મજાક કરતા હતા અને નાનાં બાળકોને પોતાના ઝભ્ભાના ખિસ્સામાંથી પીપર ચોકલેટ આપતા હતા. કોઇ પણ જુએ તો એમ જ લાગે કે કેવા ખુશમિજાજી કાકા છે.એમને જીવનમાં કોઈ ચિંતા, કોઈ દુ:ખ નહિ હોય.બાળકો રોજ તેમની રાહ જોતાં. તેમનું નામ જ બાળકોએ પીપર ચોકલેટદાદા રાખી દીધું હતું. એક દિવસ પૂજારીનો ભત્રીજો મંદિરમાં આવ્યો અને કાકાને જોયા અને બધા ધારે તેમ તેણે પણ ધારી લીધું કે, કાકાના જીવનમાં સુખ જ સુખ હશે એટલે આટલા ખુશમિજાજી છે. તેણે કાકાને જોઇને પુજારીને પૂછ્યું, ‘પુજારીકાકા… આ બધાને ચોકલેટ વહેંચી કાકા બહુ સુખી લાગે છે.’ પણ મંદિરના પુજારી તે કાકાને વર્ષોથી ઓળખતા હતા અને તેમના જીવનના ચઢાવ ઉતર પણ જાણતા હતા. તેમણે પોતાના ભત્રીજાને કાકાના જીવન વિષે જણાવ્યું કે ‘કાકાની દીકરીએ દહેજની સમસ્યાને કારણે આત્મહત્યા કરી હતી.
તેના આઘાતમાં પત્ની પણ મૃત્યુ પામી હતી.એકનો એક દીકરો ભણીને વિદેશ જતો રહ્યો હતો.આમ કાકા સાવ એકલા થઈ ગયા હતા.પણ તેઓ કોઈ દિવસ પોતાની એકલતા દુ:ખડાં રડતા નહિ.દીકરીને પરણાવવામાં અને દીકરાને ભણાવવામાં પોતાની જાત ઘસી નાખી હતી અને અત્યારે જતી જિંદગીએ સાથે કોઈ રહ્યું નહિ અને ઝાઝું કંઈ બચ્યું ન હતું.થોડી બચત હતી, તેમાં જીવન પસાર કરતા હતા.સવાર સાંજ મંદિરે જતા.કલાકો બેસતા.દિવસમાં પોતાનાં બધા કામ જાતે કરતાં.’ પુજારીએ ભત્રીજાને પોતે કાકાના જીવન વિષે જે જાણતા હતા તે બધું જ જણાવ્યું અને તે જાણીને ભત્રીજો બોલ્યો, ‘તો તેઓ આટલા ખુશ અને સુખી કઈ રીતે લાગે છે?’ પુજારીએ કહ્યું, ‘ચલ, તેમને જ જઈને પૂછીએ.’
બંને જણ કાકા પાસે ગયા.કાકાએ હસીને પુજારીના ખબરઅંતર પૂછ્યા.ભત્રીજાથી રહેવાયું નહિ. તેણે તરત જ પૂછી નાખ્યું, ‘કાકા, તમારા જીવન વિષે પુજારીકાકાએ જણાવ્યું. આટલાં દુઃખો અને એકલતા છતાં તમે આટલા ખુશ અને સુખી દેખાવ છો તેનું કારણ શું?’ કાકાએ હસીને ભત્રીજાને એક ચોકલેટ આપતાં કહ્યું, ‘હું સુખી છું.સાચા મનથી સુખી છું કારણ જીવનમાં મેં દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધો છે અને મને કોઈની પાસેથી કંઈ જોઇતું નથી. મારે બસ સ્મિત વહેંચવું છે અને હું તે જ કરી રહ્યો છું.’ કાકા હસતા હસતા પુજારી જોડે વાતો કરવા લાગ્યા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે