Editorial

અતિક અહેમદ જેવા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવી હોય તો યોગી જેવા મુખ્યમંત્રી જોઇએ

ગોરખપુર એટલે ઉત્તર પ્રદેશમાં આવેલુ એક શહેર. અહીં આવેલા ગોરખનાથ મંદિર પરથી આ શહેરનું નામ ગોરખપુર પડ્યું. આ મંદિરના મહંત છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી. પહેલા આ મંદિર કે શહેર એટલું જાણીતું ન હતું પરંતુ જ્યારથી આદિત્યનાથ યોગી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ મંદિર અને શહેર માત્ર દેશ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં જાણીતું બની ગયું છે. તેનું કારણ એ છે કે, ઉત્તર પ્રદેશના માફિયાઓ તેમના નામ માત્રથી ફફડે છે. અત્યાર સુધી રાજકીય ઓઠા હેઠળ આવા માથાભારે તત્વો બેફામ થઇ ગયા હતાં પરંતુ હવે દરેકને ખબર છે કે જો કોઇ પણ હરકત કરી તો મકાન ઉપર સીધું જ બુલડોઝર ફરી જશે.

અત્યાર સુધી ઉત્તર પ્રદેશમાં અનેક મુખ્યમંત્રી આવી ગયા પરંતુ સલ્તનત તો હંમેશા માફિયાઓના હાથમાં જ રહેવા પામી હતી. યોગીજીના અધિકારીઓ મકાનો તોડવાની કામગીરીમાં એટલા પારંગત થઇ ગયા છે કે, આ બાબતે સ્થાનિક કોર્ટ, હાઇકોર્ટ કે પછી સુપ્રિમ કોર્ટ અપરાધીની કોઇ દલીલ ટકે તેમ નથી કારણકે માફિયાઓના એવા મકાન ઉપર અથવા તો મકાનના એવા ભાગ ઉપર જ બુલડોઝર ફેરવવામાં આવે છે જે ગેરકાયદે હોય છે.

આદિત્યનાથ યોગી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, બદમાશ અને માફિયાઓ અથવા તો ગુંડાગર્દી છોડી દે અથવા તો ઉત્તર પ્રદેશ. તેમણે જે કહ્યું તે કરી બતાવ્યું. હાલમાં ઉત્તર પ્રદેશમાં માફિયાઓનું નહીં પણ સરકારનું રાજ છે તે અરીસાની જેમ દેખાઇ રહ્યું છે. આવા જ એક માફિયાનું વર્ષોથી ચાલતું એકહથ્થુ શાસન કેવી રીતે હાલકડોલક થઇ ગયું હતું અતિક અહેમદના ઉદાહરણ પરથી જ દેખાઇ આવે છે. અતીક અહમદનો જન્મ 10 ઓગસ્ટ 1962માં શ્રાવસ્તી જનપદમાં થયો હતો. અભ્યાસમાં તેને કોઈ ખાસ રસ નહોતો, તેથી તેણે હાઈસ્કૂલમાં નપાસ થયા પછી અભ્યાસ છોડી દીધો હતો.

ઘણા માફિયાઓની જેમ અતિક પણ ગુનાહિત દુનિયામાંથી રાજકારણમાં આવ્યો છે. પૂર્વાંચલ અને અલાહાબાદમાં ખંડણી, અપહરણ જેવા ઘણા કેસમાં તેનું નામ આવ્યું છે. 1979માં માત્ર 17 વર્ષની ઉંમરે અતીક અહમદ પર મર્ડરનો આરોપ લાગ્યો હતો. અત્યારે હાલ નાના-મોટા થઈને તેની સામે 196 ફરિયાદ કરવામાં આવી છે.તેની સામે ઉત્તરપ્રદેશના લખનઉ, કૌશામ્બી, ચિત્રકૂટ, અલાહાબાદમાં જ નહીં, પરંતુ બિહારમાં પણ મર્ડર, અપહરણ, જબરદસ્તી વસૂલી જેવા કેસ નોંધાયેલા છે. તેની વિરુદ્ધમાં સૌથી વધુ અલાહાબાદમાં કેસ નોંધાયેલા છે.

