Business

ભારતના રસોડા સુધી યુદ્ધની અસર

આજે સમગ્ર વિશ્વ એક નાનું ગામડું બની ચૂક્યું છે ત્યારે દુનિયાના  દેશો વચ્ચેની લડાઈની વૈશ્વિક અર્થતંત્ર પર જબરદસ્ત અસર થતી હોય છે. ઈરાન,અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ભારતના ઘરે ઘર રસોડા સુધી પહોંચી ગયું છે. દરેક દેશની અર્થવ્યવસ્થા એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલી હોય છે. યુદ્ધના પરિણામે વિવિધ ચીજવસ્તુઓના સપ્લાય પર ગંભીર અસર થતી હોય છે,  જેને પરિણામે ટ્રાન્સપોર્ટેશન ખર્ચા પણ વધતા હોય છે. ભારતમાં યુદ્ધની અસર સ્પષ્ટપણે દેખાવા માંડી છે.  ગેસ સિલિન્ડરના  ભાવમાં તો વધારો થયો જ છે પરંતુ સાથે સાથે એની અછત પણ  સર્જાવા માંડી છે.

લોકો પેનિક બની રહ્યા છે. ભારતની ગૃહિણીઓનું ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. આ યુદ્ધની અસર ફક્ત રસોડા પૂરતી સીમિત રહેવાની નથી. યુદ્ધ બંધ થશે પછી પણ એની વ્યાપક અસરો દરેક દેશના અર્થતંત્ર પર ચાલુ જ રહેવાની છે.  રોજિંદી વપરાશની ચીજ વસ્તુઓના ભાવ પણ વધવા માંડ્યા છે. ઝડપથી બદલાતી જતી પરિસ્થિતિમાં ભારતે  હવે અનેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બન્યા વિના છૂટકો નથી. આ યુદ્ધ જો લાંબું ચાલ્યું તો ભારતને ગંભીર કટોકટીનો સામનો કરવો પડશે એ નિર્વિવાદ છે. ભારતમાં ગેસ પુરવઠાને પરિણામે જે સંકટ ઊભું થયું છે તેનો જલ્દી નિકાલ આવે ખૂબ જ જરૂરી છે.

એલપીજીના સંકટ પછી પીએનજી અંગે પણ રેશનિંગ આવે એવી શક્યતા પણ તોળાઈ રહી છે. યુદ્ધની વ્યાપક અસર વર્તાવાનો પ્રારંભ થઈ ગયો છે.  ગેસ સિલિન્ડરના કાળાં બજાર પણ થઈ રહ્યા છે. ફક્ત રસોડા પર અસર થઈ એવું નથી. ઉદ્યોગોને અપાતા ગેસ પુરવઠા પર પણ કાપ  મુકાવાની અસર દેખાવા માંડી છે. પરિણામે કારખાનાં બંધ થતાં બેરોજગારીનો ભય પણ સતાવી રહ્યો છે. ગેસની કટોકટીનો વહેલી તકે નિકાલ થાય એવી આપણે અપેક્ષા રાખીએ.
નવસારી  – ડૉ. જે. એમ. નાયકઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top