SURAT

હોર્ન વગાડશો તો દંડ ભરવો પડશે, સુરતમાં ટ્રાફિકના નવા નિયમ લાગુ થયા

ટ્રાફિક સિગ્નલ, હેલ્મેટ બાદ હવે સુરત શહેરમાં હોર્ન વગાડવા મામલે પણ ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા છે. હવે જરૂર નહીં હોય છતાં હોર્ન વગાડશો તો દંડ ભરવો પડશે. સુરત શહેર પોલીસે શહેરમાં પહેલીવાર હોર્ન વગાડનારાઓ પર દંડકીય કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

બિનજરૂરી હોર્ન વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા વાહનચાલકો સામે સુરત શહેર પોલીસ હવે મોટર વ્હીકલ એક્ટની કલમ 190(2) હેઠળ દંડનીય કાર્યવાહી કરશે. પહેલીવારના ગુનામાં 500 અને ત્યાર બાદ 1000 સુધીનો દંડ વસૂલવામાં આવશે.

સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ હાલમાં ટ્રાફિક નિયમોની જાગૃરૂકતા માટે કામ કરી રહી છે. ટ્રાફિક શાખાના એસીપી એસ.આર. ટંડેલે કહ્યું કે, સુરતમાં વાહનચાલકોને હોર્ન વગાડવાની ટેવ છે. જાણતા અજાણતા તેઓ ધ્વનિ પ્રદૂષણ ફેલાવી રહ્યાં છે. રેડ સિગ્નલ પર ઉભા હોય તો પણ હોર્ન વગાડે છે. આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

જાગૃતિ અભિયાન બાદ ટ્રાફિક પોલીસ બિનજરૂરી હોર્ન વગાડનાર લોકોને ઓળખીને દંડ ફટકારશે. જોકે, આ સાથે એસીપીએ કહ્યું કે, પોલીસનો ઉદ્દેશ દંડ વસૂલવાનો નથી. લોકો જાગૃત થાય તે માટે આ કાર્યવાહી કરવામાં આવશે.

ટ્રાફિક પોલીસનું આ નવું અભિયાન સુરત શહેરને ટ્રાફિકની શિસ્ત અને ધ્વનિ પ્રદૂષણ મુક્ત બનાવવા તરફનું એક મહત્વનું પગલું છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હાલ પોલીસ લોકોને હોર્નથી થતા ધ્વનિ પ્રદૂષણ વિશે જાગૃત કરી રહી છે, જેથી આગામી દિવસોમાં દંડની કાર્યવાહી થાય તે પહેલાં લોકો પોતાની આદતો સુધારી લે.

Most Popular

To Top