નવી દિલ્હી: પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પરનું દબાણ ગુરુવારે સવારે ઉત્તર અને ઉત્તર-પૂર્વ તરફ આગળ વધ્યું હતું અને ઊંડા દબાણમાં ફેરવાઈ ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલું દબાણ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જવાની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સમુદ્રનું દબાણ ઉત્તર અને ઉત્તરપૂર્વ દિશા તરફ આગળ વધતું રહેશે. તેમજ આ દબાણ આગામી 24 કલાકમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ તીવ્ર બનશે. શનિવારે સવારે બાંગ્લાદેશના કુરુપારા અને મોંગલા વચ્ચે લેન્ડફોલ થવાની સંભાવના છે.
જણાવી દઈએ કે શુક્રવારે ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે સમુદ્રની સ્થિતિ ખરાબ થવાની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને 16 અને 17 નવેમ્બરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અને તેની આસપાસના દરિયામાં ન જવાની ચેતવણી આપી છે.