ગાંધી બાપુ સ્ત્રી હોતો તો? આ સવાલનો જવાબ છે ખાદીની સાડી, નાનો ગોળ ચાંદલો, સરસ રીતે ઓળાયેલા વાળ, મીઠો અવાજ, હેતાળ સ્મિત અને મક્કમ વ્યક્તિત્વમાં– એટલે કે ઈલા ભટ્ટમાં. નેશનલ ટ્રેડ યુનિયન સેલ્ફ એમ્પ્લોયડ વિમન એસોસિએશન (SEWA) (સ્વાશ્રયી મહિલા સેવા સંઘ – 1972)નાં સ્થાપક ઈલા ભટ્ટ હવે સદેહે નથી. પણ એ ખરેખર નથી? 89 વર્ષની વયે, ૨જી નવેમ્બરે અમદાવાદની સ્ટર્લિંગ હૉસ્પિટલમાં બપોરે 12.20 વાગ્યે તેમણે દેહ છોડ્યો. ૩જી નવેમ્બરની સવારે જ્યારે માનવ મેદની વચ્ચે તેમના અંતિમ સંસ્કાર માટેની પ્રક્રિયાઓ આગળ વધી રહી હતી ત્યારે સેવા સાથે જોડાયેલી ગુજરાતના વિવિધ ગામડાંઓની બહેનોનો અવાજ ગુંજી રહ્યો હતો, ‘દરેક બહેન, ઈલા બહેન..’ – આ અવાજ ઘૂંટાતો જતો હતો. આ સંજોગોમાં એમ કહેવું કે ઈલા ભટ્ટ હવે નથી, એ કેટલું યોગ્ય? હવે તો બહુ બધાં ઈલા ભટ્ટ છે, ક્યાંક – કોઇને કોઇ રીતે પોતાનું કર્મ આગળ ધપાવતાં, ગાંધી મૂલ્યોની શીખીને એ પ્રમાણે જીવનારી દરેક બહેનમાં ઈલા ભટ્ટ જીવે છે.
રેમન મેગ્સેસે એવોર્ડ, પદ્મશ્રી, પદ્મભૂષણ, નિવાનો પીસ પુરસ્કાર, રાઇટ લાઇવલીહુડ એવોર્ડ, રેડક્લિફ પદક – આ ઈલા ભટ્ટને મળેલાં કેટલાંક સન્માનો અને પુરસ્કારોનાં નામ છે. તેમને મળેલાં માન અકરામની યાદી આખો લેખ ભરાશે તો ય ઓછી પડશે એટલાં છે, પણ ઈલા ભટ્ટ માત્ર આ સરપાવો કે સન્માનોમાં નહીં સેવાની બહેનો સાથે, લારી ધકેલીને વેપાર કરનારાઓ સાથે, રૂડીના રેડિયોમાં તો રાધનપુરમાં પડતર થયેલી જમીનમાં ઉગાડેલા શાકભાજીના ક્યારામાં તો કચ્છનાં અંતરિયાળ વિસ્તારોમાં ભરતમાં આભલાં ભરતી બહેનોની સોયની મજબુતાઇમાં ઓળખાતાં આવ્યાં છે અને એમ જ ઓળખાતાં રહેશે.
નેલસન મંડેલા હોય કે હિલેરી ક્લિન્ટન કે પછી બાનકી મુન કે પછી જમુબહેન, મંજુલાબહેન કે અનિતાબહેન – ઈલા ભટ્ટ બધાં સાથે, બધાં માટે એક સરખાં. એમને નારીવાદી કે ગાંધીવાદી કહેવાં જોઇએ? ઈલા ભટ્ટને કોઇ વાદ સાથે સંબંધ હતો જ નહીં માત્રને માત્ર કર્મ સાથે સંબંધ હતો, છતાંય આ સ્ત્રીઓના ઉત્થાન માટે, તેમને પગભર બનાવવા માટે તેમણે જે કર્યું તેમાં ગાંધીજી પણ અનેકવારી જીવી ગયાં તો સ્ત્રી સ્વાતંત્ર્યનો વિચાર વાસ્તવિકતામાં ફેરવાયો. ઇલા ભટ્ટ રાજા બનવામાં નહીં સાથે રહીને આગળ વધવામાં, નવાં આગેવાનો ઘડવાનાં લક્ષ્યને પાર પાડવામાં વ્યસ્ત રહેતાં.
