Charchapatra

ગાંધીવાદી વિચારધારાનાં પ્રખર પુરસ્કર્તા ઈલાબેનની ચિરવિદાય

નર્મદનગરી સુરતની ઝૂંપડપટ્ટીઓથી સેવાની શરૂઆત કરનારાં, શ્રમજીવીઓ-બજારમાં કપડાં વેચતી, કચરો વણતી, બીડી વાળતી, અગરબત્તી બનાવતી, ગોદડીઓ સીવતી બહુધા ઝૂંપડપટ્ટીઓની મજદુર સ્ત્રીઓની યાતનાને પારખી સેલ્ફ એમ્પ્લોઈડ વીમેન્સ એસોસીએશન ‘સેવા’કે જેની દસ લાખ બહેનો સભ્ય છે. ગુજરાત વિદ્યાપીઠના આઠ વર્ષ કુલપતિપદ શોભાવનારાં રિક્ષામાં જ ફરનારાં, ઈંદારા ગાંધી શાંતિ પુરસ્કાર મેળવનારાં, પદ્મશ્રી, પદ્મભૂષણ, મેગ્સેસે એવોર્ડ મેળવનારાં, રાજ્યસભા, પ્લાનીંગ કમિશનના માનદ સભ્ય, શ્રમજીવીઓના આંતરરાષ્ટ્રીય સંગઠનના સ્થાપક, પ્રમુખ, આંતરરાષ્ટ્રીય યુનિ.ઓએ જેમને ડોક્ટરેટની ઉચ્ચ ઉપાધિ આપી છે એવા મજૂર મહાજન સંઘનાં સંગઠક, અનામતવિરોધી આંદોલનમાં ઘરે પથ્થરમારો થાય ને ઘરને સળગાવી, મૂકવાની ધમકી થતાં દલિત ગણાતા વર્ગને હૂંફ પૂરી પાડનારાં, વિશ્વ મહિલા બેંક, આયોજનપંચ, વિમેન્સ વર્લ્ડ સમિટ ફાઉન્ડેશનનાં ડિરેક્ટર ને સ્ત્રી સશક્તિકરણને સમગ્ર જીવનમાં અમલમાં મૂકનારાં 21મી સદીના વૈષ્ણવજન, 89 વર્ષીય ઈલાબેન રમેશચંદ્ર ભટ્ટે તાજેતરમાં સેવાની સુવાસ ફેલાવી વિદાય લીધી છે. અમે બહેનો નતમસ્તકે પ્રણામ કરી શ્રધ્ધાંજલિ અર્પીએ છીએ. એમનામાંથી પ્રેરણા લેવા પ્રામાણિક પ્રયત્નો કરી ધન્ય બનીશું જ.
તાડવાડી – રમીલા બળદેવભાઈ પરમાર      – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

દીર્ઘ આયુષ્ય, વરદાન કે શાપ
ખૂબ લાંબી કહી શકાય એવી જિંદગી કે જેમાં વ્યક્તિની પરવશતા સમાયેલી હોય, પોતે પરાધીન જિંદગી જીવતો હોય એ શું કામની? મેં તો એવી વ્યક્તિ મારી નજરે જોઈ છે કે જે સામેથી મોત માંગે છે. ઘણી વાર તો એ વ્યક્તિ એમ પણ બોલે છે કે ‘‘યમરાજા તો મને લઈ જવાનું ભૂલી ગયા લાગે છે.’’ જ્યાં સુધી માણસ પોતે પોતાનાં બધાં જ કામ પૂરી સ્વસ્થતાથી, ઉમંગથી, ઉત્સાહથી કરી શકતો હોય ત્યાં સુધીની જિંદગી જ ઉત્તમ કહી શકાય. પછી પોતાના દરેક કાર્ય માટે સામેની વ્યક્તિ પર આધાર રાખવો પડતો હોય તો એવી પરિસ્થિતિમાં ઘરના દરેક વ્યક્તિનો કંટાળો સમાયેલો હોય છે. ભગવાને પણ નિયમ બદલવાની જરૂર છે? પીડાતાં, દુ:ખી થતાં પથારીવશ લોકોને ઉતારી લેવાં જોઈએ. જુવાન વ્યક્તિને નહીં.
સુરત     – શીલા સુભાષ ભટ્ટ         – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top