ધી રેડિયન્ટ ઈંગ્લિશ સ્કૂલમાં મંગળવારે આ ઘટના બની હતી. વિદ્યાર્થિનીના પેરેન્ટ્સ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, સ્કૂલમાં રજા પડ્યા બાદ દીકરી ગેટ તરફ આવતી હતી ત્યારે બોમ્બની જેમ ફૂલસ્પીડમાં વજનદાર કઠણ તરોપો તેના માથે પડ્યું હતું. જેના લીધે દીકરીને તમ્મર આવી ગયા હતા. જો કે, હાલમાં આ વિદ્યાર્થિનીની તબિયત સારી છે. વાલીએ આક્ષેપ કર્યો હતો કે આ મામલે જ્યારે સ્કૂલના સંચાલકોને ફરિયાદ કરવામાં આવી ત્યારે તેઓએ ઉડાઉ જવાબ આપ્યો હતો. વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકીને નાળિયેરીના વૃક્ષો હટાવવા મામલે હાથ ઊંચા કરી દીધા હતા. ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે અમે નાળિયેરીના ઝાડ કાપી દૂર કરવા વિનંતી કરી છે.
પેરેન્ટ્સના આક્ષેપો ખોટા છે, વિદ્યાર્થિનીએ પોતાનું વ્હીકલ જ ઝાડ નીચે પાર્ક કર્યું હતું: આશિષ વાઘાણી (ડિરેકટર, ન્યુ રેડિયન્ટ સ્કૂલ)
આ ઘટના અંકે ન્યુ રેડિયન્ટ સ્કૂલના ડિરેકટર આશિષ વાઘાણીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થિની દ્વારા પોતાનું વ્હીકલ ઝાડની નીચે જ પાર્ક કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે તરોપા ઉતારી જ લેવામાં આવે છે. પરંતુ પવન ફુંકાવાને કારણે આ થયું હોય શકે. આ કુદરતી છે. અમે વિદ્યાર્થિનીના પેરેન્ટ્સ સાથે બેસીને તેમને આખી ઘટના સમજાવવા માટે પણ તૈયાર હતા પરંતુ તેમના દ્વારા અમને ધમકાવવાની કોશિષ કરવામાં આવી હતી. અમારી સંસ્થા 12 વર્ષથી ચાલે છે અને હજુ સુધી ક્યારેય પણ કોઈ ઘટના બની નથી. પેરેન્ટ્સ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે સદંતર ખોટા છે.
સામાજિક કાર્યકર્તાઓએ ઝાડ દૂર કરવા માંગ કરી
દરમિયાન આ મામલાની જાણ થતા કોંગી અગ્રણી દર્શન નાયકે શાળાના કમ્પાઉન્ડમાંથી જોખમી નારિયેળીના વૃક્ષો દૂર કરવા રજૂઆત કરી હતી. શાળાની બેદરકારી સામે પગલાં લેવા ડીડીઓ, શિક્ષણમંત્રી સમક્ષ માંગ કરી હતી. ભારતીય ગૌ રક્ષા મંચના સમાજ સેવક ધર્મેશ ગામીએ કહ્યું કે, માથા પર તરોપો પડતા બાળક બેભાન થઈ ગયું હતું. મોટી દુર્ઘટના બની નથી, પરંતુ મોટી દુર્ઘટના બને તેની રાહ જોતા રહેવું એ લાપરવાહી છે. નારિયેળીના ઝાડો કાયમ માટે દૂર થવા જોઈએ. ગામીએ કલેક્ટરને પત્ર લખી ધી ઈન્ટરનેશનલ રેડિયન્ટ ઈંગ્લીશ સ્કૂલમાંથી નાળિયેરીના ઝાડો દૂર કરવા યોગ્ય પગલાં લેવા રજૂઆત કરી છે.