તેમની કામગીરીનાં પરિણામો નજર સામે દેખાય છે પણ મહિલા કામદારો માટે પિતૃસત્તાક સમાજમાં તેમણે જે લડત આપી હશે તેની તીવ્રતા તેને જોનારાં, અનુભવનારાં જ કળી શકે. જે વર્તાતા નથી, જે દેખાતા નથી એમના અધિકારો માટે હોહા કર્યા વિના કેવી રીતે લડી શકાય તેના પુરાવા ઈલા ભટ્ટે આપ્યાં. અંગ્રેજીમાં તેમને માટે એક વિશેષણ વપરાતું આવ્યું છે, ‘જેન્ટલ રિવોલ્યુશનરી’ – મૃદુ ક્રાંતિકારી. તેમનાં મૌન અને મક્કમતા સામે ભલભલાએ નમતું જોખવું પડ્યું છે તો તેમના પ્રોત્સાહન અને પ્રેમથી લાખો સ્ત્રીઓને પોતાની આવડતનો પરિચય થયો છે.
ઈલા ભટ્ટે એવું ઘણું કર્યું જે કદાચ પહેલી જ વખત થયું હતું. ભારતમાં માઇક્રોફાઇનાન્સનાં જનની ગણતાં ઈલા ભટ્ટને પગલે ગરીબ સ્ત્રીઓ દ્વારા અને ગરીબ સ્ત્રીઓ માટે સૌથી પહેલી માત્રને માત્ર સ્ત્રીઓની સેવા કો-ઑપરેટિવ બૅંક શરૂ કરાઇ જેને રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાએ પણ મંજૂરી આપવી પડી. 50 વર્ષ સુધી બચતમાંથી ગામડાંની પગભર થયેલી તથા થવા માંગતી બહેનોને ડિવીડન્ડ મળ્યું. અમદાવાદ માટે ગર્વની વાત એ છે કે બીજા કોઇ શહેરમાં એવી કોઇ બૅંક નથી જે હજારો – લાખો નહીં પણ કરોડોનું ક્રેડિટ તેના ખાતેદારોને આપતી હોય. જ્યારે પ્રગતિની વાત કરવી હોય તો ઈલા ભટ્ટે સેવા થકી કરેલી આ પ્રગતિથી મોટું તો વળી બીજું શું હોઇ શકે? કારણ કે સમાજના સૌથી નિમ્ન સ્તરે પૂંજીકરણ – મૂડીકરણ થયું હોવાનું આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ કોઇ બીજું નથી.
ગાંધીજીના ગમતાં ભજનમાં જે વૈષ્ણવજનનો ઉલ્લેખ છે તે ઇલા ભટ્ટ જેવા જ હોઇ શકે. તેમના કામ થકી તેમના સુધી ઘણાં લોકો પહોંચ્યા. અશ્વેતોની લડાઈનાં આગેવાન – જે આગવાં ગાંધીવિચાર જીવી હતા તેવા નેલ્સન મંડેલાએ ‘ધી એલ્ડર્સ’ નામનું એક ગ્રૂપ બનાવ્યું હતું જેમાં જીમી કાર્ટર, માર્ગારેટ થેચર જેવાં વૈશ્વિકસ સ્તરનાં પૂર્વ રાષ્ટ્રપ્રમુખો સભ્ય હતાં. ઈલા ભટ્ટ પણ આ ગ્રૂપનાં સભ્ય હતાં. કામગીરી વિશે વાત થતી ત્યારે અંતે ઈલા ભટ્ટનું મંતવ્ય પૂછવામાં આવતું કારણકે જમીન સાથે જોડાઈને નહીં પણ ઘસાઈને કામ કરનારા વૈશ્વિક આગેવાન તરીકે તો ઈલા ભટ્ટ જ હતાં. નેલ્સન મંડેલા ભારત જ્યારે તેમના ઘરે ‘ટોય હાઉસ’માં આવ્યા ત્યારે ઈલા બહેને તેમને મોજાં ભેટ આપ્યા હોવાનો પ્રસંગ પણ મજાનો છે.
