ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ધીમે ધીમે ઠંડી જામવા લાગી છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 14 શહેરોમાં પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગે (Weather Department) આગાહી કરી છે કે ગુજરાતમાં લઘુત્તમ તાપમાન હજુ 2થી 4 ડિગ્રી ઘટશે. અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, 25 ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધશે. ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના પગલે ઠંડી વધી છે.
રાજ્યના આ શહેરોમાં ઠંડી વધી
ગુજરાતના મોટા ભાગના શહેરોમાં શુક્રવાર રાતથી જ ઠંડીનું જોર વધ્યું છે. 14 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે, જ્યારે નલિયા, ડીસા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડા શહેરો બન્યા છે. ભુજમાં 12, નલિયામાં 8, કંડલામાં 8, ભાવનગરમાં 13, પોરબંદરમાં 12, રાજકોટમાં 10, વેરાવળમાં 14, દીવમાં 11, સુરેન્દ્રનગરમાં 11, મહુવામાં 10, ડીસામાં 10, ગાંધીનગરમાં 9, વડોદરામાં 11, સુરતમાં 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.
આબુમાં કાશ્મીર જેવી ઠંડી
ઉત્તર ભારતમાંથી ઠંડા પવનો ફૂંકાવાના લીધે ઠંડીનું જોર વધ્યું છે. ગુજરાતના બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પારો માઈનસ બેથી ત્રણ ડીગ્રીએ પહોંચી ગયું છે. આબુના અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે. સહેલાણીઓ અને સ્થાનિકો ગુલાબી ઠંડીનો અનેરો આનંદ માણતાં ઠૂંઠવાઈ પણ રહ્યા છે.
સુરતમાં 10 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવા સાથે ઠંડીનું જોર વધ્યું
સુરતમાં છેલ્લાં બે દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. શનિવારે સવારે ઠંડીએ અસલી મિજાજ બતાવ્યો હતો. ઠંડા પવનોને પગલે શહેરીજનો બરાબર ઠૂંઠવાયા હતા. સવારથી જ 10 કિલોમીટરની ઝડપે ઠંડા પવનો ફુંકાવા લાગતા શહેરીજનો રીતસર ઠંડીથી ઠુંઠવાઈ ઉઠ્યા છે. લોકો સવારથી ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો પહેરીને ફરતા જોવા મળ્યા હતા. બે દિવસથી તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. શનિવારે સવારથી શહેરમાં ઉત્તર દિશામાંથી 10 કિલોમીટરની ઝડપે ઠંડા પવનો ફુંકાયો હતો. કાશ્મીર સહિતના પહાડી -દેશમાં બરફ વર્ષા છતાં તેના ઠંડા પવનો ગુજરાત તરફ આવતા ઠંડી જમાવટ કરી રહી હતી. શનિવારે સવારે 6 કલાકે સુરતમાં પારો 15 ડિગ્રી નોંધાયો છે. આ સિઝનમાં સુરતમાં (Surat) સૌથી ઠંડી રાત અનુભવાઈ છે. તાપમાનનો પારો ગગડીને 14 ડિગ્રી પર પહોંચી જાય તેવી આગાહી કરાઈ છે.
25 ડિસેમ્બર બાદ ઠંડી વધે તેવી આગાહી
સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડીએ તેનો અસલ મિજ બતાવવાનો શરૂ કરી દીધો છે અને છે ઠંડા પવનોને કારણે શીતલહેર નું મોજું ફરી વળ્યું છે. જેથી શહેરીજનો દિવસભર ઠૂંઠવાયા હતા. હવામાન વિભાગ દ્વારા 22 થી 25 ડિસેમ્બર દરમિયાન ઉત્તર પર્વતીય દેશોમાં હિમવર્ષાની શકયતાને પગલે આગામી દિવસોમાં રાજ્યમાં હાડ થીજવતી ઠંડીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ડિસેમ્બરના અંતમાં વધુ ઠંડી પડવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.