ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ( cm yogi aadityanath) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ( pm narendra modi) મળવા માટે પ્રધાનમંત્રીના અધિકૃત નિવાસ સ્થાન 7 લોકકલ્યાણ માર્ગ પહોંચ્યા છે. બંને નેતાઓ વચ્ચે બેઠક ચાલુ છે. અત્રે જણાવવાનું કે યોગી આદિત્યનાથે ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ( amit shah) સાથે મુલાકાત કરી હતી. સીએમ યોગીના બે દિવસના દિલ્હી પ્રવાસથી રાજકીય ગરમાવો આવી ગયો છે. રાજધાની પહોંચેલા યોગી આદિત્યનાથ આજે ભાજપ ( bhajap) ના અધ્યક્ષ જેપી નડ્ડાને ( j p nadda) પણ મળે તેવી શક્યતા છે.
કેબિનેટ વિસ્તારથી લઈને વિધાનસભા ચૂંટણી પર ચર્ચા?
યોગી આદિત્યનાથનું દિલ્હી પહોંચવું અને અમિત શાહ ઉપરાંત પીએમ મોદી અને જેપી નડ્ડાને મળવું…તેનાથી અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. જ્યાં એક બાજુ કહેવાય છે કે યુપી કેબિનેટમાં વિસ્તારને લઈને આ મુલાકાત થઈ રહી છે, ત્યાં બીજી બાજુ એવી પણ વાત સામે આવી રહી છે કે ભાજપે આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી માટે મહામંથન શરૂ કરી દીધુ છે. જો કે પાર્ટી તરફથી અધિકૃત રીતે કશું જણાવવામાં આવ્યું નથી.
મંત્રીમંડળના વિસ્તારની અટકળો તેજ
આદિત્યનાથ અચાનક દિલ્હી પહોંચ્યા અને કેન્દ્રીય નેતાઓ સાથે મુલાકાત બાદ એકવાર ફરીથી રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તારની અટકળો તેજ થઈ ગઈ છે. આ અટકળોને ત્યારે વધારે બળ મળ્યું જ્યારે સૂત્રોએ એવો દાવો કર્યો કે નડ્ડાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી અને એક દિવસ પહેલા જ ભાજપમાં સામેલ થયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ, મુખ્યમંત્રી આદિત્યનાથને મળ્યા. નડ્ડા અને પ્રધાનમંત્રી વચ્ચેની મુલાકાતની કોઈ અધિકૃત જાણકારી અપાઈ નથી પરંતુ પ્રસાદે મુખ્યમંત્રી સાથે થયેલી મુલાકાતને શિષ્ટાચાર ભેટ ગણાવી હતી.
હાલમાં જ ભાજપમાં સામેલ થયેલા પૂર્વ પ્રશાસનિક અધિકારી અને વિધાન પરિષદના સભ્ય એ કે શર્મા પણ દિલ્હીમાં છે. સૂત્રોનું કહેવું છે કે તેમણે પાર્ટીના કેટલાક કેન્દ્રીય નેતાઓ સાથે મુલાકાત કરી. એ કે શર્મા પ્રધાનમંત્રી મોદીની નજીકના ગણાય છે. મુલાકાતોના આ દોર અંગે ભાજપ નેતાઓ કે પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓએ કોઈ અધિકૃત જાણકારી આપી નથી પરંતુ સૂત્રોએ દાવો કર્યો છે કે આ કવાયત જિતિન પ્રસાદ અને એ કે શર્મા સહિત કેટલાક અન્ય નેતાઓને યુપી સરકારમાં સામેલ કરવા અંગે છે. જિતિન પ્રસાદ રાજ્યના જાણીતા બ્રાહ્મણ પરિવારથી છે તો એ કે શર્મા ભૂમિહાર બિરાદરી સાથે સંબંધ ધરાવે છે.
આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
અચાનક યોગી આદિત્યનાથના દિલ્હી પ્રવાસને લઈ અનેક આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથે તેમની આ મુલાકાત ઉત્તર પ્રદેશના અનેક મુદ્દાઓ પર થઈ શકે છે. આ મુલાકાતોમાં પંચાયત ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન (UP Panchayat Elections), આગામી વિધાનસભા ચૂંટણી (UP Assembly Election) અને વેક્સીનેશન (Corona Vaccination) જેવા મુદ્દાઓ મુખ્ય હશે. ઉત્તર પ્રદેશમાં હાલમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ અંગે પણ ચર્ચા થઈ શકે છે.
જિતિન પ્રસાદ ( jitin prashad) હોય શકે કારણ?
યોગી આદિત્યનાથી દિલ્હી મુલાકાતનું એક વિશેષ કારણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અગ્રણી નેતા જિતિન પ્રસાદ હોવાનું પણ કહેવાય છે. જિતિન પ્રસાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં એક મોટો બ્રાહ્મણ ચહેરો છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપને રીસેટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે તેવી સંભાવના છે.