સ્ત્રીઓની ભાગીદારીમાં જ્યારે રોકાણ થાય ત્યારે બહેતર સમાજ ઘડાય એવું તે દ્રઢતાથી માનતાં અને માટે જ તેમનો સિદ્ધાંતનો હિસ્સો હતાં સ્ત્રી, કર્મ અને શાંતિ. ગાંધીજીના વિચારોને આત્મસાત કરનારાં, આગેવાન છતાં ય એક સ્વયંસેવક જેવું જીવન જીવનારાં ઈલા બહેને સતત એ અહિંસક સ્વસ્થ સ્વાશ્રયી સમાજ ઘડવાની કામગીરી કરી, એવો સમાજ જેના કેન્દ્રમાં સ્ત્રી હોય. સ્ટ્રોક પછી ઇલા ભટ્ટ ફરી બેઠાં થયાં પછી ફરી માંદગીએ ઘેરો ઘાલ્યો. હૉસ્પિટલમાં હતા ત્યારે ડૉક્ટર ‘તમારું નામ શું?’ પ્રકારના સવાલો ચોકસાઈ માટે પણ કરે તો ICCU માં રહેલા ઈલા ભટ્ટના મુંગા ચહેરા પર અણગમો છલકાઈ આવતો. સ્ટ્રોક આવ્યો -સાજા થયાં, તબિયત બગડતાં ફરી હૉસ્પિટલ જવું પડ્યું, ગોલ્બ્લેડરની સર્જરી કરી એ પછી પણ ગાવાનો રિયાઝ પુર જોશમાં ફરી ચાલુ કરી દીધો હતો.
ડૉક્ટરે જ્યારે એમ કહેલું કે, ‘મક્કમ થાવ, લડત આપો, જલદી સાજા થાવ’ ત્યારે સામે એમ પુછ્યું હતું કે ‘લડત કેમ? તમારે બહારગામ જવાનું છે?’ સહેજ સારું લાગે તો કોઇ એકની એક વાત નહીં પણ કંઇ નવી માહિતી પર વાત માંડે એવા ઈલા ભટ્ટની સરળતા, તેમનો પ્રેમાળ સ્વભાવ, તેમનું સ્મિત જ તેમની શક્તિ હતાં. સફેદ દિવાલો, લાકડાની ખુરશીઓ અને સેટીઓવાળા નાનકડા ટોય હાઉસમાં જ પ્લાનિંગ કમિશન, રિઝર્વ બેંકની મિટીંગો થઇ, મેરી રોબિન્સન જેવા અગ્રણીઓ પણ ત્યાં જ આવ્યા અને આપણાં મહા-આત્મયી અને મહા – આત્મીય ઈલા ભટ્ટે ગીતો પણ ત્યાં જ ગાયા.
બાય ધી વેઃ
ઈલા ભટ્ટનાં અંતિમ સંસ્કાર ટાણે સેવાની બહેનોના નારામાં એક નારો હતો કે, ‘પચાસ લાખ હો કે રહેંગે’.. હાલમાં સેવા સાથે વીસ લાખ બહેનો જોડાયેલી છે અને પોતાનાં બહેનને વિદાય આપતી વેળા આ દરેક સ્ત્રીએ ઈલા ભટ્ટને અને પોતાની જાતને સેવાની મજલ કેટલી આગળ ધપવાની છે તેનું વચન આપ્યું. તેમણે છેલ્લે જે શાલ ઓઢી હતી તે શાલ પર તેમના કુટુંબનાં સૌથી નાનાં સભ્યથી માંડીને સૌથી મોટાં સભ્યનાં હાથની છાપ લેવાઇ, તેમની તસવીરની આસપાસ રજનીગંધા અને મોગરાનાં ફુલો એવાં મઘમઘતા હતાં કે જાણે દરેક શ્વાસે ધ્યાન ધરો તો કદાચ ઈલા ભટ્ટનો બહુ જાણીતો મીઠો અવાજ સુદ્ધાં કાને અથડાય. ઈલા ભટ્ટને સલામ અને ઇશ્વરનો પાડ કે આપણને, આપણાં સમાજને, ગામડાંની બહેનોને અને એમણે જેમને પ્રેરણા આપી એવાં તમામ વર્લ્ડ લીડર્સને એ મળ્યાં. ઇલા ભટ્ટ સાથે સંકળાયેલાઓનો અનુબંધ જોજનો સુધીનો છે અને રહેશે.