SURAT

સુરતના કાંઠા વિસ્તારને ગળી જનાર 300થી વધુ ઝીંગા માફિયાઓ વિરુદ્ધ મુખ્યમંત્રીને ફરિયાદ

સુરત(Surat) : સુરત જીલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં સરકારી જમીનોમાં (Government Land) ગેરકાયેદ (Illegal) દબાણ કરી ધમધમતા ગેરકાયદે ઝીંગા તળાવોને (Shrimp pond) દુર કરવાની માંગ સાથે સહકારી અને ખેડુત અગ્રણી તથા ગુજરાત કોગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયક દ્વારા મુખ્યમંત્રી (Gujarat CM Bhupendra Patel) અને મહેસુલ વિભાગના સચિવને લેખિતમાં રજુઆત કરી સરકારને મહેસુલી આવકમાં થઈ રહેલી નુકસાની અંગે તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે જ નાયકે મુખ્યમંત્રીને 300થી વધુ ઝીંગા માફિયાઓની યાદી મોકલી છે.

દર્શન નાયક દ્વારા કરવામાં આવેલી ધારદાર રજુઆતમાં જણાવ્યું હતું કે સુરત જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવેલા ગામોના દરિયાઇ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મોટે પાયે ગેર કાયદેસર રીતે ઝીંગાના તળાવો બનાવી દેવામાં આવ્યા છે. જેને લીધે સમગ્ર વિસ્તારના પર્યાવરણ અને લોકો આજીવિકા પર અસર થઈ છે. જે તે સમયનાં સ્થાનિક સરપંચોએ પોતાના લેખિત પત્રમાં  લોકો ગેર-કાયદેસર રીતે ઝીંગા ઉછેરનો ધંધો સરકારી જમીન પર દબાણ કરી રહ્ના હોવાની ફરિયાદ કરી છે. લવાછા, ભગવા, મોર, કોબા ગ્રૂપ, કરંજ તેમજ મંદરોઇ ગામ પંચાયતે લેખિતમાં રજૂઆત ગુજરાત સરકારના ધારાસભ્યને કરી છે. આ ગામોમાં જે તે શખ્સોએ ગેરકાયદેસર તળાવો બનાવ્યા છે તેના વિસ્તાર અને નામ સહિત માહિતી આપી છે, જેને પુરાવા તરીકે ગણી આવા ગેર કાનૂની રીતે સરકારી જમીનો પચાવી પાડનાર માલેતુજારો સામે મહેસૂલ પર્યાવરણ, ફિશરીશ અને પોલીસ તંત્ર દ્વારા કાયદેસર કાર્યવાહી કરવા જાગૃત નાગરિકો , ખેડૂતો ,સ્થાનિક આગેવાનો અને પર્યાવરણવાદીઓ દ્વારા અનેક વાર સુરત જિલ્લા કલેકટરથી માંડી મુખ્યમંત્રી સહિત તકેદારી આયોગ સુધી ફરિયાદ કરવામાં આવી છે.

ગુજરાત તકેદારી આયોગ દ્વારા તા.26 જુલાઈ 2019ના રોજ ઓલપાડના ગામોમાં ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરી કાયદેસર કાર્યવાહી કરવા બાબતે સૂચના આપી હતી. તેમજ સુરત જિલ્લા કલેકટર દ્વારા જમીન નિરીક્ષક વિનામુલ્યે સરકારી રાહે માપણી કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. તેમ છતાં સુરત જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સદર બાબતે કોઇ પણ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી તથા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર ઝીંગાના તળાવ બનાવવામાં આવ્યા છે તે આજની તારીખે પણ હયાત છે.

વધુમાં દર્શન નાયકે આક્ષેપ કર્યો હતો કે  જ્યારે કોઇ સામાન્ય નાગરિક દ્વારા સરકારી જમીન પર દબાણ કરવામાં આવે છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તુરંત કાર્યવાહી કરવામાં આવે પરંતુ સુરત જીલ્લામાં સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર રીતે ઝીંગાના તળાવ બનાવનારાઓ દ્વારા કરવામાં આવેલા દબાણ બાબતે સ્થાનિકો, પદાધિકારીઓ, ખેડૂત આગેવાનો તથા ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઇ પણ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. 

દર્શન નાયક દ્વારા કરવામાં આવેલી રજુઆતના મૂખ્ય મુદ્દાઓ

  • ઝીંગાના તળાવો ગેર કાયદેસર રીતે મહેસૂલ વિભાગની સરકારી જમીન પર દબાણ કરી બનાવ્યા છે. 
  • ઍક્વા કલ્ચર ઓથોરીટી ભારત સરકાર કે ફિશરીઝ ડિપાર્ટમેંટ પાસે લાઇસન્સ લીધું નથી. જો લાઇસન્સ વગર ઝીંગા ઉછેર કરે તો 5 વર્ષ ની જેલની સજાની જોગવાઇ છે. 
  • ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે કોઇ જ પરવાનગી લીધી નથી.
  • તળાવો મેંગરુવ ના જંગલો ને નુકશાન પહોંચાડીને બનાવ્યા છે.
    ભરતી-ઓટનો વિસ્તાર કબ્જે કરવાથી સ્થાનિક ગરીબ હળપતિ અને બીજા માછીમારોએ રોજગારી ગુમાવી
  • મનફાવે એમ તળાવો બનાવવાથી ખાડીઓના વહેણ બદલાઇ ગયા.
  • આશરે 1000 હેક્ટર કરતાં વધુ વિસ્તારમાં ગેરકાયદેસર તળાવો ઊભા થયા છે.
  • તળાવો ગેરકાયદેસર રીતે નહેરોના પાણી પણ લઇ લે છે અને ખેડૂતોને પાણીની તંગી પડે છે
  • તળાવો ગેરકાયદે હોવાથી સરકારની તિજારીને મહેસૂલની આવક ગુમાવવી પડે 

Most Popular

To Top