આજની એકવીસમી સદીમાં પણ જ્યારે કોઈ એમ કહે છે કે, ‘જરા આટલું વાંચી આપોને’. ત્યારે મનમાં એક વિચાર આવે છે કે, અત્યારે પણ અભણ લોકો છે એ કેવી નવાઈ પમાડે તેવી વાત છે! આપણો દેશ આઝાદ થયો ત્યારથી જ સાક્ષરતા અભિયાન ચાલુ થઈ ગયેલું. મને યાદ છે ત્યાં સુધી 1980 દરમિયાન સરકારે પ્રૌઢ શિક્ષણ દ્વારા મોટી ઉંમરના લોકોને શિક્ષણ આપવાનું શરૂ કરી દીધેલું. કોઈપણ માણસ અંગૂઠાછાપ ન હોવો જોઈએ, કમસે કમ તેને સહી કરતાં તો આવડું જોઈએ. રાત્રિ શાળાઓ ચાલતી હતી અને પ્રૌઢો શાળામાં ભણવા જતા હતા. એક તરફ શિક્ષણનો વ્યાપ વધતો જાય છે.
પી.એચ.ડી. થનારની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, પોસ્ટ ગ્રેજ્યુએટો અને ગ્રેજ્યુએટોની સંખ્યા પણ ખૂબ વધી છે, ત્યારે બીજી તરફ આપણે જોઈએ છીએ કે સરકારી કોર્ટ કચેરીમાં આવતા કેટલાક લોકો સહી કરી શકતા હોતા નથી, ગુજરાતી લખાણ પણ કોઈને વાંચી સંભળાવવા કહે છે. એક સામાન્ય ફોર્મ ગુજરાતમાં ભરી શકતા ન હોય એવા લોકો પણ છે. જ્યારે આપણે એકવીસમી સદીના પણ પચ્ચીસમાં વરસમાં છીએ ત્યારે અભણ માણસને જોઈને આશ્ચર્ય થાય છે. સામાન્ય રીતે ઝૂંપડામાં રહેતા મજૂરીયાત વર્ગના લોકો, ફુટપાથ પર પડી રહી રમકડાં કે અન્ય ચીજો વેચતા લોકો, મજૂરીકામ કરતા લોકો તેમના બાળકોને પ્રાથમિક શિક્ષણ માટે પણ શાળાએ મોકલતા નથી. શહેરમાં પણ અને જે બહુ પછાત ગામો છે ત્યાં પણ હજુ શિક્ષણ માટે જાગરૂકતા દેખાતી નથી. શું નિરક્ષરતા એ રાષ્ટ્રનું કલંક નથી?
સુરત – પ્રવિણ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
હોળી : સામૂહિક પ્રગટાવો…
ભારત એ ઉત્સવપ્રિય દેશ છે. દિવાળી, હોળી, ધૂળેટી, નવરાત્રી, ગણેશોત્સવ જેવા તહેવારો રંગેચંગે ઉજવાય છે અને આ તહેવારો સાથે ધાર્મિક લાગણી જોડાયેલી હોય છે. હિરણ્યકશ્યપ અને હોલિકા નામની રાક્ષણીએ ભક્ત પ્રહલાદને મારી નાંખવા માટે સળગતી હોળીમાં બેસાડ્યો હતો, પરંતુ ભગવાન વિષ્ણુએ તેને બચાવી લીધો હતો એવી દંત કથા જાણીતી છે. હોળીના દિવસે હોલિકાના પૂતળાનું દહન થાય છે. દિન પ્રતિદિન જંગલો પાંખા થતા જાય છે.
આથી જલાઉ લાકડાની તંગી પડે છે. શહેરોમાં તો સિમેન્ટ કોન્ક્રીટના જંગલો વધતા જાય છે. એટલે કે ઉંચી-ઉંચી ઇમારતોનું જંગલ જોવા મળે છે. વૃક્ષો શહેરોમાં ઓછા દેખાય છે. જ્યારે મોટા-ગામડામાં ફળીયે-ફળીયે હોળી પ્રગટાવામાં આવે છે. જે ખરેખર લાકડાનો બગાડ છે. આથી લોકમાનસ જાગૃત કરીને એક જ સ્થળે સામૂહિક પ્રગટાવવી જોઈએ, ફિલ્મી દુનિયામાં રાજકપૂરના આર.કે. સ્ટુડિયોમાં ધૂળેટી રંગબેરંગી રીતે ઉજવાતી હતી. હવે રાજકપૂર નથી રહ્યા અને ચેમ્બુરનો આર.કે. સ્ટુડિયો નામશેષ થઈ ગયો છે, હોળી-ધૂળેટીનો તહેવાર સંયમપૂર્વક ઉજવવો જોઈએ.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
