નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2022માં (T20WorldCup2022) ભારતનો સામનો સુપર-12 તબક્કાની છેલ્લી મેચમાં ઝિમ્બાબ્વે (Zimbabve) સામે થશે. ટીમ ઈન્ડિયા (India) હાલમાં પોતાના ગ્રુપમાં ટોપ પર છે અને સેમીફાઈનલમાં (Semifinal) પહોંચવાની અણી પર છે. રવિવારે જ્યારે બંને ટીમો મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર આમને-સામને ટકરાશે ત્યારે દરેકની આશા હશે કે ભારત આ મેચ આસાનીથી જીતી જાય, તમને યાદ અપાવી દઈએ કે આ વર્ષે વર્લ્ડકપની ટુર્નામેન્ટ અપસેટ સર્જનારી રહી છે. જો ઝિમ્બાબ્વે રવિવારે મોટો અપસેટ કરે તો શું થશે? શું ઝિમ્બાબ્વે હરાવી દે તો ભારતનું સેમિફાઈનલમાં પહોંચવું મુશ્કેલ બનશે? ચાલો જાણીએ શું છે સંભાવનાઓ..
જ્યારે પણ ઝિમ્બાબ્વે કોઈ પણ ICC ઈવેન્ટમાં આવે છે ત્યારે તે એક-બે મેચમાં ચોક્કસપણે ચોંકાવનારી રમત બતાવે છે ત્યારે બધાને આશ્ચર્ય થાય છે. આ વખતે પણ એવું જ થયું જ્યારે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને 1 રનથી હરાવીને આખી દુનિયાને ચોંકાવી દીધી. આ જ કારણ છે કે ઝિમ્બાબ્વેને હળવાશથી લેવું એ ભૂલ સાબિત થશે. 27 ઓક્ટોબરે રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેએ 130 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાન 129 રન બનાવી શક્યું હતું અને ઝિમ્બાબ્વેએ એક રનથી મેચ જીતી લીધી હતી.
T20 વર્લ્ડ કપ 2022માં આ સમયે સ્થિતિ એવી છે કે ભારતનું સેમીફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત છે. પરંતુ પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે, જો ઝિમ્બાબ્વે ભારત સામે જીતે છે તો ટીમ ઈન્ડિયાના 5 મેચમાં 3 જીત, 2 હાર અને 6 પોઈન્ટ હશે. આવી સ્થિતિમાં આ જીત સાથે ઝિમ્બાબ્વે 2 જીત, 2 હાર અને વરસાદના લીધે એક મેચના 1 પોઈન્ટ સાથે 5 પોઈન્ટ બનશે. યાદ રહે કે ગ્રુપ-2માં તમામ ટીમોએ એક-એક મેચ રમવાની છે, જે તમામ રવિવારે જ રમાવાની છે.
રવિવારે દક્ષિણ આફ્રિકા-નેધરલેન્ડ, ભારત-ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન-બાંગ્લાદેશની મેચો યોજાવાની છે. અત્યારે ભારતના 6 પોઈન્ટ છે, દક્ષિણ આફ્રિકાના 5 અને પાકિસ્તાનના 4 પોઈન્ટ છે. જો ભારત ઝિમ્બાબ્વે સામે હારે છે તો તેના 5 મેચમાં 3 જીત, 2 હાર સાથે 6 પોઈન્ટ થઈ જશે. તેનો નેટ રન રેટ પણ ઘટશે. જો પાકિસ્તાન બાંગ્લાદેશ સામે જીતે છે તો તેના 5 મેચમાં 3 જીત અને 2 હાર સાથે 6 પોઈન્ટ થઈ જશે. તેનો નેટ રન રેટ ભારત કરતા સારો રહેશે. એટલે કે પાકિસ્તાન સેમીફાઈનલમાં જઈ શકે છે.
જો સાઉથ આફ્રિકા તેની મેચ જીતે છે તો તેના 7 પોઈન્ટ થઈ જશે અને તે સરળતાથી સેમીફાઈનલમાં પહોંચી જશે. ભારતની હાર, દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાનની જીત ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. એટલે કે ઝિમ્બાબ્વે સામેની ટીમ ઈન્ડિયાની આ મેચ પણ એક રીતે ઘણી મહત્વની મેચ બની જાય છે. ઝિમ્બાબ્વે ભારતને હરાવ્યું તો બીજી તરફ બાંગ્લાદેશ પણ પાકિસ્તાનને હરાવ્યું. અહીં દક્ષિણ આફ્રિકા જીતશે, પછી નેટ-રન રેટની રેસ થશે અને ભારત-બાંગ્લાદેશમાંથી કોઈપણ એક ટીમ સેમિફાઈનલમાં જશે.