એક ઝેન ગુરુ હતા તેમનું નામ બોકુજુ ; આખો દિવસ તેઓ આશ્રમમાં રહેતા અને રાત્રે સાવ એકલા આશ્રમ નજીકની એક ગુફામાં જતા રહેતા. પછી ગમે ત્યારે મોડી રાત્રે કે અડધી રાત્રે ઝેન ગુરુ પોતે જ મોટેથી પોતાના નામની બુમ પડતા ‘બોકુજુ …બોકુજુ’ અને તરત પોતે જ જવાબ આપતા, ‘હા હું અહીં જ છું.’
ઘણીવાર તેઓ આશ્રમમાં પ્રર્થના બાદ કે કોઈ ચાલુ પ્રવચનમાં પણ વચ્ચે પોતાના નામની બુમ પાડવા લગતા અને પછી પોતે જ જવાબ આપતા ‘હા, હું અહીં જ છું.’ આવું લગભગ રોજ થતું.શિષ્યોને બહુ નવાઈ લગતી કે ગુરુજી આમ પોતાના નામની બુમપાડી પોતે જ જવાબ શા માટે આપે છે??એક દિવસ ગુરુજીએ પ્રાર્થના બાદ પોતાના નામની બુમ પાડી અને તરત જવાબ આપ્યો.એક શિષ્યએ પૂછ્યું, ‘ગુરુજી તમે આવું કેમ કરો છો?’
ગુરુજીએ કહ્યું, ‘શિષ્યો આવું હું હંમેશા જાગ્રત અને ચેતતા રહેવા માટે કરું છું.જયારે જયારે હું કોઈ બાબતે વધુ પડતું વિચારવા લાગુ છું અને વધુ પડતા વિચારોને લીધે મારા મનમાં ચિન્ત અને દર વધે છે અને મારા સમગ્ર અસ્તિત્વને ઘેરી વળે છે ત્યારે હું આમ મારા નામની બુમ પાડી.જાતને શોધું છું અને જવાબ આપું છું કે હું અહીં જ છું.એટલે મને ઘેરી વળેલા વિચારો અને ચિંતામાંથી હું બહાર આવી જાઉં છું.’
સમય જતા ઝેન ગુરુ વૃદ્ધ થયા અને છેલ્લા ત્રણ વર્ષથી તેમણે પોતાની આદત મુજબ પોતાના નામની બુમ પડી નહોતી અને પોતે જ જવાબ આપ્યો ન હતો.એક દિવસ તેમના પગ દબાવતા શિષ્યએ પૂછ્યું, ‘ગુરુજી હવે તમે પહેલાની જેમ પોતાના નામની બુમ પડી પોતે જ જવાબ આપતા નથી.’
ઝેન ગુરુ બોલ્યા, ‘હા હવે મને તેમ કરવાની જરૂર જ નથી પડતી પહેલા વિચારો, ચિંતા અને ડરના ભાર હેઠળ હું પોતે ક્યાંક ખોવાઈ જતો હતો અને તે ભાર અને દબાણમાંથી ભાર આવવા હું જાતને જ પોકારતો હતો.હવે હું એકદમ જાગૃત છું મને કોઈ ચિંતા, ડર કે વિચારો સતાવતા નથી એટલે મારે પોતાને બુમ મારી જગાડવાની જરૂર જ પડતી નથી.’
જાતને જાગૃત રાખવાની ઝેન ગુરુની આ રીત થોડી વિચિત્ર પણ અજમાવવા જેવી છે.જયારે જયારે કોઈ ચિંતા ઘેરી વળે ત્યારે પોતાના નામની બુમ પાડી જવાબ આપજો કે ‘હા , હું અહીં જ છું.’ જોજો ભલે ઘડી બે ઘડી માટે પણ એક વાર તો ચિંતા દુર થઇ જ જશે.
જયારે જયારે આપણે ગાફેલ કે ડરેલા રહીએ છીએ ત્યારે ચિંતા વધે છે.અને જયારે આપણે જાગૃત અને દરેક પરિસ્થતિનો સામનો કરવા સજ્જ હોઈએ છીએ ત્યારે ચિંતા ગાયબ થઈ જાય છે.માટે જયારે ચિંતા સતાવે પોતાની જાતને જ કહો –‘મૈ હું ના!!’ [હું અહીં જ છું.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.