હમણાં 28મી સપ્ટેમ્બરે રણબીર કપૂરનો જન્મ દિવસ ગયો. અત્યારે તે એક જ છે જે કપૂર ખાનદાનનું પુરુષ પ્રતિનિધિત્વ કરે છે. તેને પોતાને પણ આ વાતની પાકી ખબર છે એટલે કપૂર ખાનદાન અને પોતાની ઈમેજને અનુરૂપ ફિલ્મોજ પસંદ કરે છે. કહેવું જોઈએ કે તેનામાં સ્ટાર ક્વોલિટી છે અને અભિનય ક્ષમતા પણ છે. પિતા રિશીકપૂરે આખી જિંદગી રોમેન્ટિક સ્ટાર તરીકે જ વિતાવી પણ રણબીર પોતાને માર્ગે ચાલ્યો છે. બાકી તેની પહેલી ફિલ્મ ‘સાંવરિયા’ રોમેન્ટીક ફિલ્મ જ હતી. બીજી ફિલ્મ ‘બચના એ હસીનો’ નું શીર્ષક તો તેના પિતાની ફિલ્મના ગીત પરથી લેવાયું હતું. તેણે હળવી રોમેન્ટિક ફિલ્મો કરી અને તેમાં ‘વેક અપ સીડ’, ‘અંજાના અંજાની’ જૂદી પડી ગઈ. પ્રેક્ષકોને અને નિર્માતાઓને સમજાય ગયું કે રણબીર માત્ર ટાઈમપાસ કરવા માટે ફિલ્મોમાં નથી આવ્યો. કશુંક એચિવડ કરવા માંગે છે અને તેનું જ પરિણામ ‘રોક સ્ટાર’ અને ‘બર્ફી’ હતી.
રણબીર આટલા વર્ષોમાં સફળતા નિષ્ફળતા પચાવવા બાબચે મેચ્યોર થઈ ગયો છે. સંજય લીલા ભણશાલી, ઈમ્તિયાઝ અલી, અનુરાગ બસુ, અયાન મુખરજી, કરન જોહર, રાજકુમાર હીરાની જેવા આજના ટોપ દિગ્દર્શકોની પસંદ બની ગયો છે. તે કારણ વિના કોમેડી કે એકશન ફિલ્મો નથી કરતો. અત્યારે કહી શકો કે શાહરૂખ, સલમાન, આમીર યા ઋતિકની જગ્યાનો તે સ્પષ્ટ દાવેદાર છે. 2018 પછી તેની એકેય ફિલ્મ રજૂ નથી થઈ છતાં તે બહાવરો નથી બન્યો. તે કવિકી ફિલ્મમાં માનતો નથી. અત્યારે તેની ‘એનિમલ’ તૈયાર છે. તે એક જૂદાજ પ્રકારની ગેંગસ્ટર ફિલ્મ છે જેનું દિગ્દર્શન ‘કબીર સીંઘ’ અને ‘અર્જૂન રેડ્ડી’ નો દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા કરી રહ્યો છે.
તેની ‘શમશેરા’ અઢારમી સદીના સમયને સામે લાવશે. ‘બ્રહ્માસ્ત્ર’ ની તો ખૂબ ચર્ચા થઈ છે ને આ સુપર હીરો ત્રિઓલોજીની પહેલી ફિલ્મ છે. આ 2022ની સૌથી મોટી સેન્સેશનલ ફિલ્મ પૂરવાર થશે. તેની એકશન જોઈને ય પ્રેક્ષકો દંગ રહી જશે. આ ત્રણે ફિલ્મો લગભગ પૂરી થઈ ચુકી છે ને અત્યારે તેનું પૂરું ધ્યાન સંજય લીલા ભણશાલીની ‘બૈજુ બાવરા’ પર છે. વિજય ભટ્ટે મીનાકુમારી-ભારત ભુષણ સાથે બનાવેલી ફિલ્મથી વધારે ઈમ્પ્રેસીવ અને મ્યુઝિકલ બનશે. ભણશાલીએ ‘દેવદાસ’ ફિલ્મનને સાવ બદલી કાઢેલી તેવું આ ફિલ્મમાં બનશે. રણબીરને દિપીકા પાદુકોણે અને આલિયા ભટ્ટ સાથે જોવાની ઉત્તેજના વળી પ્લસ હશે. ભણશાલી ભવ્યતામાં કોઈ કસર છોડતાં નથી.
તમે ‘એનિમલ’, બ્રહ્માસ્ત્ર’, ‘શમશેરા’, ‘બૈજુ બાવરા’ જોશો તો સમજાશે કે ચારેચાર જુદી શૈલીની ફિલ્મ છે ને ચારેના દિગ્દર્શક ખૂબ મહત્વાકાંક્ષી છે. તમે વિચારો કે આમાથી ત્રણ જ ફિલ્મ આવતા વર્ષે રજૂ થશે તો ધમાલ મચી જશે. રણબીરને પડકારવા સલમાન, આમીર, શાહરૂખ પાસે એક એક ફિલ્મ જ છે. ઋત્વિકની ફિલ્મ તો કદાચ આવતા વર્ષેય પુરી નહિ થશે. હા, એક રણવીરસીંઘ છે પણ તેની એકટીંગ સ્ટાઈલ રણબીરથી જૂદી છે. 2022નો ટોપ સ્ટાર રણબીર જ બની રહેશે. આ દરમ્યાન લવરંજનની શ્રધ્ધાકપૂર સાથેની ફિલ્મનું ઘણું શૂટીંગ પુરું થઈ ચુકયું હશે. એ ફિલ્મમાં તેની સાથે ફરી ડિમ્પલ કાપડિયા પણ છે જે તેના પિતા રિશીકપૂર સાથે હંમેશ સફળ રહી હતી.
રણબીર બહુ સ્વસ્થ અને લક્ષ્ય પ્રત્યે સભાન સ્ટાર છે. ઘણાંએ આ દોઢ વર્ષમાં વેબસિરીઝમાંય કામ કર્યુ. પણ તેણે એવું નથી કર્યું. રિશી કપૂરની વિદાય પછી તે કાંઈક એકલોય પડયો પણ એવું તેણે દેખાવા નથી દીધું. આલિયા ભટ્ટ સાથે પરણવામાં ય ઊતાવળ નથી દાખવતો બાકી તે 38 વર્ષનો થયો છે. હમણાં રણબીરની પૂર્વ પ્રેમિકા કેટરીના કૈફે પણ રણબીર-આલિયા પરણી જાય એવી ઈચ્છા વ્યક્ત કરી છે. જો કે રણબીર તેના લગ્ન વિશે બહુ વાતો કરતો નથી. તે કદાચ એમ કહેવા માંગે છે કે બસ મને પરદા પર જોજો.