ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના સમર્થકો દ્વારા ઈસ્લામાબાદ જઈ રહેલી રેલીને અટકાવતી વખતે પાકિસ્તાનમાં શરૂ થયેલી અથડામણમાં અત્યાર સુધીમાં છ સુરક્ષા દળોના જવાનો મૃત્યુ પામ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હિંસામાં 100થી વધુ જવાનો ઘાયલ પણ થયા છે. આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાન સરકારે હવે ઈસ્લામાબાદમાં સેના તૈનાત કરી છે અને બદમાશોને જોતા જ ગોળી મારવાના આદેશ આપ્યા છે.
ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને 24 નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી વિરોધનું આહ્વાન કર્યું હતું જેમાં ચોરાયેલા જનાદેશ, લોકોની અન્યાયી ધરપકડ અને 26માં સુધારો પસાર કરવા બદલ સરકારની નિંદા કરી હતી. આ જોતા ખાનના સમર્થકો મોટી સંખ્યામાં ઈસ્લામાબાદ તરફ કૂચ કરવા માટે એકઠા થયા હતા. જો કે અધિકારીઓએ પીટીઆઈ સમર્થકો દ્વારા રાજધાનીમાં પ્રવેશવા અને ધરણા કરવાના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે કડક વ્યવસ્થા કરી હતી. ભૂતપૂર્વ વડા પ્રધાનના સમર્થકો રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશ કરવા અને રાષ્ટ્રપતિ ભવન, વડા પ્રધાન કાર્યાલય, સંસદ અને સુપ્રીમ કોર્ટ સહિત અનેક મહત્વપૂર્ણ સરકારી ઇમારતોની નજીક સ્થિત ડી-ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે.
સુરક્ષા દળોએ ઈમરાન ખાનની મુક્તિની માંગણી કરતી માર્ચ પર તેમની પકડ વધુ કડક કર્યા પછી હિંસા ફાટી નીકળી હતી. મોટી સંખ્યામાં અર્ધલશ્કરી અને પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા બાદ હવે ઈસ્લામાબાદમાં સુરક્ષાની જવાબદારી સેનાને સોંપવામાં આવી છે. પાકિસ્તાનના સ્થાનિક મીડિયા – રેડિયો પાકિસ્તાન અનુસાર, વિરોધ પ્રદર્શન દરમિયાન ઈસ્લામાબાદમાં શ્રીનગર હાઈવે પર એક વાહને પાકિસ્તાન રેન્જર્સને ટક્કર મારી હતી. જેમાં ચાર જવાનો શહીદ થયા હતા. ઘટના સોમવારે રાત્રે બની હતી. આમાં પાંચ જવાનો પણ ઘાયલ થયા છે. કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.
એટલું જ નહીં ઘટનાસ્થળથી પાંચ કિલોમીટર દૂર હથિયારો લઈને આવેલા કેટલાક બદમાશોએ રેન્જર્સ પર પથ્થરમારો કર્યો હતો. આ સિવાય રાવલપિંડીના ચુંગી નંબર 26માં સુરક્ષાકર્મીઓ પર ભારે ગોળીબારની ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાઓમાં અન્ય બે પોલીસકર્મીઓના પણ જીવ ગયા હોવાના અહેવાલ છે. જો કે તેમનું મૃત્યુ કેવી રીતે, ક્યારે અને ક્યાં થયું તે અંગેની માહિતી આપવામાં આવી નથી. પંજાબ પોલીસે જણાવ્યું હતું કે ઈસ્લામાબાદની બહાર પીટીઆઈના પ્રદર્શનકારીઓ સાથેની અથડામણ દરમિયાન એક પોલીસકર્મીનું મોત થયું હતું. જોકે બીજા પોલીસકર્મીના મોત અંગેની માહિતી આપવામાં આવી નથી.
સરકારે ઈમરાનની પત્ની બુશરા બીબી પર આરોપ લગાવ્યો
આ પહેલા સોમવારે રાત્રે પત્રકારો સાથે વાત કરતા પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ કહ્યું હતું કે પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા અને પથ્થરમારામાં 100થી વધુ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. જેમાં મોટાભાગના પોલીસ કર્મચારીઓ છે. આમાં એક વરિષ્ઠ એસપી રેન્કના પોલીસ અધિકારીનો સમાવેશ થાય છે, જેમને માથામાં ગંભીર ઈજાઓ થઈ છે. બીજી તરફ પંજાબના સૂચના મંત્રી આઝમા બુખારીએ કહ્યું કે, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સમર્થકો ઈસ્લામાબાદ જતા સમયે પોલીસ સાથે ઘર્ષણમાં આવ્યા બાદ અનેક પોલીસકર્મીઓને બંધક બનાવવામાં આવ્યા હતા. બુખારીએ કહ્યું કે ઈમરાન ખાનની પત્ની બુશરા બીબી આ દેશમાં આગ લગાવી રહી છે. તેમણે કહ્યું કે બુશરા તેના પતિને છોડાવવા માટે પશ્તુન (પઠાણો)ને ઉશ્કેરી રહી છે.