હોળી સાથે પૌરાણિક માન્યતાઓ અને ધાર્મિક કથાઓ ઘણી બધી જોડાયેલી છે અને આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. હોળી એટલે બે ઋતુઓનો સંધિકાળ. શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆત. રાત્રિ ટૂંકી અને દિવસો લાંબા થવાની શરૂઆત, ભયંકર ગરમીની શરૂઆત તો રસસભર મીઠાં ફળો આવવાની શરૂઆત. શહેરના રસ્તાઓની આસપાસ વાવેલા જાપાની ચેરીબ્લોસમ , કેસૂડો અને દુર્લભ થઈ ગયેલા ગરમાળાના ફાલવાની શરૂઆત. અહીં માર્ચ અને એપ્રિલ મહિના દરમ્યાન આપણે ભારતમાં વસંત ઋતુનો અનુભવ કરી છીએ અને આ જ વસંત ઋતુમાં આપણે અધર્મ પર ધર્મના વિજયના પ્રતીકસમા હોળીના પર્વને ઉજવીએ છીએ.
ધાર્મિક વાયકા :-
કહેવાય છે કે રાજા હિરણ્યકશ્યપે તેના પુત્ર પ્રહલાદને આઠમથી લઇ પૂનમ સુધી ખૂબ યાતનાઓ આપી હતી. ત્યાર બાદ હોળીના દિવસે પોતાની બહેન હોલિકાના ખોળામાં પ્રહલાદને બેસાડી એનું દહન કરવા માગ્યું પરંતુ અસત્ય પર સત્યનો જય સ્વરૂપ પ્રહલાદને કંઈ ન થયું અને હોલિકાનું દહન થઈ ગયું. આ વિજય પર્વ લોકો એકબીજા પર પાણી છાંટી એકબીજાના મનનો અગ્નિ શાંત કરી અને રંગોની છોળો ઉડાડી ઉજવે છે.
હોળી એટલે ફાગણ સુદ પૂનમ. એવું કહેવાય છે કે હોળી પહેલાંના આઠ દિવસથી એટલે કે હોળાષ્ટકથી સૂર્ય, ચંદ્ર, મંગલ, ગુરુ, શુક્ર અને રાહુની દિશા પૂનમ સુધી વક્રી રહે છે. અહીં આ તમામ ગ્રહો વક્રી હોવાને કારણે તેમનો જીવોના તન અને મન પર નકારાત્મક પ્રભાવ પડે છે અને એને કારણે જ ફાગણ સુદ આઠમથી લઇ હોળીના (પૂનમના) દિવસ સુધી કોઈ શુભ કાર્યો કરવામાં આવતા નથી. એવી પણ માન્યતા છે કે આ દિવસો દરમ્યાન સૂર્યપ્રકાશની દિશા બદલાતી હોઈ રોગચાળો પણ ફાટી નીકળવાની સંભાવના રહે છે. મનુષ્યોનું પાચન મંદ પડે છે અને માંદગી આવે છે.
આવા સંજોગોમાં આહારવિહારનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બને. આપણાં શાસ્ત્રોમાં ઋતુઓ પ્રમાણે ખોરાકમાં ફેરફાર કરવાનું ખૂબ સરળ રીતે સમજાવ્યું છે જે રીતરિવાજો તરીકે આપણે હજુ સુધી પાળતાં આવ્યા છીએ. એવી જ રીતે હોળીના તહેવારમાં અમુક ચોક્કસ પ્રકારનો ખોરાક આપણે પેઢી દર પેઢી લેતા આવ્યા છીએ. આવો આ ખોરાકનું આહારશાસ્ત્રની દૃષ્ટિએ મહત્ત્વ સમજીએ.
કુદરતની કરામત :-
આ માટે કુદરતે ખૂબ સરસ વ્યવસ્થા કરી આપી છે. આ વસંત ઋતુમાં ખૂબ રસદાર અને વિટામિન Cથી ભરપૂર ફળો પાકે છે જે પુષ્કળ ગરમીમાં શરીરને પાણી પૂરું પાડે અને શરીરની રોગપ્રતિકારકશક્તિ ખૂબ વધારે. આ ઋતુમાં સંતરાં, તરબૂચ, દ્રાક્ષ જેવા રસથી છલોછલ ફળો પાકે. આ ફળોનો ભરપૂર ઉપયોગ આ દિવસોમાં કરવો જોઈએ.
જુવારની ધાણી :-
અહીં મોટે ભાગે હોળીનો લોકો ઉપવાસ રાખે છે અને પૂજા બાદ માત્ર જુવારની ધાણી આરોગે છે. જુવારની ધાણીમાં પચવામાં ભારે એવું ગ્લુટેનનું નહિવત પ્રમાણ હોય છે. એથી તે ખૂબ સુપાચ્ય છે. ઋતુપરિવર્તન દરમ્યાન પાચનતંત્ર નબળું પડે છે તો એવા સંજોગોમાં જુવારની ધાણી એ પાચનક્રિયાને હળવી બનાવે છે.
કાચી કેરીના મરવા:-
હોળી બાદ કાચી કેરીના મરવા અથાણાં, શરબત, મીઠાં જોડે કાચા ખાવાનો મહિમા છે. કાચી કેરી આખા દિવસની જરૂરિયાતના ૬૦% જેટલું વિટામિન C અને ૨૧% જેટલું વિટામિન A આપે છે. આપણે જોયું તે મુજબ ગરમીની ઋતુમાં ફાટી નીકળતા રોગચાળા સામે પ્રતિરોધ માટે વિટામિન C કેરીના મરવા દ્વારા મળી રહે છે.
શીખંડ :-
પરંપરાગત રીતે ધુળેટીના દિવસે શીખંડનું જમણ રાખવામાં આવે છે. આ શીખંડ એટલે વિટામિન B ૧૨ અને પ્રોબાયોટીક્સનો ખજાનો! આ પ્રોબાયોટીક્સ આંતરડાંના શુદ્ધિકરણ અને આંતરડામાં થતાં વિટામિનોના અધિશોષણને વેગ આપે છે. જેથી ઇમ્યુનિટીમાં વધારો થાય છે.
હજુ બીજા ઘણા ખાદ્યપદાર્થોને આપણે આપણા ઉત્સવોમાં પરંપરાગત રીતે ઉમેરીએ છીએ. એ સૌ પાછળ કોઈ ને કોઈ ધાર્મિક માન્યતા હોય છે અને આ માન્યતાઓ પાછળ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન છુપાયેલું હોય જ છે તો આ છુપાયેલા વિજ્ઞાનને અનાવૃત્ત કરીને આપ સૌ વાચકો સમક્ષ મૂકવાનો હંમેશ પ્રયાસ રહેશે. બાકી આ હોળીએ જાતને અને વાતાવરણને બચાવી, યોગ્ય આહાર પરિવર્તન કરી તહેવારની મજા માણીએ. હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ….