શેખ સાદીના બાળપણનો પ્રસંગ છે. એક વખત અગિયાર – બાર વર્ષની ઉંમરે તેઓ કુરાન શીખતા હતા. એટલે કુરાનની આયાતોને યાદ કરવા, બરાબર મોઢે રાખવા માટે આખી રાત જાગીને કુરાની આયાતો પઢી(વાંચી) રહ્યા હતા અને સતત અલ્લાને યાદ કરી રહ્યા હતા. ત્યારે તેમના ઘરના અને આજુબાજુના મહોલ્લાના લોકો આરામથી ઊંઘતાં હતાં. કેટલાંકનાં નસકોરાંના અવાજ આવી રહ્યા હતા. શેખ સાદીએ કુરાન વાંચતાં વાંચતાં વિચાર્યું કે, ‘હું કેટલો હોશિયાર છું કે સૂવામાં સમય બરબાદ ન કરતાં કુરાન વાંચી રહ્યો છું. એટલે હું અલ્લાને વધારે ગમીશ અને આ બધા મૂર્ખ છે કે કુરાન વાંચવાના સ્થાને સૂઈ ગયા છે.’ આમ પોતાને બીજા કરતાં ચઢિયાતા સમજી અને અન્ય બધાને મૂર્ખ ગણી શેખ સાદી આખી રાત કુરાન વાંચતા રહ્યા. આયાતો એક પછી એક યાદ કરતા ગયા. આખી રાત એક ઝોકું પણ ન લીધું અને વાંચન કર્યું.
વહેલી સવારે તેમના પિતાજી પહેલી નમાઝ પઢવા ઊઠ્યા, ત્યારે તેમણે શેખ સાદીને કુરાન વાંચતા જોયા અને શેખ સાદીએ પણ પિતાની બાજુમાં બેસી નમાઝ પઢી. નમાઝ બાદ પિતાજીએ પૂછ્યું, ‘આજે વહેલો ઊઠીને વાંચે છે, સારું કહેવાય.’ શેખ સાદીએ ઉત્સાહથી કહ્યું, ‘અરે અબ્બાજાન! હું તો આખી રાત સૂતો જ નથી. આખી રાત જાગીને મેં ઘણી બધી આયાતો મુખપાઠ યાદ કરી લીધી છે. ભલે આ બધા મૂર્ખ લોકો સૂતા હતા પણ હું તો કુરાન વાંચતો હતો. હું હોશિયાર છું અને જાણું છું કે શું વધારે મહત્ત્વનું છે.
એટલે હું કુરાન વાંચતો હતો. આ મૂર્ખ લોકોની જેમ સૂતો ન હતો. બાબા જુઓ ને, આ બધા હજી સૂતા છે. ખુદને દિવસની પહેલી નમાઝ પઢવા પણ આખી રાત સૂતા પછી પણ કોઈ ઊઠતું નથી. આટલી આળસ થોડી કરાય?’ શેખ સાદીના આવા વિચારો અને શબ્દો તેમના પિતાજીને બિલકુલ ગમ્યા નહિ. તેમણે સાદીને કહ્યું, ‘આજે તું કુરાનને હાથ પણ નહિ લગાડે અને આખા ઘરને સાફ કરીશ.’ સાદીને કંઈ સમજાયું નહિ કે પોતે આખી રાત કુરાન વાંચ્યું, મોઢે કર્યું, સવારની નમાઝ પણ પઢી, છતાં પિતાજી ખુશ ન થયા. સાદી રડવા લાગ્યા.
પિતાજી બોલ્યા, ‘બેટા, હવે રડીને શું મતલબ. તું પણ આખી રાત કુરાન વાંચવાની જગ્યાએ ઊંઘી ગયો હોત તો સારું થાત. તેં કુરાન વાંચ્યું, પણ સમજ્યું કે શીખ્યું નથી. કુરાન અભિમાન કરવાની, નિંદા કરવાની ના પાડે છે અને તેં જાગતાં રહીને પોતા પર અભિમાન અને બીજાની નિંદા જ કરી છે. આના કરતાં તું સૂઈ ગયો હોત તો સારું થાત. બીજાની નિંદા કરવાનું અને પોતા પર અભિમાન કરવાનું પાપ તો ન કરત.’ સાદીને પોતાની ભૂલ સમજાઈ ગઈ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.