સુરત (Surat) : સુરત મનપાના (SMC) સેન્ટ્રલ ઝોનમાં ગેરકાયદે (Illegal) પે એન્ડ પાર્કના (Pay And Park) ઉઘરાણા મુદ્દે થોડા વરસો પહેલા પણ કૌભાંડ (Scam) બહાર આવ્યું હતું. ત્યારે કથિત 10 કરોડથી વધુના કૌભાંડ માટે તપાસ પણ મુકાઇ હતી, પરંતુ હજુ સુધી રીપોર્ટ રજુ કરાયો નથી. ત્યારે વધુ એક વખત સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ સહરા દરવાજા બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ ચોકીની બાજુની જગ્યામાં પાર્કીગના નામે ગેરકાયદે ઉધરાણુ થતું હોવાનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે.
- ‘આપ’ નેતાએ ગંભીર આક્ષેપ સાથે તપાસની માંગ કરી
- ચારેક મહિનાથી તંત્રના મેળાપીપણામાં કૌભાંડ આચરાતું હતું, ભોપાળું પકડાયું તો પૈસા ઉઘરાવતાં લોકો નાસી છૂટ્યાં
તાજેતરમાં વોર્ડ નંબર 20ની પેટા ચુંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી લડેલા મુકેશ પશીયાલાએ આ ઉધરાણું પકડી પાડયું હોવાનો દાવો કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર આ જગ્યા પર છેલ્લા 4 મહિનાથી પે એન્ડ પાર્કના નામે લોકો પાસેથી રૂપિયા ખંખેરવામાં આવી રહ્યા હતાં.
અહીં ટ્રાફિક પોલીસ ચોકીની બાજુની જગ્યામાં પાર્કિગ માટે કોઇ ઇજારો નહીં અપાયો હોવા છતાં અહીં પાર્કિંગના નામે વાહનચાલકો પાસે બેરોકટોક ઉઘરાણા થઇ રહ્યા હતા. લોકોને પે એન્ડ પાર્કની રસીદ અપાતી હતી. એટલું જ નહીં માસિક પાસ પણ બનાવી આપતા હોવાં છતાં સમગ્ર મામલામાં પાલિકા અજાણ હોવાનો ઢોંગ કરી રહી છે.
મંગળવારે સાંજે મામલો બહાર આવ્યા બાદ સ્થળ પરથી ગેરકાયદે ઉઘરાણાં કરનારા ભાગી છૂટ્યા હતા. સમગ્ર પ્રકરણમાં સેન્ટ્રલ ઝોનના કર્મચારીઓના મેળાપીપણમામાં પે એન્ડ પાર્કના ઇજારદાર દ્વારા કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની શંકા ઉઠી રહી છે. તેમજ મિલેનિયમ માર્કેટથી જશ માર્કેટ સુધીના ઇજારદારના જ માણસો અહીં પાર્કિંગ ચાર્જ વસુલતા હોવાની શંકા પણ તેમણે વ્યકત કરી હતી.
શહેરમાં આવી એક જગ્યાએ નહીં અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે પાર્કિંગ ચાર્જ વસુલી શહેરીજનોને લૂંટવામાં આવી રહ્યા છે. ત્યારે તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવી શકે છે તેમ હોવાનો આક્ષેપ આપના નેતાએ કર્યો હતો.