કાનપુરમાં પણ તેની સામે પાંચ કેસ નોંધાયેલા હતા, જેમાંથી તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. દેશના રાજકારણમાં ઘણા લોકો એવા છે, જે ખૂબ નાની અથવા માફિયાની દુનિયામાંથી નીકળીને આવ્યા હોય. અમુક લોકોએ નેતા બન્યા પછી તેમની છબિ સુધારી લીધી છે, પરંતુ યુપીના રાજકારણમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અતીક અહમદે તેની છબિ સાથે કોઈ સમજૂતી કરી નથી. તે ત્રણ દશકા પહેલાં જેવો હતો તેવો જ આજે છે. તે માથા પર સફેદ રૂમાલની પાઘડી પહેરે છે અને આજે પણ તેના નામની આગળ બાહુબલીનું ઉપનામ લાગે છે.અતીક સપામાંથી ટિકિટ લઈ બેવાર ધારાસભ્ય બન્યો હતો.

ગુનાની દુનિયામાં નામ કમાઈ ચૂકેલા અતીકને સમજાઈ ગયું હતું કે સત્તાની તાકાત કેટલી મહત્ત્વની હોય છે. તેથી તેણે રાજકારણમાં આવવાનું નક્કી કર્યું. વર્ષ 1989માં તે પહેલીવાર અલાહાબાદ વિધાનસભા સીટથી ધારાસભ્ય બનેલો. તેણે 1991 અને 1993માં અપક્ષમાં રહીને ચૂંટણી લડી અને ધારાસભ્ય પદ મેળવ્યું હતું. 1996માં આ જ સીટ પર તેને સમાજવાદી પાર્ટીએ ટિકિટ આપી અને તે ફરી ધારાસભ્ય બન્યો.

અતીક અહમદ 1999માં અપના દળ પાર્ટીમાં જોડાયો. તે પ્રતાપગઢથી ચૂંટણી લડ્યો અને હારી ગયો. તે 2002માં આ જ પાર્ટીમાંથી ફરી ધારાસભ્ય બન્યો. 2003માં જ્યારે યુપીમાં સરકાર બની ત્યારે અતીકે ફરી મુલાયમ સિંહનો હાથ પકડ્યો. 2004ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ તેને ફૂલપુર સંસદીય વિસ્તારમાંથી ટિકિટ આપી અને તે ત્યાંનો સાંસદ બન્યો. ઉત્તરપ્રદેશની સત્તા મે 2007માં માયાવતીના હાથમાં આવી ગઈ. તેના બધા નિર્ણયો ખોટા પડવા લાગ્યા. તેની સામે એક પછી એક કેસ નોંધાવા લાગ્યા હતા.

અતીક અહમદનું વધુ એક રહસ્ય પણ ઘણું રસપ્રદ છે. તેણે ચૂંટણી દરમિયાન ફંડ ક્યારેય ફોન કરીને કે કોઈને ડરાવી ધમકાવીને નથી લીધું, પરંતુ શહેરના પોશ વિસ્તારમાં બેનર લગાવે છે અને એમાં લખ્યું હોય છે કે તમારો પ્રતિનિધિ તમારી પાસેથી સહયોગની અપેક્ષા રાખે છે. મત આપો અને ગરીબને જિતાડો. બેનરમાં લખેલા શબ્દો વાંચીને લોકો અતિકના ઘરે ફંડ મોકલાવી દેતા. એટલું જ નહીં, તે તેના ખાસ માણસને મેસેજ આપવા માગતો હોય તો તે વિવિધ ન્યૂઝપેપરમાં જાહેરાત આપતો હતો, જેમાં લખ્યું હતું કે શું કરવું છે અને શું નથી કરવાનું.

બસપાના ધારાસભ્ય રાજુ પાલની હત્યામાં નામજોગ આરોપી થયા પછી પણ અતીક સાંસદ તરીકે કાર્યરત હતો. એને કારણે ચારેય બાજુ તેની ઘણી નિંદા થઈ હતી અને અંતે મુલાયમ સિંહે ડિસેમ્બર 2007માં બાહુબલી સાંસદ અતીક અહમદને પાર્ટીમાંથી બહાર કાઢી નાખ્યો હતો. જો કે, આજે જે રીતે ઉમેશ પાલના મર્ડરમાં યુપી પોલીસ તેનો કબજો લેવા માટે સાબરમતિ જેલમાં પહોંચી હતી તે જોતા તો સ્પષ્ટ થાય છે કે, યોગી તેને સીધી રીતે છોડવાના મૂડમાં નથી.

Most Popular

To Top